Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

EVM સરખુ ચાલ્યું તો પ્રજા ભાજપને જાકારો આપશેઃ ડો.સંજયસિંઘ

અમેઠી રાજઘરાનાના રાજા અને આસામથી કોંગ્રેસના વર્તમાન સાંસદ સંજયસિંઘ 'અકિલા'ની મુલાકાતે :સૌરાષ્ટ્રની ગ્રામ્ય પ્રજા સાથે બેસી રકાબીમાં ચા પીધી છે, પ્રજામાં ભાજપ પ્રત્યે ભારે રોષઃ ૭૦ વર્ષમાંથી ૬૦ વર્ષ કોંગ્રેસના શાસનમાં વિશ્વાસ મુકનાર ભારતની સહિષ્ણુ પ્રજા માત્ર ૩II વર્ષમાં જ ભાજપથી મ્હોં ફેરવવા લાગી છે : સૌરાષ્ટ્રના લોકો અત્યંત પ્રેમાળઃ સ્નેહથી વધુ જમાડી દેતા હોવાથી ૭ દિવસમાં જ મારૂ વજન દોઢ કિલો વધી ગયું : ઇન્દીરા ગાંધીના સમયમાં તેઓ અમેરિકાને 'ડિકટેટ' કરતા હતા આજે અમેરિકા આપણને 'ડિકટેટ' કરે છે : નેહરૂ ખાનદાન સંઘર્ષ, ત્યાગ, બલિદાનનું પ્રતીક સમાન છેઃ દીવાથી દીવા પ્રગટે... રાહુલ ગાંધી આ ખાનદાનની અને દેશની ઉજ્જવળ પરંપરાને જાળવીને આગળ વધી રહ્યા છે : કોંગ્રેસ એક સોચ, કોંગ્રેસ એક સિધ્ધાંત, સર્વ ધર્મ - જાતિને સ્વતંત્રતાએ કોંગ્રેસનો પાયાનો વિચાર : રાહુલ ગાંધી મંદિરોમાં દર્શન કરે તો તેનો વિરોધ કેટલો વ્યાજબી? મુખ્ય મુદ્દાઓ અવગણિ ક્ષુલ્લક મુદ્દા ચગાવાય છે

આસામ કોંગ્રેસના સાંસદ અને અમેઠી (યુપી) રાજઘરાનાના રાજા સંજયસિંઘ આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગુજરાતમાં કોંગ્રેસના ઉદય અને કેન્દ્રમાં ભાજપના થઇ રહેલા વળતા પાણી વિશે સૂચક પ્રતિક્રિયા આપી હતી. 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે તેમણે એકદમ સહજ અને ખુલ્લા દિલે ચર્ચાઓ કરી હતી. આ સમયે અકિલાના પત્રકાર જયદેવસિંહ જાડેજા અને અશ્વિન છત્રાળા પણ હાજર રહ્યા હતા. પ્રસ્તુત તસ્વીરમાં સંજયસિંઘ લાક્ષણિક અદા પ્રથમ તસ્વીરમાં, કિરીટભાઇ ગણાત્રા સાથેની ગહન ચર્ચા બીજી તસ્વીરમાં નજરે પડે છે. સંજયસિંઘની પરંપરાગત રીતે સ્વાગત કિરીટભાઇએ કર્યું હતું. નીચેની તસ્વીરમાં સંજયસિંઘ સાથે કિરીટભાઇ ગણાત્રા, અકિલા પરિવારના જયદેવસિંહ જાડેજા, અશ્વિનભાઇ છત્રાળા અને અકિલાના પરિવારના મિત્ર અમૂલભાઇ વોરા અને સંજયસિંઘ સાથે ઉપસ્થિત અજય શુકલા નજરે પડે છે. અંતિમ તસ્વીરમાં સંજયસિંઘ હળવા મૂડમાં દર્શાય છે. (ફોટો : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬ : આગામી ૯મી ડિસેમ્બરે સૌરાષ્ટ્રની બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે છેલ્લા ૭ દિવસથી કાલાવડ બેઠકના ઓબ્ઝર્વર તરીકે સૌરાષ્ટ્રમાં મુકામ કરી રહેલા આસામના વર્તમાન કોંગ્રેસી સાંસદ અને યુપીના અમેઠીના રાજઘરાનાના રાજા સંજયસિંઘ આજે અકિલાની મુલાકાતે આવ્યા હતા. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગ્રામ્ય પ્રજાને નજીકથી મળ્યો છું. તેઓનું કહેવું છે કે, જો ઇવીએમમાં ગરબડ નહિ થાય તો અમે કોંગ્રેસ જ ઇચ્છીએ છીએ.

