Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

મોદી ધંધુકામાં બોલ્યા... આ ગાંધીની ધરતી છે, ગમે તેવા તોફાનો ઠંડા પડી જાય : કોંગ્રેસ અયોધ્યાના મુદ્દાને ચુંટણી સાથે જોડે છે : સિબ્બલ ઉપર પ્રહારો

આવે છે, આવે છે કરે... એ કશુ ના આવે : બનારસમાંથી ગયું અને યુપી માંથી પણ ગયુ : ખેડૂતો પાસેથી વ્યાજ નહી લેવાનો રૂપાણી સરકારનાં નિર્ણયને આવકારૂ છું : પેઢી દર પેઢીને ફાયદો થવાનો છે

નરેન્દ્રભાઈ મોદીનું ધંધુકામાં ભવ્ય સ્વાગતઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ધંધુકા ખાતે જાહેરસભા સંબોધી હતી. આ તકે ભાજપના આગેવાનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને તલવાર અર્પણ કરીને તેમજ પુષ્પહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યુ હતું જે તસ્વીરમાં નજરે પડે છે.

ધંધુકા તા.૬ : વડાપ્રધાન મોદીએ ધંધુકામાં કરેલી સભામાં શરુઆતથી અંત સુધી કોંગ્રેસ પર વાર કરતા રહ્યા અને અંતમાં તેમણે રામમંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસને લઈને કોંગ્રેસ પર વાર કર્યા. મોદીએ કપિલ સિબ્બલની વકીલાત સામે સવાલ ઉઠાવીને કહ્યું, તમે કોર્ટમાં એવું કહેવાની હિંમત કરો છો કે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી છે ત્યારે આ મામલે કોઈ નિર્ણય ન લેવાવો જોઈએ. મોદીએ કોંગ્રેસ પર આ મુદ્દે પ્રહારો કરવાનું ચાલું રાખીને કહ્યું કે, 'રામમંદિરના મુદ્દે રાજકીય લાભ થાય એ જોવાનું કે ભારતનું ભલું થાય એ જોવાનું. દરેક વાતને રાજકીય ત્રાજવે તોલવાની આદત પડી ગઈ છે. ચૂંટણીઓ તો ચાલતી જ હોય છે તો શું બધા કામ અટકાવી દેવાના?' આ સાથે મોદીએ એવો પણ સવાલ કર્યો કે વકફ બોર્ડ ચૂંટણી લડે છે કે કોંગ્રેસ ચૂંટણી લડે છે? ભારતનું ભલું થાય છે એ જોવાનું કે ચૂંટણીમાં લાભ થાય છે કે નહીં એ જોવાનું? આગળ મોદી બોલ્યા, કોંગ્રેસના નેતાએ કરેલા દલિલોને કેટલાક કોંગ્રેસના નેતાઓ તેમનો અંગત વિચાર માની રહ્યા છે. આ સાથે મોદીએ તમામ ચૂંટણીઓ એક સાથે યોજવાના મુદ્દાને પણ સભામાં ઉલ્લેખીને કહ્યું કે, તમામ ચૂંટણીઓ જો એક સાથે કરવામાં આવે તો રુપિયાની સાથે સમય પણ બીચી જાય.

રામ મંદિર મુદ્દે મોદી સભામાં બોલ્યા પછી ગુજરાત ભાજપના ટ્વીટ અકાઉન્ટ પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કટાક્ષ કરતું સ્કેચ પોસ્ટ કર્યું છે, જેમાં રાહુલ ગાંધીને મંદિર જતા દર્શાવાયા છે અને રામ મંદિર મુદ્દે સુપ્રીમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વકીલ કપિલ સિબ્બલને દર્શાવવામાં આવ્યા છે.

ધંધુકામાં શાખા કરતા હતા તે સમયની યાદોને વાગોળ્યા પછી મોદીએ વાવાઝોડાની વાત કરીને કહ્યું,એક તરફ ત્રણ દિવસથી વાવાઝોડું આવે છે તેવી ખબર આવતી હતી, પણ આતો ગાંધીની ધરતી છે ગમે તેઓ ઉકાળો હોય અહીં આવીને ઠંડું પડી જાય. આટલેથી આગળ મોદીએ કોંગ્રેસની જાહેરાત અને સ્લોગન 'કોંગ્રેસ આવે છે..' પર ટોણો માર્યો અને કહ્યું, જે આવે છે, આવે છે કરે એ કશું ના આવે, બનારસમાંથી ગયું અને ઉત્ત્।ર પ્રદેશમાંથી ગયું.

