Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કોંગ્રેસ નેતૃત્વને ના સાંભળવાની આદત નથીઃ સૂચનને વિદ્રોહ સમજે છે

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે ફરી પક્ષના નેતૃત્વ સામે તીખા બાણ છોડયા : રાહુલ અને પ્રિયંકાના નેતૃત્વ ઉંપર સવાલ ઉંઠાવ્યાઃ વર્તમાન પેઢી સૂચનો ધ્યાને લેતી નથીઃ નબળો વિપક્ષ સત્તાધારી પક્ષને ફાયદો પહોંચાડે છેઃ નેતૃત્વને સિનીયર નેતાઓની પડી નથી

નવી દિલ્હી, તા. ૬ : જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે ફરી એક વખત ઈશારામાં રાહુલ અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉંઠાવ્યા છે. તેમણે કહ્યુ છે કે વર્તમાન પેઢી સૂચન ઉંપર ધ્યાન આપતી નથી. તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, ભલે આ સૂચન કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતાએ આપ્યુ કેમ ન હોય ? પરંતુ તેને અપરાધ અને વિદ્રોહ તરીકે જોવામાં આવે છે.
કોંગ્રેસમાં ફેરફારોની વકાલત કરતા જી-૨૩ નેતાઓના સમૂહના નેતા આઝાદે જણાવ્યુ છે કે જ્યારે રાજીવ ગાંધીએ રાજકારણમાં પગ રાખ્યો હતો ત્યારે ઈન્દીરા ગાંધીએ અમને બન્નેને બોલાવ્યા હતા અને રાજીવને કહ્યુ હતુ કે ગુલામનબી આઝાદ મને પણ ના પાડી શકે છે પરંતુ એ ના નો અર્થ અનાદર નહિ પણ પક્ષ માટે સારી બાબત ગણવાની હોય છે. આજે કોઈપણ ન સાંભળવા તૈયાર નથી.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, અમે પક્ષના સમાવેશી સુધારા માટે સૂચન આપતા હોઈએ છીએ. અમારામાંથી કોઈપણ પક્ષમાં પદ નથી ઈચ્છતું. અમે બસ એ ઈચ્છીએ છીએ કે પક્ષના દેખાવમાં ફેરફાર થાય. આ સમય એવો છે કે સત્તાધારી પક્ષ મજબૂત અને વિપક્ષ નબળો છે. એક નબળો વિપક્ષ સત્તાધારી પક્ષને ફાયદો પહોંચાડતો હોય છે.
હાલમાં જ કોંગ્રેસને આવતી લોકસભાની ચૂંટણીમાં ૩૦૦ બેઠકો નહિ મળે તેવોે દાવો કરવાને લઈને જ્યારે આઝાદને પૂછાયુ તો તેમણે કહ્યુ હતુ કે અત્યાર સુધી પક્ષને માત્ર એક જ મોટી બહુમતી મળી છે અને ત્યારે નેતૃત્વ ઈન્દીરા ગાંધીનું હતું.
ખુદને ચૂસ્ત કોંગ્રેસી ગણાવતા આઝાદે પોતાની નવી પાર્ટી બનાવવાની અટકળોને નકારી કાઢી હતી. જો કે એટલુ કહ્યુ હતુ કે રાજકારણમાં ક્યારે શું થાય ? તે કોઈ જાણતુ નથી.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે જ્યારે અમારા સૂચનોને નકારવામાં આવે છે તો અમને દુઃખ થાય છે. અમે પક્ષના નવનિર્માણ માટે સૂચનો કર્યા હતા, પરંતુ અમારી વાત કોઈ ધ્યાને લેતુ નથી.
પક્ષની સંગઠનાત્મક ચૂંટણીઓ અંગે પણ તેમણે ચિંતા વ્યકત કરી હતી અને કહ્યુ હતુ કે એક વખત ચૂંટણી દર વર્ષે થતી હવે બે થી પાંચ વર્ષે થાય છે. અત્યારે ક્યારે થશે તે નક્કી નથી.

 

(10:38 am IST)