Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જાન્યુઆરીથી મારૂતિની કાર્સ થશે મોંઘી

કોમોડિટીની કિંમતો અને વિદેશી મુદ્રા દરમાં વૃધ્ધિના પ્રતિકૂળ પ્રભાવને દૂર કરવા માટે

નવી દિલ્હી તા. ૬ : મારૂતિ સુઝુકીની કારો ટૂંક સમયમાં જ મોંઘી થઈ જશે, કેમકે કંપની પોતાની કારોની કિંમત વધારવા જઈ રહી છે. મારુતિ સુઝીકીએ બુધવારે કહ્યું કે, કોમોડિટીની કિંમતો અને વિદેશી મુદ્રા દરમાં વૃદ્ઘિના પ્રતિકૂળ પ્રભાવને દૂર કરવા માટે તે જાન્યુઆરીથી પોતાની ગાડીઓની કિંમત વધારશે. જોકે, કંપનીએ એ સ્પષ્ટ નથી કર્યું કે, તે પોતાની કારોની કિંમતમાં કેટલો વધારો કરશે.

એક અધિકારીએ કહ્યું કે, હાલ કંપની કિંમતમાં વધારાની રેન્જ પર કામ કરી રહી છે. મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ કહ્યું કે, 'કોમોડિટી કિંમતો અને વિદેશી મુદ્રામાં વૃદ્ઘિને કારણે કંપનીના વાહનોની પડતર પર પ્રતિકૂળ પ્રભાવ પડી રહ્યો છે. એ કારણે કંપની માટે એ જરૂરી થઈ ગયું છે કે તે કિંમતોમાં વધારાના માધ્યમથી આ વધારાની પડતરનો થોડો ભાર ગ્રાહકોને માથે નાંખે, જે જાન્યુઆરી ૨૦૧૯થી થશે.' મારૂતિએ કહ્યું કે, કિંમતોમાં વધારો અલગ-અલગ મોડલ્સ પર અલગ-અલગ હશે.

ભારતીય બજારમાં હાલ મારુતિની એન્ટ્રી લેવલ ઓલ્ટો ૮૦૦થી લઈને પ્રીમિયમ ક્રોસઓવર એક-ક્રોસ સુધીની રેન્જ ઉપલબ્ધ છે. તેની કિંમત ૨.૫૩ લાખ રૂપિયાથી લઈને ૧૧.૪૫ લાખ રૂપિયાની વચ્ચે છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે જાપાનની કાર નિર્માતા કંપની ઈસુઝુએ પણ જાન્યુઆરીથી પોતાના વાહનોની કિંમત એક લાખ રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ કાચા માલ અને વિતરણની પડતર વધવાને તેના માટે જવાબદાર ગણાવ્યું છે.

આ પહેલા ગત મહિને ટોયોટોએ ૧ જાન્યુઆરી ૨૦૧૯થી પોતાના વાહનોની કિંમત ૪ ટકા વધારવાની જાહેરાત કરી હતી. ટોયોટાએ રૂપિયામાં ઘટાડાને પગલે મેન્યુફેકચરિંગ કોસ્ટ વધવાને કારણે આ નિર્ણય લીધો છે.(૨૧.૫)

(10:01 am IST)