Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કચ્છી કડવા પાટીદાર અને કપોળ ત્રણેય લીગ મૅચ જીતીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી

સોરઠિયા મુસ્લિમ ઘાંચી જીતનો લય જાળવી ન શક્યું : સૌરાષ્ટ્ર લેઉવા પટેલે તેમને ફક્ત ૩.૩ ઓવરમાં જ હરાવી: ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમનો સતત બીજો પરાજય : સતત બીજા દિવસે કોઈ ટીમ ૧૦૦ રનનો આંકડો પણ પાર ન કરી શકી

મુંબઈ :  દિવસની પહેલી ટક્કર ગ્રુપ-Cની ટીમો સૌરાષ્ટ્ર લેઉવા પટેલ અને સોરઠિયા મુસ્લિમ ઘાંચી વચ્ચે હતી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલના કૅપ્ટન હિતેશ ભાયાણીએ ટૉસ જીતીને ઝાંકળવાળા આઉટફીલ્ડનો લાભ લેવા પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો. સોરઠિયા મુસ્લિમ ઘાંચીનો સ્ટાર ઓપનર સુફિયાન ચૌહાણ સતત બીજી મૅચમાં ફ્લૉપ રહ્યો હતો અને ૭ બૉલમાં માત્ર બે રન બનાવીને બીજી ઓવરના છેલ્લા બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. ત્યાર બાદ નિરંતર વિકેટ-પતનને લીધે સોરઠિયા મુસ્લિમ ઘાંચીનો રનપ્રવાહ સાવ ધીમો પડી ગયો હતો. છઠ્ઠી પંકજ ધામેલિયાની ઓવરમાં હિતેશ ભાયાણીના બે અફલાતૂન કૅચને લીધે સોરઠિયા મુસ્લિમ ઘાંચી પર હૅટ-ટ્રિકનો અને માંડ-માંડ બનેલા ૨૫-૩૦ રનમાંથી ૨૦ રન ઓછા થઈ જવાનો ખતરો તોળાવા લાગ્યો હતો. જોકે તેઓ એ ટાળવામાં સફળ થયા હતા. ઇબ્રાહિમ બિલખિયા (૧૦), રિયાઝ અગવાન (અણનમ ૧૫) અને કૅપ્ટન માહી કરવાતર (૯)ની નાનકડા યોગદાનને લીધે સોરઠિયા મુસ્લિમ ઘાંચી ૧૦ ઓવરના અંતે ૬ વિકેટે ૫૫ રન સુધી જ પહોંચી શકી હતી. ૫૬ રનના ટાર્ગેટ સામે સૌરાષ્ટ્ર લેઉવા પટેલના ઓપનરો કૅપ્ટન હિતેશ ભાયાણી (૧૩ બૉલમાં અણનમ ૩૦) અને ધર્મેશ પટેલે (૮ બૉલમાં અણનમ ૧૪) પહેલી ઓવરમાં ૩ રન સાથે સાવચેતીભરી શરૂઆત કરી હતી, પણ બીજી ઓવરમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૪ રન ફટકારીને સ્કોરબોર્ડ ફરતું કરી દીધું હતું અને ત્રીજી ઓવરમાં તો ત્રણ સિક્સર અને એક ફોર સાથે ૯ રન બોનસ સાથે ૩૩ રન ફટકારીને જીતના દ્વાર સુધી પહોંચી ગયા હતા. ચોથી ઓવરના ત્રીજા બૉલમાં આખરે વિજયી રન ફટકારીને સૌરાષ્ટ્ર લેઉવા પટેલે સતત બીજી જીત મેળવી લીધી હતી. હવે બન્ને ટીમો તેમની છેલ્લી લીગ મૅચમાં હાલાઈ લોહાણા સામે ટકરાશે. 
અણનમ ૩૦ રન, એક વિકેટ અને બે અફલાતૂન કૅચના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ હિતેશ ભાયાણી સતત બીજી મૅચમાં મૅન ઑફ ધ મૅચ રહ્યો હતો. 
