Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

વિધાનસભા સચિવને અર્નબગોસ્વામી કેસમાં સુપ્રીમ કોર્ટની નોટિસ

પત્રકારને પત્ર લખવા-ધમકાવવા બદલ સુપ્રીમ ખફા : ઉદ્ધવની ટિકા બદલ મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવે અર્નબ વિરુદ્ધ વિશેષાધિકાર નોટિસ જાહેર કરી હતી

નવી દિલ્હી, તા.૬ : રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીના કેસમાં મહારાષ્ટ્ર સરકારને ઝટકો આપ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા વિશેષાધિકાર પ્રસ્તાવના કેસમાં ૧૩ ઓક્ટોબરના અર્નબ ગોસ્વામીને પત્ર લખવા તેમજ ધમકાવવા બદલ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવને કોર્ટની અવમાનના અંગે નોટિસ ફટકારી છે. આ ઉપરાંત સર્વોચ્ચ ન્યાયાલયે  અર્નબ ગોસ્વામીની ધરપકડ પર રોક લગાવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ટિકા કરવા બદલ મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવે અર્નબ ગોસ્વામી વિરુદ્ધ વિશેષાધિકાર નોટિસ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે વિધાનસભાના સચિવને બે સપ્તાહ બાદ આ કેસની આગામી સુનાવણી વખતે કોર્ટમાં હાજર રહીને જવાબ રજૂ કરવા જણાવ્યું છે. ત્યાં સુધી કોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વાની ધરપકડ સામે પણ સ્ટે આપ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એ બોબડેની વડપણ હેઠળની બેન્ચે આ કેસમાં વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારને ન્યાય મિત્ર નિયુક્ત કર્યા છે. કોર્ટે જણાવ્યું કે આ પત્ર ગંભીરતાપૂર્વક ન્યાય તંત્રમાં દખલરૂપ છે, કારમ કે આમાં કોર્ટમાં ઢસડી જવાની ચીમકી સાથે ધમકાવવામાં આવ્યા છે. જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્યને આ પત્રને ચોંકાવનારો ગણાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, આ પત્ર લખનારનો સ્પષ્ટ ઉદ્દેશ ફરિયાદીને ધમકાવવાનો છે, કારણ કે તેનો કોર્ટમાં અરજી કરી હતી અને તેને ઉલ્લેખનીય દંડ ફટકારવાની ધમકી અપાઈ હતી. કોર્ટે વધુમાં જણાવ્યું કે, કોર્ટમાં જવાનો અધિકાર અનુચ્છેદ ૩૨ હેટળ મૌલિક અધિકાર છે. કોર્ટે આ કેસમાં મદદ માટે એટોર્ની જનરલ કે કે વેણુગોપાલને નોટિસ પાઠવી છે. ગોસ્વામીના વકીલ હરીશ સાલ્વેએ ૧૩ ઓક્ટોબરના લખેલા પત્રને કોર્ટ સામે રજૂ કર્યો હતો. સાલ્વેએ અર્નબ ગોસ્વાનીના પત્ની વતી સોંગદનામા સાથે અરજી આપી હતી, કારણ કે અર્નબ અન્ય એક કેસમાં જેલમાં છે.

(8:28 pm IST)