Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

મેકડોનાલ્ડ્સ, ડોમિનોઝ, KFC, પિઝા હટે ભાવ વધાર્યો

૧ સપ્તાહમાં ભાવમાં ૬ થી ૭ ટકાનો વધારોઃ ઇનપુટ ક્રેડિટ બંધ થવાથી પ્રોડકટ મોંઘી થઇ હોવાની દલીલ

નવી દિલ્હી, તા. ૬ : મેક્ડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, પિઝા હટ, ડોમિનોઝ અને KFC જેવી કિવક સર્વિસ રેસ્ટોરન્ટસ (QSR) એ છેલ્લા એક સપ્તાહમાં લગભગ પ૦ ટકા પ્રોડકટસની મેનુ પ્રાઇસમમાં ૬-૮ ટકા વધારો કર્યો છે. ભાવમાં વધારો મહદ્ અંશે ઉંચા ભાવની પ્રોડકટસ પર કરવામાં આવ્યો છે અને GSTકાઉન્સીલે ટેકસ રેટ ૧૮ ટકાથી ઘટાડી પાંચ ટકા કર્યા પછીઆ વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે કાઉન્સિલે તાજેતરમાં GST ના ટેકસ રેટમાં મોટો ઘટાડો કર્યો હતો, પણ રેસ્ટોરન્ટ્સની ઇનપુટ ટેકસ ક્રેડિટ બંધ કરી હતી. ઇનપુટ ક્રેડિટ એટલે આઉટપુટ પર ટેકસ ચૂકવતી વખતે કંપનીઓ ઇનપુટ પર ચૂકવેલો ટેકસ બાદ કરી બાકીની રકમ પર ટેકસ ચૂકવી શકે. એક મોટી ગ્લોબલ રેસ્ટોરનટ ચેઇનના CEO  એ જણાવ્યું હતું કે, 'કેટલીક પ્રોડકટ્સના ભાવમાં ઘટાડો થયો છે, પણ ઇનપુટ ટેકસ ક્રેડિટનો લાભ બંધ થવાથી અમારે પ્રોડકટસના ભાવમાં વધારો કરવો પડયો છે. વેચાણમાં ઘટાડો ટાળવા અમે કેટલીક પ્રચલિત પ્રોડકટસના ભાવમાં વધારો કર્યો નથી. ' તેમણે કહ્યું હતું કે, 'ટેકસનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવાનું શકય નથી.'

ડોમિનોઝે કેક, ગાર્લિક બ્રેડ અને કેટલાક હાઇ-એન્ડ પિઝાની મેનુ પ્રાઇસમાં ૬-૮ ટકા વધારો કર્યો છે. જયારે પ્રચલિત પિઝાના ભાવમાં ફેરફાર કરાયો નથી. જયુબિલન્ટ ફૂડવકર્સના પ્રવકતાએ જણાવ્યું હતું કે, 'ઇનપુટ ટેકસ ક્રેડિટનો લાભ બંધ થવાથી ઇનપુટ ખર્ચ વધ્યો છે. એ ખર્ચનો આંશિક હિસ્સો સરભર કરવા અમે ભાવ વધાર્યા છે. જોકે, ગ્રાહકોને અસરકારક ભાવમાં તાત્કાલિક ધોરણે નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.' તેમણે કહ્યું હતું કે, પિઝા મેનિયાનો ભાવ રૂ. ૬૯થી ઘટાડી રૂ. ૬ર, રેગ્યુલર માર્ગારિટા પિઝાનો ભાવ રૂ. ૧૧૭થી ઘટાડી રૂ. ૧૦૪ અને પિઝા દીઠ ભાવ રૂ. ર૩પ થી ઘટાડી રૂ. ર૦૯ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેકડોનાલ્ડસનું સંચાન કરતી હાર્ડકાસલ રેસ્ટોરન્ટસના પ્રવકતાએ જણાવ્યું હતું કે, એક સપ્તાહથી ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. સરકારે જીએસટી ૧૮ ટકાથી ઘટાડી પાંચ ટકા કર્યો છે. જોકે, ઇનપુટ ટેકસ ક્રેડિટ બંધ થઇ હોવાથી અમારો કાર્યકારી ખર્ચ વધ્યો છે.

(10:09 am IST)