Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

વકીલોની વધતી ફી અંગે સુપ્રિમ કોર્ટને ચિંતાઃ સરકાર ધોરણો નક્કી કરે

વકીલોની તોતીંગ ફીને કારણે ગરીબ વાદીઓને ન્યાય મળતો નથીઃ વકીલો વળતરના કેસમાં પણ હિસ્સો માંગે છે તે ખોટુઃ જવાબદારી નક્કી થવી જોઇએઃ વકીલાતના પ્રોફેશનલનું નિયમન જરૂરીઃ નિયામક મુકવા જોઇએઃ વકીલોની અઘોષિત હડતાલોથી મોટુ નુકસાનઃ બાર કાઉન્સીલે બંધારણમાં સુધારા કરવા જરૂરી

 

નવી દિલ્હી તા.૬ : સુપ્રિમ કોર્ટે વકીલોની વધતી ફી અંગે ચિંતા વ્યકત કરી છે. કોર્ટે કહ્યુ છે કે વકીલોની બેહિસાબ ફીને કારણે ગરીબવાદીઓને ન્યાય મળતો નથી તેથી કેન્દ્ર સરકાર એક એવો કાયદો બનાવે કે જેનાથી વકીલોની ફી નિર્ધારીત થઇ શકે.

સુપ્રિમ કોર્ટના અનેક આદેશો અને લો-કમીશનનો રિપોર્ટનો હવાલો આપતા જસ્ટીસ આદર્શ કે. ગોયલ અને યુ.યુ.લલીતની બેન્ચે કહ્યુ છે કે હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકાર કાનૂની કાર્યકલાપોમાં હસ્તક્ષેપ કરે કે જેનાથી ગરીબ લોકોને પણ ન્યાય માટે વકીલોની વ્યવસ્થા સુનિશ્ચિત થઇ શકે. એવુ પણ જોવામાં આવ્યુ છે કે વકીલ પોતાના અસીલ પાસે કોર્ટ દ્વારા આપવામાં આવેલ આર્થિક વળતરમાં ભાગ માંગતા હોય છે. કોર્ટે કહ્યુ છે કે આ બાબત ખોટી છે અને આવા વકીલો વિરૂધ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ.

બેન્ચે કહ્યુ છે કે, એમાં કોઇ શક નથી કે લીગલ પ્રોફેશન ન્યાય પ્રાપ્ત કરવા માટે અત્યંત જરૂરી છે અને કાયદાને બનાવી રાખવામાં તેનુ મહત્વનું સ્થાન છે પરંતુ નાગરીકોને ન્યાય અપાવવો અને તેના મૌલિક તથા અન્ય અધિકારોનું રક્ષણ કરવાનું પણ આ પ્રોફેશનનું કર્તવ્ય હોય છે. શું કાનૂની વ્યવસાયમાં કરવામાં આવી રહેલા કદાચારના આધાર પર કોઇને ન્યાય આપવાથી રોકી શકાય છે?

બેન્ચે કહ્યુ છે કે, લો કમીશનના રીપોર્ટમાં વકાલત માટે એક નિયામક એકમનું સુચન કરવામાં આવ્યુ છે કે જેથી આ વ્યવસાયમાં જવાબદારી નક્કી થઇ શકે. વકીલોની ઉંચી ફીની ચર્ચા કરતા કમીશને કહ્યુ છે કે એ સંસદનું કર્તવ્ય છે કે તે વકીલાતના વ્યવસાય માટે એક યોગ્ય ફી નક્કી કરે. ૧૯૯૮માં આવેલા લો કમીશનના ૧૩૧માં રીપોર્ટમાં જણાવાયુ છે કે વકીલોની ફી નક્કી કરવા માટે પહેલુ પગલુ સંસદ તરફથી લેવાવુ જોઇએ.

લો કમીશનના ર૬૬માં રીપોર્ટમાં જણાવાયુ છે કે વકીલોના પ્રોફેશનલ અભિગમને કારણે મોટી માત્રામાં મામલા પેન્ડીંગ છે. વકીલોની અઘોષિત હડતાલોના કારણે વર્કીંગ દિવસોમાં ઘણુ નુકસાન ઉઠાવવુ પડે છે જેના કારણે કોર્ટની કાર્યવાહી રદ કરવી પડે છે. આના કારણે ત્વરીત ન્યાય આપવામાં પણ બાધા ઉભી થાય છે. લો કમીશને એવુ પણ સુચન કર્યુ છે કે બાર કાઉન્સીલના બંધારણમાં પણ યોગ્ય ફેરફાર કરવો જોઇએ. ઘણા વર્ષોમાં કેન્દ્રમાં આ બાબતે કાયદો લાવવાની પહેલ નથી કરી પરંતુ સુપ્રિમ કોર્ટે આ રિપોર્ટનું સંદર્ભ આપતા સરકારને યોગ્ય પગલા લેવા કહ્યુ છે.

કોર્ટે કહ્યુ છે કે જો કે ૧૩૧મો રીપોર્ટ કે જે ૧૯૯૮માં રજુ થયો હતો પરંતુ સરકાર તરફથી વકીલાત ફી નક્કી કરવા કોઇ કાયદો નથી લવાયો. પ્રોફેશનલ દુરાચાર માટે મજબુત નિયામકની જરૂર છે. કાનૂન પ્રશાસન ત્યારે જ સફળ થઇ શકે કે જયારે વકીલાતના વ્યવસાયનું યોગ્ય રીતે નિયમન કરવામાં આવે કે જેથી કલમ-૩૯-એ હેઠળ તમામ નાગરીકોને ન્યાય સુનિશ્ચિત થઇ શકે.

બેન્ચે કહ્યુ હતુ કે, અમને આશા છે કે સરકારમાં સંબંધિત ઓથોરીટી આ બાબતે વિચાર કરશે કે અને એક એવી નિયામક વ્યવસ્થા બનાવશે કે જેથી વકીલાતના વ્યવસાયમાં મૂલ્યોનું ઉલ્લંઘન ન થઇ શકે અને બધા લોકોને કલમ-૩૯-એ હેઠળ ન્યાય મળી શકે.(૩-૭)

(5:18 pm IST)