Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

સત્તાનું સિંહાસન ફરી ભાજપને જઃ આ રહ્યા પાંચ નક્કર કારણો

પાટીદાર આંદોલન, કોંગ્રેસનો આક્રમક પ્રચાર, એન્ટી ઇન્કમબન્સી, ખેડુતોની નારાજગી હોવા છતાં પણ ભાજપને ચિંતા જેવુ નથી : ભાજપનું કાબીલે દાદ માઇક્રો મેનેજમેન્ટ, તળીયા સુધી ગોઠવાયેલુ નેટવર્ક, મોદીનું વડાપ્રધાન બનવુ, રાહુલ બેઅસર એ બધા કારણો ભાજપની તરફેણમાં

નવી દિલ્હી તા.૬ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે એ જાણવુ રસપ્રદ બનશે કે ગુજરાતના સત્તાના સિંહાસન ઉપર કોણ બિરાજમાન થશે ? છેલ્લા થોડા મહિનાથી મીડીયા અને અન્ય સ્થળોએ જોરશોરથી ચર્ચા છે કે, ભાજપના ગઢમાં ગાબડા પડશે અને કોંગ્રેસને ફાયદો થશે. આવુ એટલા માટે કહેવાય છે કે, પટેલોનું આંદોલન, કોંગ્રેસ દ્વારા આક્રમક પ્રચાર, ભાજપ માટે સત્તા વિરોધી લહેર અને ખેડુતોની નારાજગી પરંતુ તટસ્થ રીતે વિશ્લેષણ કરીએ તો એવા પાંચ કારણો છે જે સ્પષ્ટ રીતે જણાવે છે કે ગુજરાતમાં ફરી ભગવો લહેરાશે અને ભાજપ ફરી સત્તારૂઢ થશે.

(૧) મજબુત સ્થાનિક નેતૃત્વ

દેશમાં અન્ય રાજકીય પક્ષો કરતા ભાજપમાં શેરી-ગલ્લીઓમાં, શહેરોમાં, ગામડાઓમાં પોતાના મુળ ઉંડા છે. કોઇપણ પક્ષ માટે પાયાના કાર્યકરોએ મજબુત પાયો ગણાય છે અને ભાજપમાં આ છે. ભાજપના કાર્યકરો, પ્રભારીઓ, મહામંત્રીઓ અને કોર્પોરેટરોના નેતૃત્વ હેઠળ મજબુત નેટવર્ક ગોઠવાયેલુ છે. તેથી ભાજપને અન્ય પક્ષોની જેમ ગુજરાતમાં દરેક સ્થળે ડોર ટુ ડોર જવાની રહેતી નથી. એક જ સંદેશો મોકલવામાં આવે તે પાયાના કાર્યકર સુધી પહોંચી જાય તેવી વ્યવસ્થા છે. ગુજરાતના ખુણે-ખુણે ભાજપ અને તેનુ નેટવર્ક મોજુદ છે જયારે અન્ય પક્ષો આવુ નેટવર્ક ગોઠવવામાં ટુંકા પડે છે. પાયાનુ નેટવર્ક જ ચૂંટણીમાં મહત્વનું બનતુ હોય છે.

(ર) અભુતપુર્વ માઇક્રો મેનેજમેન્ટ

ભાજપ પાસે અદ્દભુત અને અભુતપુર્વ કહી શકાય તેવુ માઇક્રો મેનેજમેન્ટ મોજુદ છે. એવા પ્રકારનું મેનેજમેન્ટ મોજુદ છે કે જે પ્રદેશની નેતાગીરી ઉપરથી બોજો હળવો કરી શકે તેમ છે. ભાજપ પાસે એવા પ્રકારનું માઇક્રો મેનેજમેન્ટ મોજુદ છે જે હેઠળ સ્થાનિક નેતાઓ પોતાના મતવિસ્તારના લોકો સાથે લાંબાગાળા મજબુત સંબંધો બાંધી શકતા હોય છે. આ મેનેજમેન્ટને કારણે પક્ષ છેવાડા સુધી પહોંચી શકે છે. ચૂંટણી પ્રચારથી માંડીને લોકસંપર્ક સુધીનું ભાજપનું બધુ ગોઠવાયેલુ હોય છે. પક્ષના વડામથકથી લોકલ લેવલના કાર્યાલયો સીધા જોડાયેલા હોય છે. ભાજપમાં વિકેન્દ્રીકરણ હોવાથી નેતાઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે અને લોકો સાથે પણ સંપર્કમાં હોય છે.

