Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

કાલે સાંજથી પ્રચાર પડઘમ બંધઃ રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી દોડશે

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે સૌરાષ્ટ્ર-કચ્છ અને દ.ગુજરાતમાં શનિવારે મતદાનઃ ઓખી વાવાઝોડાએ એક દિવસ બગાડતા આજે અને કાલે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોની સંખ્યાબંધ રેલીઓ-સભાઓ અને રોડ-શોઃ મતદારોને આકર્ષવા જોરદાર પ્રયાસઃ કાલે પ્રચાર ઉપર પડધો પડયા બાદ ડોર ટુ ડોર કેમ્પેઇનઃ શુક્રવારે કતલની રાત

નવી દિલ્હી તા.૬ : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે શનિવારે યોજાનારી ચૂંટણી માટેના જાહેર પ્રચાર પડઘમનો આવતીકાલ સાંજે અંત આવશે એ પુર્વે આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દ.ગુજરાતમાં ચૂંટણી પ્રચારનુ વાવાઝોડુ ફુંકાયુ હોય તેવુ જોવા મળી રહ્યુ છે. ઓખી વાવાઝોડાને કારણે ગઇકાલે વરસાદ અને બર્ફીલા પવનને કારણે પ્રચાર કાર્ય ઉપર બ્રેક લાગી ગઇ હતી. તે પછી આજે સવારથી જ ૮૯ બેઠકો પર જોરશોરથી પ્રચાર શરૂ થઇ ગયો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેન્દ્રીય પ્રધાનો, નેતાઓ તથા રાજકીય પક્ષોના નેતાઓની રેલીઓ, સભાઓ, રોડ-શો યોજાયા છે.

દેશ-વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ગુજરાતનો આ પ્રતિષ્ઠિત જંગ જીતવા ભાજપ અને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યુ છે અને પોતાની પુરેપુરી તાકાત કામે લગાડી છે. ભાજપ ગુજરાતમાં રર વર્ષથી સત્તાના સિંહાસન ઉપર છે અને તે સતત છઠ્ઠી વખત વિકાસના નામે મત માંગી સત્તાનું સુકાન સંભાળવા માંગે છે તો કોંગ્રેસ રર વર્ષનો વનવાસ પુરો કરી નવસર્જનના નામે ગુજરાતની ગાદી સંભાળવા થનગની રહેલ છે તો અન્ય પક્ષો પણ પોત-પોતાનુ નસીબ અજમાવવા માટે ચૂંટણીના જંગમાં ઉતરી પડયા છે.

ગુજરાતમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી આ ચૂંટણીમાં દેશભરમાંથી રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડયા છે. ચૂંટણી આડે હવે માત્ર કલાકો જ બાકી રહ્યા હોવાથી તમામ પક્ષોએ કરો યા મરોની જેમ પ્રચારમાં ઝુકાવી દીધુ છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દ.ગુજરાતના વિવિધ નાના-મોટા શહેરો અને ગામોમાં જોરશોરથી પ્રચાર થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે અનેક સ્થળે સભાઓ ગજાવી રહ્યા છે તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ પુરી તાકાતથી પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીઓની ફોજ પણ આજે અને કાલે જોરશોરથી પ્રચાર કરશે. રોડ-શો, જાહેરસભાઓ, રેલીઓ, મેળવડા, સંમેલનો વગેરે યોજાયા છે.

આવતીકાલે સાંજથી પ્રચાર પડઘમ બંધ થઇ જશે એ સાથે જ ડોર ટુ ડોર પ્રચાર કાર્ય શરૂ થશે. ગુજરાતમાં શનિવારે મતદાન હોય શુક્રવારની રાત કતલની રાત ગણાશે. એ રાત્રે વિવિધ રાજકીય પક્ષો પોત-પોતાની અંતિમ ઘડીની રણનીતિ અમલમાં મુકી છુટા હાથે મતદારોને આકર્ષવા ભરપુર પ્રયાસ કરશે એ નક્કી છે. ગુજરાતમાં અંતિમ દિવસે વિવિધ રાજકીય પક્ષો નાણાની કોથળી છુટી મુકી દયે તેવુ રાજકીય નીરીક્ષકો માની રહ્યા છે તો બીજી તરફ ચૂંટણી પંચ પણ પૈસાના ખેલ ન થાય તે માટે ચાંપતી નજર રાખી રહ્યુ છે.

ચૂંટણી ન્યાયપુર્ણ અને નિષ્પક્ષ થાય તે માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે. તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી રહી છે એટલુ જ નહી સંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળો, રેપીડ એકશન ફોર્સ, હોમગાર્ડ વગેરે ખડેપગે રહેશે.

 

(2:59 pm IST)