Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

હજયાત્રા અંગે મહત્વની જાહેરાત : વયમર્યાદા 18થી 65 વર્ષ નક્કી કરાઈ : 7મીથી ઓનલાઇન અરજી કરી શકાશે.

છેલ્લી તારીખ 10 ડિસેમ્બર :પુરુષ (મહેરમ) વિના હજ માટે જનારી મહિલાઓ 3-3ના જૂથમાં અરજી કરી શકશે : આવી મહિલાઓ માટે 500 બેઠકો અનામત

નવી દિલ્હીઃ પવિત્ર હજયાત્રા અંગે કોરોનાને કારણે લાગેલ પાબંદીઓ હઠાવી લેવાઇ છે. ભારતીય હજ કમિટીએ ગુરુવારે હજ એક્શન પ્લાન ની જાહેરાત કરી દીધી. જો કે કોવિડ-19ને કારણે આ વખતે હજયાત્રા માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હજયાત્રા 30થી 35 દિવસની કરાઇ છે. એરપોર્ટની સંખ્યા પણ ઘટાડી દેવાઇ છે.

 

હજ કમિટિ ઓફ ઇન્ડિયાના એક્શન પ્લાન મુજબ 7 નવેમ્બરથી હજયાત્રા (Haj 2021) માટે ઓનલાઇન અરજી કરી શકાશે. છેલ્લી તારીખ 10 ડિસેમ્બર છે. હાજીઓ માટેની વયમર્યાદા પણ 18થી 65 વર્ષ નક્કી કરાઇ છે.

જ્યારે કોઇ પુરુષ (મહેરમ) વિના હજ માટે જનારી મહિલાઓને મંજૂરી આપતા 3-3ના જૂથમાં અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે. આવી મહિલાઓ માટે 500 બેઠકો અનામત રખાઇ છે.

અરજીની સાથે હજયાત્રાએ જવા માગતા લોકોએ પાસપોર્ટ, ફોટોગ્રાફ્સ, બેન્કમાં જમા રકમની રિસિપ્ટ સાથે પોતાનું સરનામું અપલોડ કરવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે અરજદારે પોતાનો મોબાઇલ નંબર રાખવાનો રહેશે.

ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલી Haj 2021

જેના પર OTP નંબર નાંખ્યા પછી ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરી થશે. આ વખતે સંપૂર્ણ વ્યવસ્થા ડિજિટલી હોવાથી દસ્તાવેજ અપલોડ કર્યા બાદ રાજ્યની હજ કમિટિની ઓફિસે કોઇ પણ પેપર જમા કરાવવાની જરુર રહેશે નહીં.

મેડિકલ સર્ટી જમા કરવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી

એક્શન પ્લાન મુજબ મેડિકલ સર્ટી જમા કરવાની છેલ્લી તારીખ એક જાન્યુઆરી છે. પ્રથમ હપ્તો જમા કરવાની છેલ્લી તારીખ 1 માર્ચ, પૈસા જમા કરાવવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2021 હશે. 15-16 મેના રોજ વેક્સિન કેમ્પમાં યાત્રીઓને રસી અપાશે.

26 જૂને હાજીઓની સાઉદી અરબમાં રવાનગી શરુ થશે. છેલ્લી ફ્લાઇટ 13 જુલાઇએ રહેશે. હજ 19 જુલાઇ 2021ના રોજ થશે. ત્યાર બાદ 14 ઓગસ્ટથી હાજીઓ ભારત પરત આવવાની શરુઆત થશે.

ઉપરાંત આ વખતે ડ્રોમાં પસંદ કરાયેલા હાજીઓએ પ્રથમ હપ્તો 81000ને બદલે 1,50,000 જમા કરાવવાનો રહેશે. એરપોર્ટ પર 21૦૦ રીયાલ ને બદલે ૧5૦૦ રીયાલ અપાશે. દેશના એરપોર્ટની  સંખ્યા પણ 21ને બદલે ઘટાડીને માત્ર 10 જ કરી દેવાઇ છે. તેથી ડ્રોમાં નંબર લાગવાની શક્યતા ઘટી જશે.

હજ (Haj 2021) કમિટિનો એક્શન પ્લાન

હજ 2021ની પોલિસીમાં કરાયા ફેરફાર

અરજી કરવાની તારીખ                   7 નવેમ્બર, 2020

અરજી કરવાની છેલ્લી તારીખ        10 ડિસેમ્બર, 2020

હાજીઓનો ડ્રો                                 જાન્યુઆરી , 2021

એડવાન્સ હપ્તો                                    1, માર્ચ, 2021

એડવાન્સ ભરવાની છેલ્લી તારીખ       26 એપ્રિલ, 2021

વેક્સિન કેમ્પમાં કોરોના રસી                 15-16 મે, 2021

પ્રથમ ફ્લાઇટ                                           26 જૂન, 2021

છેલ્લી ફ્લાઇટ                                           13 જુલાઇ,2021

હજયાત્રા શરુ                                    19 જુલાઇ, 2021

હાજીઓની પરત ફ્લાઇટ                    14 ઓગસ્ટ2021

હજયાત્રા 2021                                  30થી 35 દિવસ

એરપોર્ટની સંખ્યા ઘટાડાઇ               21ને બદલે 10

હજ એડવાન્સની રકમ વધારી           81,000ને બદલે 1,50,00

હાજીઓની મહત્મ વય ઘટાડી         65થી વધુ વય માટે પ્રતિબંધ

એરપોર્ટ પર રિયાલ ઘટાડ્યા            2100ને બદલે 1500 રિયાલ

(7:23 pm IST)