Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ભારત અને રશિયા વચ્ચે વેપાર, ઉર્જા.અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં રેકોર્ડ 28 સમજૂતીઓ પર હસ્તાક્ષર

ઉર્જાના વ્યૂહાત્મક ક્ષેત્રમાં બંને દેશોના પરસ્પર સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા : સૈન્ય સહકાર પરના કરારને વધુ 10 વર્ષ માટે લંબાવાયો

નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે રેકોર્ડ 28 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે, જેમાં વેપાર, ઉર્જા, સંસ્કૃતિ, શિક્ષણના ક્ષેત્રોમાં કરારો સામેલ છે. સોમવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પીએમ નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે સમિટ યોજાઈ હતી

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ આ બેઠકમાં કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત ઘણી ફળદાયી રહી. તેમણે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે 28 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સાથે ઉર્જાના વ્યૂહાત્મક ક્ષેત્રમાં બંને દેશોના પરસ્પર સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

વિદેશ સચિવે કહ્યું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિને અફઘાનિસ્તાન પર ભારત અને રશિયા વચ્ચે ગાઢ પરામર્શ અને સંકલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય બંને પક્ષો સ્પષ્ટપણે માને છે કે અફઘાન વિસ્તારનો ઉપયોગ આતંકવાદીઓને આશ્રય આપવા, તાલીમ આપવા અથવા આતંકવાદી ગતિવિધિઓની યોજના બનાવવા માટે થવો જોઈએ નહીં.

સંરક્ષણ પ્રધાનો વચ્ચેની વાટાઘાટોના નિષ્કર્ષ પર, બંને પક્ષોએ ઉત્તર પ્રદેશના અમેઠીમાં એક યુનિટમાં સંયુક્ત રીતે છ લાખથી વધુ એકે-203 રાઇફલ્સનું ઉત્પાદન કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ઉપરાંત સૈન્ય સહકાર પરના કરારને વધુ 10 વર્ષ (2021-31) માટે લંબાવવામાં આવ્યો છે.ભારતીય સશસ્ત્ર દળો માટે આશરે રૂ. 5000 કરોડના ખર્ચે આ રાઈફલ્સનું નિર્માણ કરવામાં આવશે. લશ્કરી સહયોગ પર 10-વર્ષનો કરાર એ હાલના માળખાનું નવીકરણ છે.

(11:35 pm IST)