Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મારી દીકરીને આખરે ન્યાય મળ્યો છેઃ દિશાના પિતા

વેટરનરી તબીબ પર બળાત્કાર અને હત્યાના ચારેય આરોપીઓને પોલીસે મળસ્કે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા : એન્કાઉન્ટરના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટયા, 'પોલીસ ઝિંદાબાદ', 'સીએમ ઝિંદાબાદ'ના નારા ગૂંજયા

તેલંગાણા, તા.૬: તેલંગાણાના શાદનગર બ્રિજ નીચે વેટરનરી ડોકટર પર બળાત્કાર બાદ તેને જીવતી સળગાવી દેવાના જદ્યન્સ કૃત્યના ચારેય આરોપીઓને પોલીસે શુક્રવારે મળસ્કે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. એન્કાઉન્ટર બાદ પીડિતાના પિતાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'મારી દીકરી ગુમાવી તેને આજે ૧૦ દિવસ થયા છે અને તેના પર બર્બરતા ગુજારનારા ચારેય આરોપીઓને ઠાર કરાતા મારી દીકરીને આખરે ન્યાય મળ્યો છે. હું રાજયની પોલીસ તેમજ મુખ્યમંત્રીનો આભારી છું. પરમાત્મા મારી દીકરીની આત્માને શાંતિ આપે.'

પીડિતા દિશાના પિતાએ વધુમાં જણાવ્યું કે, આરોપીઓ સાથે જે પણ થયું છે તે બરોબર થયું છે. અને આ જ સાચો ન્યાય છે. મારી દીકરીની આત્માને હવે શાંતિ મળશે. રાજયની પોલીસ અને મુખ્યમંત્રીનો હું ધન્યાવાદ કરું છું.

શુક્રવારે આ કેસ માટે રચાયેલી સ્પેશ્યિલ ઈન્વેસ્ટિગેશન ટીમ મળસ્કે ત્રણથી છ વાગ્યા વચ્ચે ચારેય આરોપીઓને ચેરાલાપલ્લી મધ્યસ્થ જેલથી ચટન્નપલ્લી શાદનગર બ્રિજ નીચે દ્યટનાના રિકન્સ્ટ્રકશન માટે લઈ ગઈ હતી. તે જ વખતે આરોપીઓએ પોલીસ વેપન આંચકવાનો તેમજ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન ચારેય આરોપીઓને ગોળી મારી ઠાર કરી દેવાયા હતા.

પોલીસના એન્કાઉન્ટરની જાણ થતા સામાન્ય લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લોકોએ પોલીસ ઝિંદાબાદ તેમજ મુખ્યમંત્રી ઝિંદાબાદના નારા પોકાર્યા હતા. સાયબરાબાદ પોલીસ કમિશ્નર વી સી સજ્જનરે સવારમાં એન્કાઉન્ટર સ્થળની મુલાકાત લીધી હતી.

હૈદ્રાબાદ રેપ પીડિતાના પરિવારની પ્રતિક્રિયા

* હવે મારી પુત્રીના આત્માને શાંતિ મળશેઃ પિતા

* આરોપીઓનું એન્કાઉન્ટર થયુ તે જાણી હું ખુબ ખુશ છુઃ હું તે લોકોની આભારી છુ જે મુશ્કેલીના સમયમાં અમારી સાથે રહ્યાઃ બહેન

(4:58 pm IST)