Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

નવા વેરિઅન્ટ ઓમિક્રોને વિશ્વમાં હાહાકાર મચાવ્યો : સાઉથ આફ્રિકામાં એક સપ્તાહમાં કોરોના કેસમાં 467 ટકાનો ઉછાળો

હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યામાં 365 ટકાનો વધારો : ફ્રાન્સમાં એક જ દિવસમાં નવા 51,624 કેસ નોંધાયા

નવી દિલ્હી :કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોને વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે.  38થી વધુ દેશોમાં તે પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકામાંથી તે મળી આવ્યા પછી તમામ દેશો ચિંતામાં મુકાયા છે. સાઉથ આફ્રિકામાં કોરોના વિસ્ફોટ થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં કેસમાં 467 ટકાનો વધારો થયો છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યામાં 365 ટકાનો વધારો થયો છે. દર 10 લોકોથી બીજા 35 લોકો સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 16055 કેસ નોંધાયા છે. 15 દિવસ અગાઉ ત્યાં દરરોજ 789 કેસ નોંધાતા હતા આમ 15 દિવસમાં કેસમાં 1900 ટકાનો વધારો થયો છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં 279 કેસ ઓમિક્રોન સંક્રમિત છે.

ફ્રાન્સમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે છેલ્લા 24 કલાકમાં નવા 51,624 કેસ પ્રકાશમાં આવ્યા છે. એક અઠવાડિયામાં કોરોનાનાં કેસમાં 60 ટકાનો વધારો થયો છે. સરકારક સંક્રમણ રોકવા તાકીદે પગલાં લઈ રહી છે. ફ્રાન્સમાં ઓમિક્રોનને રોકવા 1 કરોડ લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.

અમેરિકાનાં ન્યૂયોર્કમાં ઓમિક્રોનનાં વધુ 3 કેસ પ્રકાશમાં આવ્યા છે. આમ અહીં કુલ 8 કેસ ઓમિક્રોન સંક્રમિત છે. સાત કેસ ન્યૂયોર્ક સિટીમાં અને એક સફોલ્ક કાઉન્ટીમાં છે. હોસ્પિટલોમાં કોરોનાની લહેરને કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે. જો કે મોટાભાગનાં કેસ ડેલ્ટા વેરિઅન્ટનાં છે. સ્ટાફની અછત સર્જાઈ છે. ઓમિક્રોન વેરિઅન્ટનાં કેસ નેબ્રાસ્કા, મિનેસોટા, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, હવાઈ, મેરીલેન્ડ, પેન્સિલવેનિયા, કોલોરાડો, ઉટાહ, મિસૂરી, ન્યૂ જર્સી અને જ્યોર્જિયામાં જોવા મળ્યા છે.

(12:00 am IST)