Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ઓરિસ્સાના જંગલમાં દુર્લભ પ્રજાતીનો કાળો વાઘ દેખાયો

વાઘના રહેઠાણની દ્રષ્ટીએ ભારત સૌથી મોટો દેશ : આ વાઘ મેલનિસ્ટિક ટાઇગરના નામથી ઓળખાય છે

ભૂવનેશ્વર, તા.૬ : ઓરિસ્સામાં કાળા રંગનો વાઘ દેખાયો છે, જે દુર્લભ પ્રજાતિનો છે. દુનિયામાં કાળો વાઘ બીજે ક્યાંય નથી અને ભારતમાં માત્ર સાત કે આઠ કાળા વાઘ જ બચ્યા છે. કાળા વાઘની તસવીરો કેમેરામાં કેદ કરવાનું સૌભાગ્ય શોખથી ફોટોગ્રાફી કરતા ફોટોગ્રાફર સૌમેન વાજપેયીને મળ્યું છે.

ઓરિસ્સામાં કાળા વાઘ મળવાથી વન્યજીવ પ્રેમી સ્તબ્ધ છે, કારણ કે કાળા વાઘની પ્રજાતિ મળવી ખૂબ જ દુર્લભ ક્ષણ છે. આ વાઘ ઓરિસ્સામાં જ જોવા મળે છે અને સામાન્ય વાઘોથી થોડાંક નાના હોય છે. હાલના સમયમાં તેમની કુલ સંખ્યા ૭ કે ૮ જ છે. તેમને મેલનિસ્ટિક ટાઇગરના નામથી ઓળખાય છે. ભારત વાઘોના રહેઠાણની દ્રષ્ટિથી સૌથી મોટો દેશ છે. ભારતમાં દુનિયાના અંદાજે ૭૦ ટકા વાઘ મળે છે, જેમાં સફેદ વાઘ પણ સામેલ છે. સફેદ વાઘ મધ્યપ્રદેશના પન્ના અને તેની આજુબાજુના વિસ્તારોમાં જ જોવા મળે છે. કાળા વાઘોના મામલામાં તેમનો રંગ જિનેટિક ડિફેક્ટના કારણ કાળા હોય છે, જે તેમના કેસરી રંગને ઢાંકી દે છે.

દુનિયા ૧૯૯૦ની સાલ સુધી કાળા વાઘની હાજરીથી અજાણ હતી. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિક અને વાઇલ્ડલાઇફ એક્સપર્ટ ડૉ.બિવાશ પાંડવ એ કહ્યું ઓરિસ્સામાં ૭ કે ૮ કાળા વાઘ છે. ૨૦૧૮માં તેની ગણતરી છેલ્લી વાર થઇ હતી અને ૨૦૦૭ની સાલમાં તેમના રહેવાના વિસ્તારની પહેલી વાર ઓળખ થઇ હતી. જો કે તેમના વજૂદ પર ખૂબ જ ખતરો મંડરાયેલો છે, કારણ કે શિકારના કારણે જ તેમની વસતી વિલુપ્ત થવાની કગાર પર છે પરંતુ સામાન્ય લોકોના વસવાટના લીધે તેમનો વિસ્તાર નાનો થઇ ગયો છે.

(7:10 pm IST)