Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સરહદે તણાવ વચ્ચે પીએમ મોદી અને શી જિનપિંગ આમને-સામને આવશે

બન્ને નેતા સંઘાઇ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠકમાં સામેલ થશે

નવી દિલ્હી : સરહદે તણાવ વચ્ચે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આમને સામને થશે ,બન્ને નેતા સંઘાઇ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠકમાં સામેલ થવા જઇ રહ્યા છે. વિદેશ મંત્રાલયે આ વાતની પૃષ્ટી કરી છે કે પીએમ SCO કાઉન્સિલના 20માં સમ્મેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની કરશે. જોકે, બન્ને વચ્ચે દ્વિપક્ષીય વાતચીતનો કાર્યક્રમ નથી પરંતુ બન્ને સરહદ પર તણાવ વચ્ચે પ્રથમ વખત કોઇ સ્ટેજ પર સાથે હશે અને આ કારણે દુનિયાની નજર આ બેઠક પર છે.

મેથી બન્ને દેશો વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યો છે. જૂનમાં તો બન્ને સેનાઓ વચ્ચે લદ્દાખની ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ થઇ હતી જેમાં ભારતના 20 સૈનિક શહીદ થઇ ગયા હતા. ચીનના પણ કેટલાક સૈનિક માર્યા ગયા હતા પરંતુ તેમણે હજુ સુધી સંખ્યાનો ખુલાસો કર્યો નથી. ભારે ઠંડી વચ્ચે પણ હથિયારોથી લૈસ બન્ને સેનાઓ સરહદ પર છે. આ વચ્ચે બન્ને પક્ષમાં 8 કમાન્ડર સ્તરની વાર્તા થઇ ચુકી છે પરંતુ યોગ્ય પરિણામ આવી શક્યુ નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ, “પીએમ મોદી 20મી એસસીઓ રાષ્ટ્ર પ્રમુખોના 20માં સમ્મેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની કરશે. જેનું આયોજન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અધ્યક્ષતામાં 10 નવેમ્બરે વર્ચુઅલી થવા જઇ રહ્યુ છે. આ ત્રીજી બેઠક છે જેમાં ભારત પૂર્ણ સભ્ય તરીકે સામેલ થશે.” ચીને એક દિવસ પહેલા જ પૃષ્ટી કરી દીધી છે કે શી જિનપિંગ આ બેઠકમાં સામેલ થશે.

એસસીઓ શિખર સમ્મેલનમાં શી જિનપિંગની ઉપસ્થિતિ વિશે ગુરૂવારે મીડિયાને સંબોધિત કરતા ચીનના ઉપ વિદેશ મંત્રી લી યુચેંગે કહ્યુ કે ચીનના રાષ્ટ્રપતિ અન્ય નેતાઓ સાથે નવા દ્રષ્ટિકોણ સાથે જોખમ અને પડકાર સામે લડવા, સુરક્ષા,સ્થિરતા વધારવા અને વિકાસના પગલા પર ચર્ચા કરશે. ઉપ વિદેશ મંત્રીએ આ બેઠકમાં દ્વિપક્ષીય વાર્તાનો ઇનકાર કર્યો હતો કારણ કે આ શિખર સમ્મેલનનું આયોજન ડિઝિટલ રીતે થશે, તેમણે આશા વ્યક્ત કરી છે કે કોવિડ-19 બાદના સમયમાં આમને-સામને બેઠક થઇ શકશે, તેમણે કહ્યુ કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકજૂટતા, એક બીજાનો વિશ્વાસ, બહુપક્ષવાદને મજબૂત કરવા અને કોવિડ-19 પછીના સમયમાં સમૂહ દેશોની પ્રગતિ માટે પોતાનો પ્રસ્તાવ મુકશે.

8 રાષ્ટ્ર ધરાવતા SCOમાં ચીનનો દબદબો છે. આ ક્ષેત્રીય સમૂહ વિશ્વની 42 ટકા વસ્તી અને વૈશ્વિક જીડીપીના 20 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. ચીન, રશિયા, કજાખસ્તાન, કીર્ગિસ્તાન, તાજીકિસ્તાન અને ઉજબેકિસ્તાન એસસીઓના સંસ્થાપક સભ્ય છે. એસસીઓનું કાર્યાલય બેઇજિંગમાં છે. ભારત અને પાકિસ્તાન 2017માં આ સમૂહમાં સામેલ થયા છે.

(9:35 pm IST)