Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પૂર્વ લદાખમાં તણાવ, એલએસી પર કોઈ જ બદલાવ મંજૂર નથી : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની ગર્જના : ચુશુલમાં કોર કમાન્ડર સ્તરની આઠમી બેઠક પહેલાં બિપિન રાવત દ્વારા ચીનને અપાયેલી ચેતવણી, ભારત તેની જમીનના રક્ષણ માટે સંપૂર્ણ સુસજ્જ

નવી દિલ્હી, તા.૬ : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના મતે પૂર્વ લદ્દાખમાં હજુ પણ સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. જનરલ રાવતે શુક્રવારના રોજ કહ્યું કે ચીનને તેના દુઃસાહસના લીધે આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેની તેને આશા નહોતી. તેમણે કહ્યું કે ચીન પીપલ્સ લિબરેશન આર્મી લદ્દાખમાં પોતાના દુઃસાહસને લઇ ભારતીય બળોની મજબૂત પ્રતિક્રિયાના લીધે અપ્રત્યાશિત પરિણામનો સામનો કરી રહ્યું છે. રાવતે કહ્યું કે અમારો રૂખ સ્પષ્ટ છે કે અમે એલએસીમાં કોઇ બદલાવ સ્વીકારીશું નહીં.

ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં ભારત-ચીનની વચ્ચે છેલ્લાં ૭ મહિનાથી ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે આજે ચુશુલમાં કોર કમાન્ડર સ્તરની આઠમી બેઠક મળી રહી છે. આ બધાની વચ્ચે ભારતે ચીનને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ એલએસી પર કોઇપણ પ્રકારની છેડછાડને સહન કરશે નહીં. જો ચીને કોઇપણ પ્રકારની ગુસ્તાખી કરવાની કોશિષ કરી તો ભારત પોતાની જમીનના રક્ષણ માટે કોઇપણ પગલાં ઉઠાવાથી સંકોચ કરશે નહીં.

સીડીએસ જનરલ બિપિન રાવતે કહ્યું કે એલએસી પર તણાવ સતત યથાવત છે. બંને દેશોની સેનાઓ તણાવ ઘટાડવા માટે સતત વાતચીત કરી રહ્યું છે. અમને ડિફેન્સ ડિપ્લોમેસીની અગત્યતા ખબર છે. આથી અમે મિલિટ્રી ડિપ્લોમેસી શ્રેષ્ઠ કરી છે. તેમણે કહ્યું કે ચીનને ભારતના જવાબનો અંદાજો નથી. જો ચીનની સેના (પીએલએ) એ લદ્દાખમાં કોઇપણ પ્રકારનું દુઃસાહસ કરવાની કોશિષ કરી તો તેને ભારતીય સેના જડબાતોડ પાઠ શીખવવામાં પીછે હટ કરશે નહીં.

જનરલ રાવતે સ્પષ્ટ કહ્યું કે અમને એલએસી પર કોઇપણ પ્રકારનો બદલાવ મંજૂર નથી. ચીનની સેનાને ૫ એપ્રિલ પહેલાંની પોઝિશન પર પાછા જવું જ પડશે. તેનાથી ઓછું અમને કંઇ મંજૂર નથી. તેમણે કહ્યું કે સ્થિતિ પર અમારી બાજ નજર છે. દેશની સેનાઓને ઘાતક બનાવા માટે તેમના જોઇન્ટનેસનું કામ સતત ચાલુ છે. તેમનો વિભાગ દેશની પહેલી મેરીટાઈમ થિયેટર કમાન્ડ અને એર ડિફેન્સ કમાન્ડ બનાવાની દિશામાં સતત આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં દેશને એક યુદ્ધ સોશિયલ મીડિયા પર પણ લડવું પડશે. આ મનોવૈજ્ઞાનિક યુદ્ધ હશે, જેમાં બીજા દેશ પર મનોવૈજ્ઞાનિક રીતે હુમલો કરવાની કોશિષ થશે. આ યુદ્ધની કેટલીક ઝલક આપણે હાલમાં જોઇ રહ્યા છીએ. તેમણે કહ્યું કે આવનારા વર્ષોમાં આપણી ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ મજબૂત થશે. તેનાથી માત્ર દેશની રક્ષા શક્તિ જ ખૂબ મજબૂત થશે નહીં પરંતુ સેનાઓને પણ આધુનિક હથિયાર સતત મળતા રહેશે.

નેશનલ ડિફેન્સ કોલેજના વેબિનારને સંબોધિત કરતાં જનરલ રાવતે કહ્યું કે પાકિસ્તાન હથિયારબંધ ઇસ્લામિક આતંકવાદનું એપી સેન્ટર છે. છેલ્લાં ૩૦ વર્ષમાં પાકિસ્તાન આર્મી અને ISI એ સતત જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવી રાખ્યો છે. તે એવો પાડોશી છે જેને કયારેય સુધારી શકાય નહીં. લદ્દાખમાં હાડ થીજાવી દે તેવી ઠંડી વચ્ચે ભારતીય લશ્કરના ૫૦ હજારથી વધુ સૈનિકો કોઈપણ પ્રતિકૂળતાનો સામનો કરવા સજ્જ છે. છ મહિનાથી ચાલી રહેલા ઘર્ષણને લઈને બન્ને દેશો વચ્ચે અનેક બેઠકો છતા હજી સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી.

(7:01 pm IST)