Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મમતા બેનર્જીની કોંગ્રેસ છોડીને ગઠબંધન કરવા પર વિચારણા:સંજય રાઉતનો દાવો

મમતા બેનર્જીએ આદિત્ય ઠાકરે સાથે બંને રાજ્યો વચ્ચે પ્રવાસન અને સંસ્કૃતિના આદાનપ્રદાન અંગે ચર્ચા કરી: મુંબઈમાં બંગાળ ભવન માટે જમીન માંગી

મુંબઈ :શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોંગ્રેસ છોડીને ગઠબંધન કરવા પર વિચાર કરી રહી છે. રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં તેમની સાપ્તાહિક કોલમ `રોકથોક`માં એવો દાવો કર્યો હતો કે થોડા દિવસો પહેલા બેનર્જીએ શિવસેનાના નેતા અને રાજ્ય મંત્રી આદિત્ય ઠાકરે સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે શિવસેના અને એનસીપી મજબૂત હોવાથી અમે અહીં નહીં આવીએ.

સંજય રાઉતે સાપ્તાહિક કોલમ `રોકથોક` માં કહ્યું કે મમતા બેનર્જીએ આદિત્ય ઠાકરે સાથે બંને રાજ્યો વચ્ચે પ્રવાસન અને સંસ્કૃતિના આદાનપ્રદાન અંગે ચર્ચા કરી હતી. શિવસેનાના સાંસદે વધુમાં કહ્યું કે તેમણે મુંબઈમાં બંગાળ ભવન બનાવવા માટે જમીન માંગી હતી જેથી ટાટા કેન્સર હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવે ત્યારે તેમને રહેવાની સુવિધા મળી શકે. તેમણે એમ પણ કહ્યું કે બેનર્જીએ આદિત્ય ઠાકરેને આગામી કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે આમંત્રણ આપ્યું છે.

શિવસેનાએ શનિવારે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટીને રાષ્ટ્રીય રાજનીતિથી દૂર રાખવાથી સત્તારૂઢ ભાજપને ફાયદો થશે અને ફાસીવાદી શક્તિઓને મજબૂતી મળશે. પાર્ટીએ તેના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, `જે લોકો કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ નથી ઈચ્છતા, તેઓએ પીઠ પાછળ વાત કરીને ભ્રમ પેદા કરવાને બદલે પોતાનું સ્ટેન્ડ જાહેરમાં સ્પષ્ટ કરવું જોઈએ.` જો ભાજપ સામે લડતા લોકોને લાગે છે કે કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ જવું જોઈએ તો આ વલણ યોગ્ય નથી.

બીજી તરફ TMC નેતૃત્વએ શનિવારે કહ્યું હતું કે પાર્ટી વૈકલ્પિક મોરચો બનાવવાનું ચાલુ રાખશે કારણ કે કોંગ્રેસ ભાજપ સામેની લડાઈમાં નેતૃત્વ કરવામાં નિષ્ફળ રહી છે. આ પહેલા ટીએમસીના મુખપત્ર `જાગો બાંગ્લા`એ પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નહીં પરંતુ મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષના ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. નોંધનીય છે કે બેનર્જીએ તેમની તાજેતરની મુંબઈ મુલાકાત દરમિયાન કહ્યું હતું કે `હવે યુપીએ નથી`. આ નિવેદન બાદ દીદી અને તેમની પાર્ટીની ભારે ટીકા થઈ હતી. કોંગ્રેસના અનેક નેતાઓએ મમતા પર નિશાન સાધ્યું હતું. હવે યુપીએ નથી એવા દીદીના નિવેદન અંગે રાઉતે કહ્યું કે કોંગ્રેસ સિવાય કોઈ મોરચો બની શકે નહીં.

તેમણે કહ્યું કે અલગ મોરચો બનાવવાથી ભાજપને ફાયદો થશે. શિવસેના સાંસદે કહ્યું કે મમતા બેનર્જીનો સવાલ સાચો છે. આ અંગે આપણા મુખ્યમંત્રીએ પણ અનેકવાર પ્રશ્ન ઉઠાવ્યો છે કે યુપીએ મજબૂત હોવી જોઈએ. 2024 માટે જો કોઈ મોરચો રચાય છે તો તેનો શું ફાયદો થશે, તે વિચારવું જોઈએ.

(10:46 pm IST)