Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

વર્ષે ૨ કરોડ ટન ફળ ખાય છે ગુજરાતીઓ

શાકાહારી ગુજરાત હવે ફળાહારી બની ગયું : રોજ જોઈએ ફ્રુટ

નવી હિલ્હી,તા.૬: શાકાહારી ગુજરાતના લોકો હવે ફળાહાર તરફ વળી ગયા છે. ૨૫ વર્ષ પહેલાં માંદગીમાં જ ફળ ખવાતાં હતા. અથવા ઉપવાસ તરીકે ફળાહાર કરાતો હતો. હવે તે ૧.૨૫ કરોડ ગુજરાતી કુટુંબો રોજ ફળ ખાઈ રહ્યાં છે.

ગુજરાતમાં એક કરોડ ટન ફળના ઉત્પાદનના આંકને પાક કરી દેવામાં આવે તેવી શકયતા ઊભી થઈ છે. ગુજરાતમાં માથાદીઠ વર્ષે ૧૫૦ કિલો ફળો પેદા થાય તેવી શકયતા આ વર્ષે ઊભી થઈ છે. જે રોજનું ૪૧૦ ગ્રામ ફળનું ઉત્પાદન થવા જાય છે. ગુજરાત બહારથી આવતાં ફળો સાથે વર્ષે ૨ કરોડ ટન ફળ ગુજરાતના લોકો ખાતાં હોવાનો અંદાજ બાગાયતી વિભાગના અધિકારી જણાવી રહ્યાં છે.

૧૦ વર્ષ પહેલા ગુજરાતમાં ૫.૫૦ કરોડ લોકો માટે ૩.૫૩ લાખ હેકટરમાં ૭૦ લાખ ટન ફળ પેદા થતાં હતા. આજે ૪.૪૦ લાખ હેકટર વિસ્તારમાં ૯૯ લાખ ટન ફળો પેદા થશે. ૧૦ વર્ષ પહેલાં ૩.૯૫ લાખ હેકટરમાં શાકભાજી ઉગાડવામાં આવતાં હતા અને ૬૮.૦૭ લાખ ટન પેદા થતાં હતા. આ વર્ષે શાકભાજીનું વાવેતર ૬.૨૬ લાખ હેકટરમાં ૧.૨૫ કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા છે. અને ગુજરાત બહારથી બીજું ૫૦ લાખ ટન શાક આવતો હોવાનો અંદાજ છે. આમ કુલ ૧.૭૫ કરોડ ટન શાક ભાજી ગુજરાતના ૬.૫૦ કરોડ લોકો આરોગે છે. જે માથાદીઠ વપરાશ ફળ કરતાં ઓછો છે.

આમ હવે ગુજરાતના લોકો શાકાહારી ગણાતા હતા તે હવે છેલ્લાં દશકામાં ચિત્ર બદલાયું છે. હવે ફળાહારી પ્રજા તરીકે ઓળખવામાં આવે તો તેનો કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી.ગુજરાતના લોકો ફળ વધું ખાવા લાગ્યા હોવાનું બીજું એક કારણ એવું છે કે, છેલ્લાં ૭ વર્ષથી શાક કરતાં ફળો સસ્તા થઈ ગયા છે. લોકો શાક-ભાજી ખાવાના બદલે ફળો વધું ખાઈ રહ્યાં હોવાનું કારણ ભાવ ફેર છે. દાડમ, દ્રાક્ષ, જામફળ, સફરજન, જામફળ, બોર, ચીકુ, કેરી, નાળીયેર, કેળા જેવા ફળો હવે ડૂંગળી કરતાં સસ્તા મળતા થયા છે. બીજા શાક-ભાજી કરતાં સસ્તા મળતાં થયા છે. આજે ડૂંગળીનો ભાવ રૂ.૧૮૦ એક કિલોનો થઈ ગયો છે.

(4:02 pm IST)