Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

વૈજ્ઞાનિકોએ ગરમીમાં સ્ટોર કરાય એવી વેક્સિન તૈયાર કરી

કોરોના કાળમાં વેક્સિનને લઈને સારા સમાચાર : આઈઆઈએસ દ્વારા તૈયાર થનારી વેક્સિન ૧૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ૯૦ મિનિટ સુધી સંગ્રહિત કરી શકાય

નવી દિલ્હી, તા.૬ : કોરોના વાયરસ રસીના સંગ્રહ અને વિતરણ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ગરમ વાતાવરણવાળા દેશોમાં રસી સંગ્રહિત કરવી એ એક મોટો પડકાર છે. કારણ કે, મોટાભાગની રસી ૨થી ૮ ડિગ્રી તાપમાન વચ્ચે રાખવી જરૂરી છે. આને કોલ્ડ-ચેન મેનેજમેન્ટ કહેવામાં આવે છે. જો કે, કોરોના રસીના કિસ્સામાં આ પડકાર વધુ મોટો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના જણાવ્યા મુજબ, વિકસિત કેવિડ રસીઓને ૦ ડિગ્રીથી નીચે તાપમાન પર રાખવાની જરૂર રહેશે. પરંતુ શું થશે જ્યારે કોઈ કોરોના વેક્સીનને કોલ્ડ ચેનની જરૂર જ નહીં પડે? આના માટે ભારતીય વૈજ્ઞાનિકોએ કોવિડ વાયરસ માટે આવી જ એક ગરમ વેક્સીન તૈયાર કરી છે. ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઈ.આઈ.એસ) ના વૈજ્ઞાનિકો ગરમ વેક્સીન પર કામ કરી રહ્યા છે. તેમના મતે, આ રસી ૧૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ૯૦ મિનિટ સુધી સંગ્રહિત કરી શકાય છે. જો તાપમાન ૭૦ ડિગ્રી સેલ્સિયલ હોય તો તે ૧૬ કલાક સુધી જાળવી શકાય છે. આ રસી માનવ શરીરના તાપમાનમાં એટલે કે ૩૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં એક મહિના કરતા પણ વધારે સમય સુધી સ્ટોરેજ કરી શકાય છે.

આઈ.આઈ.એસના પ્રોફેસર અને બાયોફિઝિસિસ્ટ રાઘવન વરદરાજને બીબીસીને જણાવ્યું હતું કે, આ રસીનું પ્રાણીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રારંભિક પરીક્ષણમાં સારા પરિણામ મળ્યાં છે. હવે રાઘવનની ટીમ રસી માણસો પર સેફ્ટી અને ટોક્સિસિટી ટેસ્ટ માટે ફંડિંગની રાહ જોઈ રહી છે. તેમનું રિસર્ચ પેપર જર્નલ ઓફ બાયોલોજિકલ કેમિસ્ટ્રીમાં પ્રકાશિત થવાનું છે. ડબલ્યુએચઓ મુજબ, હાલમાં તાપમાનમાં ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ફક્ત ત્રણ રસી સંગ્રહિત કરી શકાય છે. જેમાં મેનિનજાઇટિસ, હ્યુમન પૈપિલોમાવાયરસ (એચવીપી) અને કોલેરા વેક્સીનનો સમાવેશ થાય છે. આ રસીઓ સરળાથી દૂરના સ્થળો પણ પહોંચાડી શકાય છે, જેથી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનું ભારણ પણ ઘટે છે. મોટા પાયે આ રસીઓની ડિલિવરીમાં સરળતા રહે છે. ગયા વર્ષે, જ્યારે મોઝામ્બિકમાં કોલેરાનો રોગચાળો ફેલાયો ત્યારે તે ઓરલ વેક્સિન વિતરિત કરવામાં વધુ સમય લાગ્યો ન હતો.ભારત પાસે ૪૦ મિલિયન ટન કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા છે પરંતુ તેનો મોટો ભાગ તાજા ખોરાક, આરોગ્ય ઉત્પાદનો, ફૂલો અને રસાયણોને સુરક્ષિત રાખવામાં થાય છે. ઘણી જગ્યાએ રસી સંગ્રહ માટે આંતરરાષ્ટ્રીય ધોરણ પણ પૂર્ણ નથી. તાપમાનમાં વધારો થતા રસીની અસર ખતમ થઈ જાય છે. આવી સ્થિતિમાં ભારતીય વૈજ્ઞાનિકોની આ 'ગરમ વેક્સીન' ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે, હાલ વિશ્વમાં કોરોનાની ૧૦ વેક્સીન ટ્રાયલના અંતિમ તબક્કામાં છે.

(7:02 pm IST)