'અકિલા' મોભી કિરીટભાઇ ગણાત્રા સાથે ખુલ્લા મનની ચર્ચામાં તેમણે રાજ્ય અને દેશની સાંપ્રત રાજકીય પરિસ્થિતિનું સ્પષ્ટ વિશ્લેષણ કર્યું હતું. તેમણે જણાવેલ કે, જનતાની વિચારધારા એ જ કોંગ્રેસની વિચારધારા છે. કોંગ્રેસે ધર્મ - જાતિની સ્વતંત્રતા આપી છે. કોંગ્રેસ સિધ્ધાંતને વરેલો પક્ષ છે. સ્વતંત્રતા અપાવવામાં કોંગ્રેસનો સિંહફાળો રહ્યો છે ત્યારબાદ ભારતની ઉન્નતિના પીલર તરીકે કોંગ્રેસ પક્ષ પ્રસ્થાપિત થઇ ચુકયો છે. 'ગુજરાત મોડેલ' એ મોદીનું માત્ર માર્કેટીંગ છે તે હું અહીંયા આવી સમજી ગયો છું. હું છેલ્લા સાત દિવસમાં અસંખ્ય ગામડાઓ ફર્યો છું. અહીંનો ખેડૂતો ખૂબજ મહેનતુ અને ખંતીલો છે પણ ભાજપ સરકાર તેમને તેમના ખેત ઉત્પાદનના યોગ્ય ભાવો અપાવવામાં નિષ્ફળ ગઇ છે. ભાજપે કરેલા વાયદા માત્ર વાયદા જ બની રહ્યા છે. અહીંના ખેડૂતોને ઉંડેથી પાણી લાવવા ૭થી ૧૦ લાખના ખર્ચે બોર કરવા પડે છે. યુપીમાં જો સૌરાષ્ટ્ર - ગુજરાતનો ખેડૂત હોય તો માલામાલ થઇ જાય. અહીંયા ખેડૂત પ્રગતિશીલ છે પરંતુ સરકારી યોજનાઓનો સંપૂર્ણપણે લાભ તેમને મળતો નથી. હું ૪૦ - ૪૫ ગામડાઓમાં ફર્યો તે પૈકી ૯૦% ગામડાઓમાં પાકી સડક જોવા મળી ન હતી. જે વિકાસની વાતો થાય છે તે હજુ સુધી ગામડાઓમાં પહોંચ્યો નથી.

પ્રજા ભાજપથી ખૂબ જ નારાજ છે. તેમણે જે મુદ્દો ઉઠાવ્યો છે તે થોડામાં ઘણુ કહી જાય છે. પ્રજાએ કહ્યું કે, 'અમે ભાજપ નથી ઇચ્છતા જો મશીન બરોબર ચાલ્યું તો!' લોકશાહી તંત્રમાં પ્રજાના મગજમાં ઇવીએમ પરત્વે ઘર કરી ગયેલી આ શંકા જ અમારો વિજય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જીએસટી કે નોટબંધી અમારી ચિંતા નથી. રાજા અને રીયાસતકાળ, સ્વતંત્રતા અને કોંગ્રેસના શાસનની સરખામણીએ આજે પ્રજા વધુ ત્રસ્ત બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. નરેન્દ્રભાઇ મોદી જે વાતો કરે છે તે મુજબ વર્તતા નથી. માત્ર ૩ાા વર્ષમાં જ પ્રજા બદલાવ ઇચ્છી રહી છે. મોદીજીએ ગુજરાતમાં લાંબી શાસન કર્યું અને દિલ્હીની ગાદી સંભાળ્યાના ટુંકાગાળામાં જો આ પરિસ્થિતિ ઉદ્ભવી હોય તો કોંગ્રેસ માટે 'અચ્છે દિન હી હૈ'...