આગળ મોદીએ બાબા સાહેબ આંબેડકરને તેમની પુણ્ય તિથિ પર યાદ કર્યા અને કહ્યું કે, કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકર સાથે અન્યાય કર્યો છે. બાબા સાહેબ આંબેડકરને દિર્ઘદ્રષ્ટા ગણાવીને પાણી માટે તેમણે અગાઉથી વિચાર કર્યો હોવાની વાત કરી. મોદીએ કહ્યું, બહુ ઓછા લોકોને ખબર હશે કે બાબા સાહેબ આંબેડકર હતા જેમણે પાણી સિંચાઈના કામ માટે દિર્દ્યદ્રષ્ટિ રાખી હતી. રિઝર્વ બેંકની રચના અંગે પણ મોદીએ આંબેડકરને યાદ કરીને કહ્યું, રિઝર્વ બેંકની આપણે જે વાટા-દ્યાટો કરીએ છીએ, પણ બાબા સાહેબ આંબેડકરે રિઝર્વ બેંકનો વિચાર આપ્યો હતો. સરદાર પટેલ સાથે કોંગ્રેસે અન્યા કર્યાની વાત સાથે આજે આંબેડકર સાથે કોંગ્રેસે અન્યા કર્યો હોવાની વાત કરીને બોલ્યા, કોંગ્રેસ અને આ પરિવારના કારણે ભારત માતાના મહાન પુત્ર બાબા સાહેબ આંબેડકરની સાથે પણ એવો જ અન્યાય થયો. કોંગ્રેસ ઈચ્છે એજ થાય તેવું વાતાવરણ હતું, બાબા સાહેબ આંબેડકર જેવા વિદ્યાન વ્યકિત, સામાપ્રસાદ મુખર્જીની મદદ લીધી પછી બંધારણ સભામાં આવી શકયા. બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન મળે પણ જયાં સુધી કોંગ્રેસનો વાવટો ફરકતો રહ્યો પણ, કોંગ્રેસે તેમને યાદ ન કર્યા.

મોદીએ ધંધુકાની પાણીની સમસ્યાને ભૂતકાળ ગણાવીને કહ્યું, ધંધુકામાં એવી કહેવત હતી કે 'દીકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ન દેતા', દેકરીના ત્યાં લગ્ન થાય તો સજા મળી હોય તેવું લાગતું. પણ હું મુખ્યમંત્રી બન્યો પછી આ કામ હાથમાં લીધું, હવે કોઈ એવું નહીં કહે કે દીકરીને બંદૂકે દે જો પણ ધંધૂકે ન દેજો. કોંગ્રેસ પર આક્ષેપો કરીને મોદી બોલ્યા, અમારે રાજકારણ કરવું હોત તો હેડપંપ લગાવ્યા હોત, ટેંકર મોકલ્યા હોત.. પણ અમે પ્રજાની આંખમાં ધૂળ નાખવાનો રસ્તો ન અપનાવ્યો. પાણીની અછતના ધંધુકાના ફોટા ભારતભરમાં પ્રચલિત હતા. પાણીના ટેંકર આવતા હતા તે પણ કોંગ્રેસના ભાઈ-ભત્રીજાઓના જ હોય, ફેરા પાંચ મારે અને ૧૦ના રૂપિયા લે, અડધું ટેંકર હોય અને આખા ટેંકરના રુપિયા લઈ લે.. પણ હવે બધું બંધ થઈ ગયું છે એટલે એમને વાંધો પડે છે.

આ સભામાં પણ ગુજરાતની શાંતિ અને સુરક્ષા પર મોદી બોલ્યા અને કહ્યું, કફર્યુ આ શબ્દ ૧૫-૧૭ વર્ષના છોકરાને ખબર નહીં હોય, આજે ગુજરાતની પેઢી હુલ્લડમાંથી મૂકત થઈ ગઈ, માથા ભારે લોકોને જેલમાં પુરવા પડ્યા તો પુર્યા. મોદીએ ગુજરાતમાં ૨૪ કલાક વીજળી મળતી હોવાના દાવા સાથે કહ્યું, હું CM બન્યો તો લોકો મને મળવા આવે ત્યારે કહેતા હતા કે વીજળી લંગડી છે, પાવર લંગડો છે, પણ આજે લોકો ભૂલી ગયા છે. લોકો મને મળવા આવતા લોકો કહેતા કે વીજળીનું કશું કરાજો, અહીં વાળુ કરતી વખતે વીજળી નથી આવતી, તેનું નિરાકરણ લાવી દીધું અને હવે ૨૪ કલાક વીજળી મળે છે.

મોદીએ ગુજરાતની રુપાણી સરકારે ખેડૂત માટે મોટો નિર્ણય લીધો હોવાની વાત કરીને કહ્યું, રુપાણી સરકારે મોટો નિર્ણય કર્યો છે, ખેડૂતો પાસેથી સરકાર વ્યાજ નહીં લે, તેમનું વ્યાજ ગુજરાત સરકારની તિજોરીમાંથી ભરાશે, પેઢી દર પેઢી આનો ફાયદો થવાનો છે. અમે એક બીજું કામ કરી રહ્યા છે, સૂર્ય શકિતથી ચાલનારા નાના-મોટા પંપનું નિર્માણ કરવાનું કામ દિલ્હી અને ગુજરાતની સરકારે પુરજાશમાં ઉપાડ્યું છે. જેના કારણે ખેડૂતોનો વીજળીનો મોટો ખર્ચ ઝીરો થઈ જશે. વ્યાજ પણ ઝીરો અને વીજળી પણ ઝીરો, બોલો ખેડુતોને નફો થશે કે નહીં થાય?

