Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કોંગી સાંસદ શશી થરૂરે સંસદ ટીવી શોનું હોસ્ટિંગ છોડ્યું

૧૨ સાંસદોના સસ્પેન્શન પર નારાજગી વ્યક્ત કરી : ૧૨ સાંસદોનું સસ્પેન્શન રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ સંસદ ટીવી પર કોઈ શો હોસ્ટ નહીં કરે

નવી દિલ્હી, તા. : શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી બાદ હવે કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે પણ સંસદ ટીવીના શોનું હોસ્ટિંગ છોડી દીધું છે. થરૂરે સંસદના ચોમાસું સત્રમાં ૧૨ સાંસદોના સસ્પેન્શન પર નારાજગી જાહેર કરીને નિર્ણય લીધો છે.

 તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી ૧૨ સાંસદોનું સસ્પેન્શન રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ સંસદ ટીવી પર કોઈ શો હોસ્ટ નહીં કરે. ઉલ્લેખનીય છે કે, થરૂર લાંબા સમયથી સંસદ ટીવીના શો 'ટુ પોઈન્ટ'ને હોસ્ટ કરી રહ્યા છે.

તિરૂવનંતપુરમથી સાંસદ થરૂરે જણાવ્યું કે, 'મારા મતે એક શોની યજમાની માટે સંસદ ટીવીના નિમંત્રણનો સ્વીકાર કરવો ભારતની સંસદીય લોકતંત્રની સર્વોત્તમ પરંપરાઓમાં હતું. તે સિદ્ધાંતની પૃષ્ટિ કરે છે કે, અમારા રાજકીય મતભેદો અમને સંસદ સદસ્યો તરીકે વિભિન્ન સંસદીય સંસ્થાનોમાં સંપૂર્ણપણે ભાગ લેતા અટકાવી શકે.'

થરૂરે જણાવ્યું કે, સસ્પેન્શન વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા સાંસદો પ્રત્યે એકજૂથતા બતાવીને તેમણે શો 'ટુ પોઈન્ટ'નું હોસ્ટિંગ છોડવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી સાંસદોનું સસ્પેન્શન રદ થઈ જાય તથા સંસદના સંચાલન અને સંસદ ટીવીના કામકાજ માટે દ્વિદળીયતાની સમાનતા પુનઃસ્થાપિતન કરવામાં આવે ત્યાં સુધી તેઓ હોસ્ટિંગ નહીં કરે.

ઉલ્લેખનીય છે કે, થરૂરનો નિર્ણય એવા સમયે સામે આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સંસદના ચોમાસુ સત્રમાં ૧૧ અન્ય લોકો સાથે રાજ્યસભામાં સસ્પેન્શન બાદ સંસદ ટીવીના એક શો માટે એક્નર પદેથી રાજીનામુ આપ્યું હતું. તેમણે રવિવારે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુને એક પત્ર લખીને તેનું કારણ પણ જણાવ્યું હતું.

પ્રિયંકા ચતુર્વેદીએ પત્રમાં લખ્યું હતું કે, 'ખૂબ દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે, હું સંસદ ટીવીના શો 'મેરી કહાની'નું એક્નર પદ છોડી રહી છું. હું એવી જગ્યાએ કોઈ પદે રહેવા તૈયાર નથી જ્યાં મારા પ્રાથમિક અધિકારો છીનવાઈ રહ્યા હોય. અમારા ૧૨ સાંસદોના મનસ્વી સસ્પેન્શનના કારણે બન્યું છે. માટે હું જેટલી શોની નજીક હતી એટલું મારે દૂર જવું પડી રહ્યું છે. સસ્પેન્શનના કારણે મારો સાંસદ ટ્રેક રેકોર્ડ પણ ખરાબ થયો છે. મને લાગે છે કે, અન્યાય થયો છે. પરંતુ જો સભાપતિની દૃષ્ટિએ તે યોગ્ય હોય તો મારે તેનું સન્માન કરવું પડશે.'

(7:56 pm IST)