ટૂંકો સ્કોર
સોરઠિયા મુસ્લિમ ઘાંચી :  ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૫૫ રન (રિયાઝ અગવાન ૧૩ બૉલમાં એક ફોર સાથે અણમ ૧૫, ઇબ્રાહિમ બિલખિયા ૮ બૉલમાં બે ફોર સાથે ૧૦ રન. પંકજ ધામેલિયા ૬ રનમાં બે તથા શૈલેશ માણિયા ચાર રનમાં, ધ્રુવ વઘાસિયા ૧૧ રનમાં, મનીષ પાનસેરિયા ૧૪ રનમાં તેમ જ હિતેશ ભાયાણી ૧૬ રનમાં એક-એક વિકેટ)  
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ : ૩.૩ ઓવરમાં વિના વિકેટે ૫૬ રન (હિતેશ ભાયાણી ૧૩ બૉલમાં ૩ સિક્સર અને બે ફોર સાથે અણનમ ૩૦, ધર્મેશ પટેલ ૮ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે અણનમ ૧૪ રન). 
મૅચ-૨
ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદાર સામેના આ જંગમાં ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમના કૅપ્ટન દર્પણ ટાંકે ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. ગ્રુપ-Aના આ જંગમાં ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમ માટે જીતવું જરૂરી હતું, કેમ કે તેમણે પ્રથમ મૅચમાં હાર જોવી પડી હતી. ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદારે તેની પ્રથમ બન્ને લીગમાં જીત મેળવી હતી. ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમનો પ્રથમ બૅટિંગ કરીને મોટા સ્કોર સાથે ચૅમ્પિયન ટીમને પ્રેશરમાં મૂકવાનો હતો, પણ બીજી જ ઓવરમાં તેમનો ઓપનર આલેશ ટાંક માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો અને ભૂતપૂર્વ કૅપ્ટન કાર્તિક મકવાણા ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ પાંચ ઓવર સુધી તેમનો સ્કોર બે વિકેટે ૩૫ રન સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ છઠ્ઠી ઓવરમાં ફરી બે વિકેટ પડી જતાં રનનો પ્રવાહ અટકી ગયો હતો. આખરે ચિરાગ ગેડિયાએ ૧૨ બૉલમાં બે ફોર સાથે ૧૪ રન બનાવતાં તેઓ ૧૦ ઓવરના અંતે પાંચ વિકેટે ૬૫ રન સુધી પહોંચી શક્યા હતા. ૬૬ રનનો ટાર્ગેટ ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદાર માટે કોઈ મોટો પડકાર નહોતો, પણ અમુક સ્ટાર ખેલાડીઓ વગર રમી રહ્યા હોવાથી આ ૬૬ રન સુધી પહોંચવા તેમને ૮.૧ ઓવર સુધીનો સમય લાગ્યો હતો. આ દરમ્યાન તેમણે સ્ટાર ખેલાડીઓ વેદાંશુ ધોળુ (૦) અને ભાવિક ભગત (૮)ની વિકેટ ગુમાવી હતી. યુવા ખેલાડીઓ વિવેક સાંખલા ૨૬ રન અને તેજસ શેઠિયા ૧૭ રન સાથે અણનમ રહ્યા હતા. ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમના બોલરોને જો ફીલ્ડરોનો યોગ્ય સાથ મળ્યો હોત તો કદાચ તેઓ ચમત્કાર કરી શકે એમ હતા. અમુક આસાન કૅચ છોડતાં તેમણે સતત બીજી હાર જોવી પડી હતી. 
ત્રણ કૅચ સાથે ફીલ્ડિંગમાં કમાલ કરનાર અને બે ઓવરમાં માત્ર ૮ જ રન આપનાર કચ્છી કડવા પાટીદારના હિરેન રંગાણીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. 
ટૂંકો સ્કોર
ગુર્જર ક્ષત્રિય કડિયા : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૬૫ રન (દર્પણ ટાંક ૨૩ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૨, ચિરાગ ગેડિયા ૧૨ બૉલમાં બે ફોર સાથે ૧૪ રન. વેદાંશુ ધોળુ ૬ રનમાં અને ભાવિક ભગત ૧૨ રનમાં બે-બે  વિકેટ તેમ જ રમેશ જબુઆણી ૧૧ રનમાં એક વિકેટ). 
કચ્છી કડવા પાટીદાર : ૮.૧ ઓવરમાં બે વિકેટે ૬૬ રન (વિવેક સાંખલા ૨૩ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે અણનમ ૨૬, તેજસ શેઠિયા ૧૪ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૭ રન. દર્પણ ટાંક ૮ રનમાં બે વિકેટ).  
