Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

246 માછીમારોને ભારતીય કોસ્ટગાર્ડે બચાવી લીધા : દિલધડક સફળ ઓપરેશન

તામિલનાડુના દરિયામાં અટવાયેલા ૧૬ માછીમારો મુન્દ્રા પહોંચ્યા- કોસ્ટગાર્ડે મેગા રેસ્ક્યુ દ્વારા એક સાથે ૨૪૬ માછીમારોને બચાવ્યા

ભુજ : તામિલનાડુના દરિયામાં વાવાઝોડા માં અટવાયેલા ૨૪૬ માછીમારોમાંથી ૧૬ માછીમારો દક્ષિણથી પશ્ચિમ સરહદે કચ્છના મુન્દ્રા બંદરે  પહોંચી આવ્યા છે.

  તામિલનાડુમાં અરબી સમુદ્રમાં મધ દરિયે (ડીપ સી) માછીમારી કરી રહેલા ૨૪૬ માછીમારો  અટવાઈ ગયા હતા. દરિયાઈ તોફાન વચ્ચે અટવાયેલા આ માછીમારોની વ્હારે કોસ્ટગાર્ડ આવ્યું હતું. ભારતીય નૌસેના ના જવાંમર્દ એવા કોસ્ટગાર્ડના જવાનોએ મધદરિયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ ૨૪૬ માછીમારોના જીવ બચાવ્યા હતા.

  જોકે, સમુદ્રમાં મોતના જોખમ વચ્ચે માછીમારોને સલામત સ્થળે પહોંચાડવા માટે કોસ્ટગાર્ડે દરિયામાંથી પસાર થતાં વ્યાપારી જહાજો (મર્ચન્ટ શિપ) ની મદદ લીધી હતી અને જે શિપ જે બંદરે જવાનું હોય ત્યાં માછીમારોને પહોંચાડવા જણાવ્યું હતું. આમ ૨૪૬ પૈકીના ૧૬ માછીમારો તામિલનાડુ થી મુન્દ્રા અદાણી બંદરે આવતા મર્ચન્ટ શિપ દ્વારા મુન્દ્રા પહોંચવામાં છે.

  સતાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે તામિલનાડુ સરકારના મત્સ્યોદ્યોગ અધિકારીઓને કોસ્ટગાર્ડ દ્વારા કાલે ૭મી ડિસેમ્બર શનિવારના મુન્દ્રા બંદરે સોંપવામાં આવશે. ભારતીય કોસ્ટગાર્ડના બહાદુર જવાનોએ ૨૪૬ માછીમારોની જિંદગી બચાવવાનું એક ભગીરથ કાર્ય કર્યું છે.

(8:38 pm IST)