'ગુજરાત મોડેલ' ગુજરાતના ગામડાં સુધી નથી પહોંચ્યુ

કાલાવડ પંથકના ૪૫ ગામોના ૯૦ ટકા વિસ્તારોમાં પાકા રોડ પણ નથી

રાજકોટ :  મોદીજી અને ભાજપ ગુજરાત મોડેલની ખૂબ વાતો કરે છે, પરંતુ કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતાએ ગુજરાતમાં પ્રવાસો કરીને ગામડાની સ્થિતિ સામે પ્રશ્ન સજર્યો છે. અમેઠીના મહારાજ સંજયસિંહજીએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંકે, ગુજરાત મોડેલ વિદેશમાં ગાજતું હશે, પરંતુ આ મોડેલ ગુજરાતના ગામડાં સુધી હજુ પહોંચ્યું નથી. સંજયસિંહજી કાલાવડ પંથકમાં ખૂબ ઘુમ્યા છે. તેઓ કહે છે કે, આ પંથકના ૪૦ ગામોના ૯૦ ટકા વિસ્તારોમાં પાકા રોડનો પણ અભાવ જોવા મળ્યો છે. ગામડાંની સ્થિતિ ખૂબ ખરાબ છે. લોકો ભાજપને હટાવવા ઇચ્છે છે, પરંતુ ઇવીએમ સામે શંકા કરે છે. સંજયસિંહજી કહે છે કે, અમેઠી પંથકના ખેડૂતો કરતા ગુજરાતના ખેડૂતો ખૂબ મહેનતુ છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત સમૃધ્ધિનો અભાવ છે. ગુજરાતમાં ખેડૂતોને સરકાર તરફથી યોગ્ય સમયે યોગ્ય સહયોગ મળતો નથી.

નેતાગીરી-માનવતા અને દૃષ્ટિકોણનો સંગમ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી પક્ષને અને દેશને નવી રાહ ચીંધવા સક્ષમઃ સંજયસિંહજી

રાજકોટ તા. ૬ :.. અમેઠીના રાજવી ઘરાનાના વંશજ અને આસામના સાંસદ સંજયસિંહજીએ રાહુલ ગાંધી અંગે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ દશ વર્ષની સક્રિય રાજનીતિના અનુભવ લીધો છે. રાજનૈતિક ઊંચાઇ ધરાવતા પરિવારમાં તેઓનું ઘડતર થયું છે.  રાહુલજીમાં નેતાગીરી, માનવતા, દૃષ્ટિ કોણનો સંગમ છે એ દેશને અને પક્ષને નવો રાહ ચીંધવા સક્ષમ છે.

ઉલ્લેખનીય છે કે, સંજયસિંહજી નેહરુજીના ખાનદાન સાથે પેઢીઓથી ગાઢ નાતો ધરાવે છે. રાહુલ ગાંધીના તેઓ વિશ્વાસુ છે. સંજયસિંહજી કહે છે કે, રાહુલ ગાંધીનો દૃષ્ટીકોણ દેશને એક રાખવાના છે. આ દિશામાં તેઓ આગળ વધશે. રાહુલ ગાંધીના મંદિરોમાં જવા અંગેના સવાલ સામે સંજયસિંહજીએ જણાવ્યું હતું કે, આ મુદ્દો ભાજપે ચગાવ્યો છે. રાહુલજી મંદિરોમાં દર્શને જાય જ છે. કામાખ્યાદેવીજી પિતામ્બરાજી  જેવા વિખ્યાત ધર્મસ્થાનોમાં ભુતકાળમાં અમે સાથે ગયા હતાં.