મૅચ-૩
આ E-ગ્રુપની ટક્કરમાં કપોળ સામે લુહાર સુતારના કૅપ્ટન વિરલ ડોડિયાએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો. પહેલી જ ઓવરમાં કપોળના ઓપનર ગૌરાંગ પારેખનો કૅચ છૂટ્યો હતો. બીજી ઓવરના ફૉલો-થ્રૂમાં કૅપ્ટને પોતે પણ કૅચ છોડ્યો અને બીજો પણ એક કૅચ છોડ્યો હતો. જોકે આ થોડા અઘરા કહી શકાય એવા કૅચ પકડાયા હોત તો પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. કપોળના બન્ને ઓપનરો ગોરાંગ પારેખ (૪૨) અને મૌલિક મહેતા (૨૩)એ ૭૭ રનની પાર્ટનરશિપ સાથે ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. આઠમી ઓવરમાં લુહાર સુતારના બોલર પારસ પરમારે મૌલિક મહેતાને કૉટ ઍન્ડ બોલ્ડ કરીને આ પાર્ટનરશિપને તોડી હતી. એ જ ઓવરમાં વિકેટકીપર રૂપેશ પીઠવાએ શાનદાર કીપિંગનું પ્રદર્શન કરતાં ગૌરાંગ પારેખનું સ્ટમ્પિંગ કર્યું. આ એક જ ઓવરમાં બન્ને ઓપનરો આઉટ થઈ જતાં કપોળ ટીમ મજબૂત શરૂઆતને મોટા સ્કોર સુધી નહોતી લઈ જઈ શકી અને ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૯૯ રન કરી શકી હતી. આગળે બન્ને લીગ મૅચમાં ૧૦૦ પ્લસનો સ્કોર બનાવનાર કપોળ લુહાર સુતારના શાનદાર બોલિંગ-ઍટેક સામે વધુ છૂટ નહોતી લઈ શકી. 
૧૦૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલા લુહાર સુતારના ઓપનરોએ થોડી ધીમી શરૂઆત કરતાં ૩ ઓવરમાં ૧૮ રન બનાવ્યા હતા. ૯૯ રનનો વિશાળ લક્ષ્યાંક કપોળની બોલિંગ સામે પડકારજનક લાગી રહ્યો હતો. ચોથી ઓવરમાં કપોળના બોલર દીપક વાલિયાએ ઓપનર વિનય પરમાર (૧૩)ને બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ વનડાઉન આવેલા રૂપેશ પીઠવા (૧૫ બૉલમાં ૨૩)એ આક્રમક રમત દ્વારા મૅચમાં ટર્ન લાવી દીધો હતો. તેને ઓપનર તત્સત રાઠોડ (૩૪)નો પણ યોગ્ય સાથ મળ્યો હતો. બન્નેએ બીજી વિકેટ માટે ૩૨ બૉલમાં ૫૭ રનની પાર્ટનરશિપ સાથે ટીમને એક યાગદાર જીત અને ખૂબ જરૂરી જીતના દ્વાર સુધી લઈ ગયા હતા, પણ બન્નેએ રનઆઉટમાં વિકેટ ગુમાવતાં લુહાર સુતાર ટીમ ફસડાઈ પડી હતી અને છેલ્લી બે ઓવરમાં ૨૦ રન નહોતી કરી શકી અને માત્ર ૭ રનથી હાર જોવી પડી હતી. આમ લુહાર સુતારે કપોળ જેવી ચૅમ્પિયન ટીમને હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલ માટે આશા જીવંત રાખવાનો ગોલ્ડન ચાન્સ ગુમાવી દીધો હતો. 
૨૫ બૉલમાં ૩ સિક્સર અને ૩ ફોરની મદદથી ૪૨ રન કરનાર કપોળના ઓપનર ગૌરાંગ પારેખને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો. 
ટૂંકો સ્કોર
કપોળ : ૧૦ ઓવરમાં ૯૯ રન (ગૌરાંગ પારેખ ૨૫ બૉલમાં ૩ સિક્સર અને ૩ ફોરની મદદથી ૪૨, મૌલિક મહેતા ૨૧ બૉલમાં ૩ ફોરની મદદથી ૨૩ રન. પારસ પરમાર ૨૦ રનમાં બે અને વિરલ ડોડિયા ૧૦ રનમાં ૧ વિકેટ.
લુહાર સુતાર : ૧૦ ઓવરમાં ૯૨ રન (તત્સત રાઠોડ ૨૬ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૩૪, રૂપેશ પીઠવા ૧૫ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૩, વિનય પરમાર ૧૩ બૉલમાં એક ફોર સાથે ૧૨ રન. દ‌ીપક વાલિયા ૯ રનમાં અને રિશી મહેતા પાંચ રનમાં એક-એક વિકેટ.  
