Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

પડકારો છતાં ભારત-રશિયાના સબંધો મજબૂત બન્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

૨૧મી વાર્ષિક ભારત-રશિયા સમિટ : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતમાં : બંને દેશો વચ્ચેના સંબંધો આંતરરાજ્ય મિત્રતાનું અનોખું અને વિશ્વસનીય મોડલ

નવી દિલ્હી, તા. : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ ૨૧મી વાર્ષિક ભારત-રશિયા સમિટમાં ભાગ લઈ રહ્યા છે. દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોરોનાના કારણે ઉભા થયેલા પડકારો છતાં ભારત-રશિયા સંબંધોની વૃદ્ધિની ગતિમાં કોઈ ફેરફાર થયો નથી. અમારી વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની રહી છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ વધુમાં કહ્યું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં વિશ્વએ ઘણા મૂળભૂત ફેરફારો જોયા છે અને વિવિધ પ્રકારના ભૌગોલિક-રાજકીય સમીકરણો સામે આવ્યા છે પરંતુ ભારત અને રશિયા વચ્ચે મિત્રતા અકબંધ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખરેખર આંતરરાજ્ય મિત્રતાનું અનોખું અને વિશ્વસનીય મોડલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત-રશિયા વાર્ષિક સંમેલન પછી બંને દેશો ઘોષણાપત્રના સંકેતો જાહેર કરશે. અફઘાનિસ્તાન પર સમિટ સ્તરે ભારતને રશિયા તરફથી સમર્થન મળવાની શક્યતા છે. તાજેતરમાં ભારતે સીરિયા મુદ્દે રશિયાને મોટું સમર્થન આપ્યું છે.

પહેલા ભારત અને રશિયા વચ્ચે દ્વીપક્ષીય મંત્રી સ્તરીય મંત્રણા થઈ હતી, જેમાં બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ અને વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો.

(7:52 pm IST)