ભાજપ પોતાના નેતાઓના કૌભાંડો સામે પગલાં ભરતો નથી

વસુંધરા રાજે, રમણસિંહ, અમિતભાઇ શાહના પુત્ર અંગે ભાજપીઓ મૌનઃ સંજયસિંહજી

રાજકોટ : અમેઠીના રાજા સાહેબ સંજયસિંહજીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર અંગે આકરાં પગલાં ભરાતા હતાં. પક્ષના નેતાઓ સામે પણ પગલાં ભરાયા હતાં.

આ મુદ્ે ભાજપ પીછેહઠ કરે છે. ભાજપ પોતાના પક્ષના ભ્રષ્ટ નેતાઓ સામે પગલાં ભરતો નથી. સંજયસિંહજીએ રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેના વિવાદનો ઉલ્લેખ કર્યો હતો. લલિત મોદીનું પ્રકરણ યાદ કરીને કહ્યું હતું કે, ભાજપે કેમ વસુંધરાજી સામે પગલાં ન ભર્યા ?

ઉપરાંત છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહના કૌભાંડો - વિવાદો અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના પુત્રના આર્થિક વિવાદોનો ઉલ્લેખ કરીને સંજયસિંહજીએ કહ્યું હતું કે, આ બધા પ્રકરણોમાં ભાજપ કેમ અસક્રિય છે ? ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર વિરોધી વાતો જ કરે છે, પણ ઘરનો ભ્રષ્ટાચાર સાફ કરતા નથી.

રામ મંદિર બનવું જ જોઇએઃ સંજયસિંઘનો સ્પષ્ટ મત

ઇવીએમ બાબતે જનમાનસમાં ભાજપ તરફે શંકા એ જ અમારો લોકશાહી વિજય : ભાજપ કહે છે, સુપ્રિમના હુકમને અવગણીને પણ રામ મંદિર બનાવીશું તે દેશના બંધારણનું અપમાન અને લોકશાહીનું હનન છે

રાજકોટ : રાજઘરાનાની મીજાજ અને એક અનુભવી રાજકીય નેતાની માફક સંજયસિંઘ પોતાની વાત ચોખ્ખી ચણાક રીતે વ્યકત કરી હતી. રામ જન્મભૂમિના મુદ્દે સંજયસિંઘને પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિ સ્થળે મંદિર બનવું જ જોઇએ પરંતુ સંવિધાન મુજબ.

તાજેતરમાં ભાજપના કેટલાક નેતાઓ દ્વારા સુપ્રિમ કોર્ટના હુકમનો અનાદર કરીને પણ મંદિર કોઇપણ સંજોગોમાં બનાવાશે તેવા વિધાનોને ટાંકીને તેમણે જણાવેલ કે, આ દેશના બંધારણના અપમાન અને લોકશાહીના હનનરૂપ પ્રતિક્રિયા છે. ભાજપ દુનિયાભરમાં પ્રસિધ્ધ આપણી લોકશાહી પ્રથાનો અંદરખાને કેટલો વિરોધી છે તે આ વાત ઉપરથી સ્પષ્ટ થઇ જાય છે.

આ ઉપરાંત તેમણે ઇવીએમના મુદ્દાને લઇને સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રજાના માનસમાં પ્રવર્તિ રહેલી શંકાને જ કોંગ્રેસ અને લોકશાહીનો વિજય ગણાવ્યો હતો. તેમણે જણાવેલ કે, અમારા ટેકનિશ્યનો મારફત ઇવીએમ ચકાસણી કરાવ્યે તો પણ તેને આ સરકાર સત્તાવાર ગણાવવાની નથી. અનેક સ્થળોએ જે બટન દબાવાય તેનાથી વિરૂધ્ધ મતો પડતા હોવાના દાખલા સપાટી આવ્યા છે. આ મુદ્દે હવે લોકો જ બોલતા થયા છે એટલે આવતા દિવસોમાં સત્તા માટેની બિનલોકશાહી પ્રક્રિયાના પ્રણેતા મોદીજીને લોકો જવાબ આપી જ દેશે.

(6:16 pm IST)