(૩) પાટીદાર ઇફેકટની અસર નથીઃ પટેલો કોંગ્રેસ તરફી નથી

ગુજરાતમાં લાંબા સમયથી અનામત માટે પાટીદારોનું આંદોલન ચાલુ છે. પાસના નેજા હેઠળ આ આંદોલન ચાલી રહ્યુ છે. જેને કારણે સામાન્ય જન એવુ વિચારે છે કે, મતોના ભાગલા કોંગ્રેસની તરફેણમાં થશે પરંતુ મોટાભાગના પત્રકારો અને રાજકીય પંડીતો જણાવે છે કે, પાસની કામગીરી કોંગ્રેસ તરફી પટેલ મતદારોને લાવવામાં નિષ્ફળ રહી છે. પટેલો મહાન સરદાર પટેલના મુલ્યોમાં માને છે. આ એ જ સરદાર પટેલ છે જેમને કોંગ્રેસે જ દેશના વડાપ્રધાન બનતા અટકાવ્યા હતા એટલુ જ નહી પાસના રાજકીય ઇરાદાઓ ખુલ્લા પડી જતા પાટીદારો પણ જાગૃત થઇ ગયા છે અને તેઓ ભાજપ તરફી જાય તેવી શકયતા છે એટલુ જ નહી પાટીદારોને કોંગ્રેસની લોલીપોપ ગળે ઉતરી ગઇ છે કે અનામત એ પણ આપી શકે તેમ નથી. પટેલ સમુદાય ભાજપના પરંપરાગત મતદાર રહ્યા છે અને તેઓ ભાજપ સાથે જ રહેશે.

(૪) રાહુલ ગાંધી આકર્ષણ ઉભુ કરવામાં નિષ્ફળ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં પોતાના પક્ષને જીતાડવા માટેનો ભાર પોતાના ખભે લઇ લીધો છે. તેઓ વારંવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ સભાઓ તથા રોડ-શો કરી રહ્યા છે. પરંતુ તેઓ અસરકારક છાપ ઉભી કરી શકયા નથી. તેઓ નોટબંધી, જીએસટી અને નેનોના મામલા ઉછાળી રહ્યા છે પરંતુ ગુજરાતના મતદારોને એ ગળે ઉતરતુ નથી. તેઓ ઉત્તર પ્રદેશમાં પણ ફર્યા હતા પરંતુ કોંગ્રેસને વિજય અપાવી શકયા ન હતા એ સૌ કોઇ જાણે છે. ગુજરાતમાં એવુ પણ બન્યુ છે કે, તેમની સભામાં હાજરી મોટી હોય પરંતુ તે મતોમાં તબદીલ નહી થાય તે નક્કી છે. ૧૦૦ વર્ષ જુની પાર્ટી એ જ જુની ઘરેડમાં હજુ ચાલી રહી છે અને તેને કારણે તેને એક પછી એક રાજય ગુમાવવા પડી રહ્યા છે વળી કોંગ્રેસની આંતરીક જુથબંધી પણ જગજાહેર છે. રાહુલ એ મીટાવવામાં સફળ નથી રહ્યા તેવુ રાજકીય નીરીક્ષકો માની રહ્યા છે.

(પ) ગુજરાત કા બેટા...નરેન્દ્ર મોદી

ગુજરાતના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં પ્રચંડ વિશ્વાસ ધરાવે છે. બે દાયકાઓ તેમણે ગુજરાતનું સુકાન સંભાળ્યુ હતુ અને ગુજરાતમાં સમૃધ્ધિ લાવી દીધી હતી. ગુજરાતને વિકાસના માર્ગે દોડતુ કરી દીધુ હતુ. તેમના જ નેતૃત્વમાં પ્રજા વિશ્વાસ ધરાવી રહી છે અને તેમના ઉપર ભરોસો પણ મુકી રહી છે. ગુજરાતના લોકો બીજા કોઇ ઉપર વિશ્વાસ મુકે ન મુકે પરંતુ મોદી ઉપર જરૂર વિશ્વાસ મુકે છે. મોદી પણ પોતાના પ્રવચનોમાં ગુજરાતની પ્રજાને હૃદયપુર્વક આવકારતા હોય છે. ગુજરાતી વડાપ્રધાન હોવાનું લોકો ગૌરવ પણ માનતા હોય છે.

આ બધુ જોતા લાગે છે કે, ગુજરાતની પ્રજા ફરી ભાજપને જ સત્તાનું સિંહાસન સોંપશે.

(3:02 pm IST)