Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

એક સરખા એફએમસીજી માર્જીનની માંગણી

વિતરકોના સંગઠને એફએમસીજી કંપનીઓને લખ્યો પત્ર : જાન્યુઆરીથી અસહયોગ આંદોલનની ધમકી

મુંબઇ તા. ૬ : એફએમસીજી ઉત્પાદનોના ડીસ્ટ્રીબ્યુટરો અને ડાયરેકટ ધંધાર્થીઓને માલ આપનારી (બીરબી) વિતરણ કંપનીઓ વચ્ચે માર્જીનનો મામલો ગરમાયો છે. ડીસ્ટ્રીબ્યુટરોના ટોચના સંગઠને એફએમસીજી કંપનીઓને પત્ર લખીને સામાન્ય ડીસ્ટ્રીબ્યુટરો અને ઓફલાઇન તથા ઓનલાઇન બીટબી વિતરણ કંપનીઓ વચ્ચે ભાવોમાં અંતરની ફરિયાદ કરી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં સંગઠિત ક્ષેત્રની બીટબી વિતરણ કંપનીઓ બજારમાં ફેલાઇ ગઇ છે. તેમને એફએમસીજી કંપનીઓ કરતા વધુ માર્જીન મળે છે એટલે કે તેમને સામાન્ય વિતરકોની સરખામણીમાં ચીજો ઓછા ભાવે મળે છે. તેનાથી પારંપરિક વિતરકોના ધંધાને અસર થાય છે.

દેશભરમાં ૪.૫૦ લાખ વિતરક સભ્યો ધરાવતા અખિલ ભારતીય ઉપભોકતા ઉત્પાદક વિતરક સંઘ (એઆઇસીપીડીએફ)એ કંપનીઓને પત્ર લખીને પારંપરિક વિતરક નેટવર્ક અને બીટબી વિતરકો જેમકે જીયો માર્ટ, મેટ્રો કેશ એન્ડ કેરી, બુકર તથા ઇ-કોમર્સ કંપનીઓ જેવી કે ઉડાન, ઇલાસ્ટીક રન વગેરે વચ્ચે ઉત્પાદનોના ભાવે નિર્ધારણની સમસ્યા હલ કરવા માટે બેઠક કરવા કહ્યું છે.

એઆઇસી પીડીએફના પ્રમુખ ધૈર્યશીલ પાટીલે પત્રકારોને કહ્યું કે, અન્ય ભાગીદારો દ્વારા ભારે છૂટ અપાવાથી બજારમાં એકાધિકાર જેવી સ્થિતી થઇ રહી છે. પારંપરિક વેપાર બરબાદ થઇ રહ્યો છે. તેનાથી બેરોજગારી પણ વધી રહી છે. જ્યારે એફએમસીજી કંપનીઓની સપ્લાય ચેઇન માટે તે બહુ મહત્વપૂર્ણ છે. ગ્રાહકોને લાભ મળે તેની સામે અમને વાંધો નથી પણ રિટેઇલરો અનૈતિક રીતે નાણા ખર્ચીને બજારમાં ઉત્પાદનોની કિંમત બગાડવાનું કામ કરી રહ્યા છે.

રિટેઇલરો પણ નવી પેઢીના વિતરકો પાસેથી ખરીદી કરી રહ્યા છે કેમકે તેઓ પારંપરિક વિતરકોની સરખામણીમાં વધારે માર્જીન આપે છે. પારંપરિક વિતરક ૮ થી ૧૨ ટકા માર્જીન આપે છે. જ્યારે મોટા બીટબી સ્ટોર અને ઓનલાઇન વિતરકો ૧૫ થી ૨૦ ટકાનું માર્જીન આપી રહ્યા છે. એઆઇસીપીડીએફએ કહ્યું કે જો તેમની માંગણીઓ નહી સ્વીકારાય તો તેઓ ૧ જાન્યુઆરીથી બધી એફએમસીજી કંપનીઓ સામે અસહયોગ આંદોલન શરૂ કરશે. માંગણીઓની યાદીમાં દેશભરમાં બધા વિતરકો માટે એક સમાન ભાવની માંગણી સામેલ છે.

(12:44 pm IST)