Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠયાઃ FIR નોંધવા માંગ

તેલંગાના પોલીસ પર કેસ નોંધવો જોઈએ, ઉપરાંત આ મામલાની સ્વતંત્ર ન્યાયિક તપાસ પણ કરાવવી જોઈએઃ વૃંદા ગ્રોવર

નવી દિલ્હી, તા.૬: હૈદરાબાદ ગેંગરેપ અને હત્યા મામલામાં જે રીતે તેલંગાના પોલીસએ ચારેય આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે, ત્યારબાદથી પોલીસની કાર્યવાહી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટની વકીલ વૃંદા ગ્રોવર એ કહ્યું કે, તેલંગાના પોલીસ પર કેસ નોંધવો જોઈએ. ઉપરાંત આ મામલાની સ્વતંત્ર ન્યાયિક તપાસ પણ કરાવવી જોઈએ. તેઓએ કહ્યું કે, કોઈ પણ દ્યટનામાં પોલીસ એન્કાઉન્ટર કરવું ખોટું છે.

રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે, કોઈ પણ મામલામાં એન્કાઉન્ટર કરવું યોગ્ય નથી. તેઓએ કહ્યું કે પોલીસ દાવો કરી રહી છે કે આરોપી પોલીસની બંદૂક છીનવીને ભાગવાના પ્રયાસમાં હતા. એવામાં કદાચ તેમનો નિર્ણય યોગ્ય પણ હોઈ શકે. અમારી માંગ છે કે આ પ્રકારના મામલામાં આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે પરંતુ કાયદાકિય પ્રક્રિયા હેઠળ તેમને સજા મળે.

રેખા શર્માએ વધુમાં કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે આ પ્રકારના મામલાઓમાં ઝડપથી તપાસ કરવામાં આવે અને કાયદાકિય પ્રક્રિયા હેઠળ જ આરોપીઓને મોતની સજા આપવામાં આવે. તેઓએ કહ્યું કે આજે ભલે જે રીતે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે અને આ દ્યટના બાદ લોકો ખુશ છે પરંતુ આપણું બંધારણ છે અને કાયદાકિય પ્રક્રિયા છે.

(3:53 pm IST)