Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઉત્તર કોરિયાએ મિસાઈલ બેઝને અપગ્રેડ કર્યો; નવા બેઝનું પણ નિર્માણ કર્યું :સેટેલાઇટ તસ્વીરમાં ખુલાસો

લાંબા અંતરની મિસાઈલોના બેઝનું વિસ્તરણ કરી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચેની જૂનમાં યોજાયેલી બેઠકમાં કિમ જોંગ ઉને પોતાના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમો પર રોક લગાવવા માટે સંમતિ વ્યક્ત કરી હતી પરંતુ સેટેલાઈટ તસવીરોથી ખુલાસો થયો છે કે ઉત્તર કોરિયા પોતાની મુખ્ય લાંબા અંતરની મિસાઈલોના બેઝનું વિસ્તરણ કરી રહ્યું છે.

  સીએનએન દ્વારા સેટેલાઈટ તસવીરોને ટાંકીને આના સંદર્ભે દાવો કરાયો છે. ટ્રમ્પ અને કિમે આ વર્ષે જૂનમાં સિંગાપુરમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં કોરિયન વિસ્તારમાં સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણ પર સંમતિ બની હતી. જો કે આને કેવી રીતે આગળ વધારવામાં આવે તેના સંદર્ભે સમજૂતીમાં વિશેષ વિવરણ આપવામાં આવ્યું ન હતું.

  સીએનએનના અહેવાલ મુજબ ઉત્તર કોરિયાએ પર્વતીય વિસ્તારમાં આવેલા પોતાના યેઓંગજેઓ-ડોંગ મિસાઈલ બેઝને અપગ્રેડ કર્યો છે અને નવા બેઝનું પણ નિર્માણ કર્યું છે. વિશેષજ્ઞોએ અમેરિકાના ન્યૂઝ નેટવર્ક સીએનએનને જણાવ્યુ છે કે મિસાઈલ બેઝનું લોકેશન ઉત્તર કોરિયાની નવી લાંબા અંતરની મિસાઈલો માટે બિલકુલ યોગ્ય છે. આમા પરમાણુ હથિયારોના વહનની ક્ષમતા ધરાવતી મિસાઈલો પણ સામેલ છે.

(12:30 pm IST)