મૅચ-૪
છેલ્લી મૅચ D-ગ્રુપના કચ્છ-વાગડ લેઉવા પટેલ અને હાલાઈ લોહાણા વચ્ચે હતી. પોતાની આ સીઝનની પહેલી મૅચ રમી રહેલી હાલાઈ લોહાણાના કૅપ્ટન નિકુંજ કારિયાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કચ્છ-વાગડ લેઉવા પટેલના ઓપનર બોલર હસમુખ હ‌થ‌િયાણીએ ઓપનર તેજસ કાનાણીને ઝીરો પર બોલ્ડ કરીને મોટો ઝટકો આપ્યો હતો. બીજી તરફ બીજા ઓપનર હર્મેશ સોમૈયા (૨૩)એ આક્રમક રમત યથાવત્ રાખી હતી. હાલાઈ લોહાણેએ બીજી વિકેટ ૩૦ રનના સ્કોર પર હસિત સવાણી (૧૨) રૂપે ગુમાવી હતી. ત્યાર બાદ મેદાનમાં આવેલા અનુભવી મેહુલ ગોકાણીએ ૧૩ બૉલમાં કરેલા ૨૪ રન તેમ જ સ્નેહલ વિઠલાણીના ૧૩ બૉલમાં ૨૧ રનને લીધે હાલાઈ લોહાણા આખરે ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૯૬ રનના પડકારજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. ૯૭ રનના ટાર્ગેટ સામે કચ્છ-વાગડ લેઉવા પટેલના ઓપનરો વીરેન દુબરિયા (૧૨) અને હસમુખ હથિયાણી (૩૨)એ ૫.૧ ઓવરમાં ૫૧ રનની પાર્ટનરશિપ સાથે હાલાઈ લોહાણા કૅમ્પમાં સોપો પાડી દીધો હતો. કચ્છ-વાગડ લેઉવા પટેલ જીત તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે પહેલી વાર મિડ-ડે કપમાં રમી રહેલા હાલાઈ લોહાણાના કુશલ ઠક્કરે આ પાર્ટનરશિપ તોડીને ટીમને કમબૅક કરાવ્યું હતું. પહેલી વિકેટના પતન બાદ કચ્છ-વાગડ લેઉવા પટેલ ટીમ ફસડાઈ ગઈ હતી. હસમુખ હથિયાણી નવમી ઓવરમાં રનઆઉટ થઈ ગયો હતો. આકાશ ચામરિયાના છેલ્લા ૧૦ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે અણનમ ૧૫ રન છતાં ટીમ ૮૦ રન સુધી પહોંચી શકી હતી અને તેમણે ૧૬ રનથી પરાજય જોવો પડ્યો હતો. કચ્છ-વાગડ લેઉવા પટેલ આ સાથે એન‌ી ત્રણેય લીગ મૅચ હારી ગયું હતું અને હાલાઈ લોહાણાએ જીત સાથે શુભ શરૂઆત કરી હતી. 
બે ઓવરમાં માત્ર ૬ રન આપીને બે વિકેટ ઝડપીને મૅચમાં ટર્ન લાવનાર હાલાઈ લોહાણાના કુશલ ઠક્કરને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો. 
ટૂંકો સ્કોર
હાલાઈ લોહાણા : ૧૦ ઓવરમાં ૯૬ રન (મેહુલ ગોકાણી ૧૩ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે ૨૪, હર્મેશ સોમૈયા ૧૬ બૉલમાં ૩ ફોર સાથે ૨૩, સ્નેહલ વિઠલાણી ૧૮ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૨૧, હસિત સવાણી ૮ બૉલમાં એક ફોર સાથે ૧૨ રન. દક્ષ પટેલ ૮ રનમાં, હસમુખ હથ‌િયાણી ૧૧ રનમાં, કલ્પેશ નોર ૧૭ રનમાં અને આકાશ ચામરિયા ૧૯ રનમાં એક-એક વિકેટ).
કચ્છ-વાગડ લેઉવા પટેલ : ૧૦ ઓવરમાં ૮૦ રન (હસમુખ હથ‌િયાણી ૨૪ બૉલમાં પાચ ફોર સાથે ૩૨, આકાશ ચામરિયા ૧૦ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૫, વીરેન દુબરિયા ૧૫ બૉલમાં ૧૨ રન. કુશલ ઠક્કર અને નિકુંજ કારિયાની ૬-૬ રન આપીને બે-બે વિકેટ). 

(8:31 pm IST)