Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

નિર્ભયા રેપ કેસમાં દયાની અરજી હવે રાષ્ટ્રપતિ પાસે

ગૃહમંત્રાલય દ્વારા દયાની અરજી ફગાવી દેવાઈ : ૧૬મી ડિસેમ્બરના દિવસે જ અપરાધીઓને ફાંસી અપાય તેવી અટકળોને વેગ : જેલ તંત્ર દ્વારા પણ પ્રાથમિક તૈયારી

નવી દિલ્હી, તા. ૬ : હૈદરાબાદ રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર વચ્ચે નિર્ભયા રેપ કેસ મામલામાં મોટા અહેવાલ આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અપરાધીઓની દયા અરજી હવે રાષ્ટ્રપતિ પાસે પહોંચી ચુકી છે. ગૃહમંત્રાલય દ્વારા દયા અરજીને ફગાવી દેવા માટે સુચના આપી દીધી છે. ગૃહમંત્રાલય દ્વારા અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ હવે અપરાધીઓની તકલીફ વધી જવાના સંકેત દેખાઈ રહ્યા છે. આ અરજીની ફાઈલ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બેઝલ પાસેથી થઈને ગૃહમંત્રાલય પાસે પહોંચી હતી. મંત્રાલય દ્વારા પોતાની ભલામણો રાષ્ટ્રપતિને મોકલવાની પ્રક્રિયા રહી છે. હવે રાષ્ટ્રપતિ આ અરજીનો નિકાલ કરશે. જો રાષ્ટ્રપતિ દયાની અરજીને ફગાવી દેશે તો અપરાધીઓની ફાંસીનો રસ્તો સાફ થશે. અરજી ફગાવી દેવામાં આવશે તો સંબંધિત કોર્ટ ચારેય અપરાધીઓને ફાંસી પર લટકાવવા માટે ડેથ વોરન્ટ જારી કરશે. દયા અરજીનો નિકાલ લાવવામાં વિલંભ થાય તો અપરાધીઓ ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે.

          ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે નિર્ભયા ગેંગરેપની ઘટનાના અપરાધીઓને ૧૬મી ડિસેમ્બરના દિવસે જ ફાંસી પર લટકાવવાની અટકળો ચાલી રહી છે. તિહાર જેલના કેદીઓને ૧૬મી ડિસેમ્બરના દિવસે ફાંસી પર લટકાવવામાં આવશે તેને લઈને હજુ સુધી કોઈ પણ માહિતી મળી નથી પરંતુ એક બાબત નક્કી છે કે, રાષ્ટ્રપતિ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ જેલ વહીવટી તંત્ર આની તૈયારી શરૂ કરશે. કાયદાકીય અભિપ્રાય લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. દોષિતોને રાષ્ટ્રપતિ પાસેથી દયાની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ૧૪ દિવસનો સમય અપાશે. જેલ વહીવટી તંત્ર દ્વારા આની તૈયારી ચાલી રહી છે. અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ કોઈ પણ સમય તેમને ફાંસી આપવામાં આવી શકે છે.

(10:39 pm IST)