Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

એન્કાઉન્ટર અંજામ આપનારા પોલીસ કર્મી અભિનંદનને પાત્ર

અન્ય રાજયો અપરાધીને બોધપાઠ ભણાવેઃ ઉમા ભારતી : નાગરિક તરીકે અમે ખુબ ખુશ છીએઃ અમે તમામ આવુ જ ઇચ્છતા હતાઃ રાષ્ટ્રીય મહિલા પંચના રેખા શર્માની પ્રતિક્રિયા

હૈદરાબાદ,તા. ૬ હૈદરાબાદમાં તબીબ પર ગેંગ રેપ અને ત્યારબાદ તેની ઘાતકી હત્યાના મામલે ઝડપાયેલા તમામ ચારેય અપરાધીઓને આજે સવારે એન્કાઉન્ટરમાં ફુંકી મારવામાં આવ્યા બાદ આને લઇને તમામ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નાયબ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ કહ્યુ છે કે તેઓ હાલમાં હિમાલય ઉત્તરાખંડમાં ગંગા કિનારે છે. હાલમાં સવારે માહિતી મળી છે કે અપરાધીઓને એન્કાઉન્ટરમાં મારી નાંખવામાં આવ્યા છે. ભાગી છુટવાના પ્રયાસમાં અપરાધીઓ માર્યા ગયા છે તે સમાચાર સાંભળીને ખુશી થઇ છે. આ સદીના ૧૯મા વર્ષમાં મહિલાઓની સુરક્ષાની ગેરંટી આપે તેવી આ પ્રથમ મોટી ઘટના બની છે. આ ઘટનાને અંજામ આપનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. હવે તેઓ વિશ્વાસ કરી શકે છે કે અન્ય રાજ્યો પણ આ દિશામાં આગળ વધીને અપરાધીઓને તરત બોધપાઠ ભણાવવાની દિશામાં આગળ વધશે. જે ઘરમાંથી પુત્રી જતી રહી છે તેના પરિવારમાં દુખ ઓછુ થશે નહીં પરંતુ તે બહેનના આત્માને શાંતિ થશે. સાથે સાથે અન્ય યુવતિઓના મનમાંથી ભય દુર થશે.

રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યુ છે કે નાગરિક તરીકે તેઓ ખુશ છે. અમે એમ જ ઇચ્છતા હતા. પરંતુ આ તમામ બાબતો કાનુનની દ્રષ્ટિએ થાય તે જરૂરી છે. બોલિવુડની અભિનેત્રી રકુલે કહ્યુ છે કે તે પોલીસનો આભાર માને છે. કોંગ્રેસ સહિત તમામ રાજકી. પક્ષોએ આની પ્રશંસા કરી છે. ઘટનાસ્થળે સવારમાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. પોલીસની ચારેબાજુ પ્રશંસા કરવામાં આવી રહી છે. તમામ પક્ષોએ સાવધાનીપૂર્વકની પ્રતિક્રિયા આપી છે.

(3:48 pm IST)