કોંગ્રેસ દ્વારા વાંરવાર મોદી સરકાર પર એવા આક્ષેપો થતા રહે છે કે, આ સરકાર ગરીબોની નહીં પણ કરોડપતી મૂઠ્ઠીભર ઉદ્યોગપતીની સરકાર છે, આ આક્ષેપોનો જવાબ આપીને મોદી બોલ્યા, (કેન્દ્રમાં) ભાજપની સરકાર આવ્યા પછી ૩૦ કરોડ બેંકોના ખાતા ખોલ્યા, આ ગરીબોનું કામ છે કે નહીં? ગરીબોના ઘરમાં રૂપિયા બચે એ કામ અમે કર્યું છે. ધોલેરાના વિકાસની વાત કરીને કોંગ્રેસ પર ચાબખા મારીને મોદી બોલ્યા, આ ધોલેરા મોદીના મુખ્યમંત્રી બન્યા પછી આવ્યું? આ ધોલેરાનો વિકાસ થવો જોઈતો હતો કે નહી? હું CM હતો ત્યારે ભારત સરકારને છાસવારે કહેતો હતો કે ધોલેરા દેશનું સૌથી જૂનું બંદર છે. મોદીએ ધોલેરામાં મ્યુઝિમ બનાવવાનું સપનું જોયું હોવાની વાત કરતા કહ્યું, ધોલેરામાં વહાણવટાનનું મ્યુઝિમ બનાવવાનું મારું સપનું છે. અહીંના લોકોને રોજી-રોટી મળે તેનું કામ અમે માથે લીધું છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ તમારી નજીકમાં આવવાનું છે, જે જાહોજલાલી સુરત, અમદાવાદ, રાજકોટમાં દેખાય છે એવી જાહોજલાલી ૧૦ વર્ષમાં તમારા ધોલેરામાં દેખાવાની છે. આ સાથે તેમણે સભામાં સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

દિકરીને બંદુકે દેજો, ધંધુકે ન દેતા...તે કલંક મીટાવ્યું

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ધંધુકા ખાતે ચૂંટણી પ્રચાર સભા સંબોધી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, પહેલાના સમયમાં દિકરીને બંદુકે દેજો, ધંધુકે ન દેતા... તે કહેવત મુજબ ધંધુકામાં પાણીની ખૂબ જ સમસ્યા હતી અને તેના કારણે કોઈ દિકરી દુઃખી થાય તે માટે દિકરીના પિયરીયા ધંધુકામાં દિકરી આપવા કચવાટ અનુભવતા હતા પરંતુ સરકારે આ કહેવતનુ કલંક મીટાવ્યુ છે અને ધંધુકામાં નર્મદાના નીરનું અવતરણ કરીને પાણીની સમસ્યા ભૂતકાળ બનાવી છે.

આવે છે...આવે છે...એ કશુ ન આવે !

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ધંધુકા ખાતે જાહેરસભા સંબોધી હતી. તેઓએ સભાના પ્રારંભે જણાવ્યુ હતુ કે, વાવાઝોડુ આવે છે તેવી ચેતવણી આપવામાં આવી હતી પરંતુ ગુજરાત ઉપરથી ઘાત ટળી છે. આ ગાંધીની ધરતી છે.

નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આવે છે.. આવે છે.. એ કશું ન આવે... જેનો દાખલો બનારસ અને ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યો તેમ કહીને કોંગ્રેસ તરફ આડકતરો ઈશારો કર્યો હતો.

ઓળાનો કાર્યક્રમ કરો છો કે નહિ ?

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ધંધુકા ખાતે જાહેરસભા સંબોધી હતી. તેઓએ જૂના દિવસો યાદ કર્યા હતા અને આપણા ધંધુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રભાત શાખા શરૂ કરવાની વાત કરી હતી ત્યારે ધંધુકાવાસીઓએ કહ્યુ હતુ કે, વહેલા ઉઠવાની વાત ન કરો, સાયં શાખા રાખો.

નરેન્દ્રભાઈએ વધુમાં કહ્યુ કે, ધંધુકા જ્યારે રાત રોકાવાનું થતુ ત્યારે સાથે બેસીને બધા રીંગણનો ઓળો ખાતા હતા અને દર વર્ષે હું ઓળો ખાવા માટે આવતો હતો પરંતુ હવે એ દા'ડા જતા રહ્યા છે. હવે ઓળાનો કાર્યક્રમ કરો છો કે નહીં ? તેવો પ્રશ્ન પણ જનમેદનીને પૂછયો હતો.

(3:43 pm IST)