Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઓમિક્રોનનો આતંક : સપ્લાઇ ચેઇન તુટી : વેપારીઓ મુશ્કેલીમાં

આયતા-નિકાસને ગંભીર અસર : ઓર્ડરો કેન્સલ થવા લાગ્યા : દેશનાં બંદરો ઉપર કન્ટેનરોની અછત : દરીયાઇ માર્ગે થતો વેપાર અસ્તવ્યસ્ત : મોટર વાહન, મશીનરી, એસી, ફ્રીજ, સિમેન્ટ, લોખંડ, કપડા, એલ્યુમીનિયમ, કેમિકલ સેકટરને અસર : જો સપ્લાઇ ચેઇન લંબાશે તો વૈશ્વિક આયાત ૧૧ ટકા મોંઘી થશે

મુંબઇ,તા. ૬:કપડાના નિકાસકાર વિવેક કુમારને જુલાઇમાં અમેરિકાથી મોટો ઓર્ડર મળ્યો. ઓકટોબરમાં ડીલીવરી કરવાની હતી. મુંબઇમાં અને સુરતમાં તેણે ગારમેન્ટ તૈગાર કરાવીને ૨૧ ઓગસ્ટે નવી મુંબઇના ન્હવાનાશેવા બંદરે મોકલી આપ્યા. કન્ટેનરના મળવાથી તેનો સામાન ૧૫ દિવસ બંદર પર પડી રહ્યો. ત્યાર પછી તેના માલનું લોડીંગ જહાજમાં થયું. તેણે સામાન તો સમયસર તૈયાર કરીને મોકલી આપ્યો પણ ડીલીવરી દોઢ મહિનો મોડી નવેમ્બરના અંતમાં થઇ. તેને એ ભય સતાવી રહ્યો હતો કે કયાંક ઓર્ડર કેન્સલ તો નહીં થાય ને.

જો કે તે તો નસીબદાર છે કે સામાન પાછો નથી આવ્યો પણ ઘણા નિકાસકારોના ઓર્ડર કેન્સલ થઇ ચૂકયા છે. આયાત-નિકાસ સાથે સંકળાયેલા દેશભરમાં ધંધાર્થીઓ અત્યારે આ પ્રકારના પડકારો સહન કરી રહ્યા છે. મુંબઇ, ચેન્નઇ, કોલકતા સહિત બધા બંદરો પર પરિસ્થિતી એક સરખી છે. કન્ટેનરની ભારે અછત છે, માલવાહક જહાજો પણ નથી મળતા.

મોટર-વાહન, મશીનરી, એસી, ફ્રીઝ, ટીવી, સીમેન્ટ, લોખંડ, કપડા, એલ્યુમિનિયમ, કેમિકલ વગેરે સેકટરો પર પ્રતિકૂળ અસર પડી છે. રોજગારીની તકો પર પણ માર પડ્યો છે. જાણકારો અનુસાર, દુનિયાના ઘણા દેશોમાં અત્યારે સારી તક છે. પણ ધંધાર્થીઓ ઇચ્છે તો પણ લાભ નથી ઉઠાવી શકતા. સમુદ્રમાર્ગે થતો વેપાર કોરોનાના વમળમાં સપડાઇ ગયો છે. શિપીંગ અને કન્ટેનર કંપનીઓ તકનો લાભ ઉઠાવી રહી છે. તેનું કારણ ઇંધણની મોંઘવારી અને અમેરીકા તથા યુરોપીય યુનિયનના દેશોમાં કામદારોની અછતનું દર્શાવાઇ રહ્યુ છે.

તો બીજી તરફ ઓમીક્રોન વેરીયન્ટે પણ ચિંતાઓ વધારી દીધી છે. સંયુકત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર, સપ્લાય ચેઇનમાં રૂકાવટ જો આગામી એક વર્ષ સુધી ચાલુ રહેશે. તો વૈશ્વિક આયાતની કિંમતો ૧૧ ટકા વધી જશે. અમેરિકાથી માલ આવવામાં ૧૦-૧૨ દિવસની જગ્યાએ ૨૦ થી ૨૮ દિવસો લાગુ છે. ભારતીય વેપારીઓને કન્ટેનર મળવામાં ૩-૪ અઠવાડીયાનો સમય વધારે લાગે છે. સેમી કન્ડકટર ચીપ પણ માંગની સામે માંડ ૫૦ ટકા મળી રહી છે. (૨૨.૯)

ઓમીક્રોનની ગતિ આવી જ રહેશે તો આગ્રાના જુતા ઉદ્યોગને જ ૨૦૦૦ કરોડનું નુકસાન

નવા વેરીયન્ટ ઓમીક્રોનને ભારતમાં દસ્તક દેતા આગ્રાના જુતા  નિકાસકારો અને પર્યટન ધંધાર્થીઓમાં ચિંતા પ્રસરી છે. કેમ કે માર્ચથી ડીસેમ્બર સુધીનો સમય બન્ને ઉદ્યોગો માટે પીક સીઝન છે. નિકાસકારોને ક્રિસમસ પહેલા યુરોપ અને અમેરિકામાંથી ઓર્ડર મળે છે તો પર્યટકો ડીસેમ્બરની રજાઓમાં ફરવાની યોજના બનાવતા હોય છે. ફુટવેર નિકાસકારોને ૧૨૦૦ કરોડ રૂપિયા જેટલુ અને પર્યટન ઉદ્યોગને ૮૦૦ કરોડ રૂપિયાનું નુકસાન આ પીક સીઝનમાં ઉઠાવવું પડી શકે છે. ગયા વર્ષે પણ કોરોનાના કારણે આ બન્ને ઉદ્યોગોએ ભારે નુકસાન ઉઠાવી ચુકયા છે

(10:06 am IST)