Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ભારતના પૂર્વ અમેરિકી રાજદૂત અરૂણકુમારસિંહ

અમેરિકામાં કોઇ પણ જીતે, ભારત સાથેના સંબંધો આગળ વધતા રહેશે

નવી દિલ્હી તા. ૬ : અમેરિકામાં ભારતના પૂર્વ રાજદૂત અરૂણકુમાર સિંહે અમેરિકી ચૂંટણી અને તેના ભારત સાથેના સંબંધો અંગે એક ઇન્ટરવ્યુમાં ખુલીને વાત કરી હતી.

તેમણે પરિણામ અંગે જણાવેલ કે, મને બીડનની જીતની આશા વધુ દેખાઇ રહી છે. પણ હાલ પૂરી રીતે કહેવું મુશ્કેલ છે. એરીઝોના ઉપર વિવાદ છે. જો એ મળી જાય તો વધુ એક સ્ટેટ જીતવું પડશે. નેવાડામાં આગળ છે, પણ સરસાઇ ઓછી છે. બાકીની ત્રણ જગ્યાઓ જોર્જીયા, નોર્થ કેરોલાઇના અને પેસિલવેનિયામાં ઓછા માર્જીનથી પાછળ છે. આ બધામાંથી કોઇ એક સ્ટેટ પણ તેમને મળી જાય તો તેઓ જીતી જશે.

ચૂંટણી પ્રક્રિયા અંગે વાત કરતા અરૂણકુમારે જણાવેલ કે, દરેક દેશને પોતાનું સંવિધાન અને વ્યવસ્થા હોય છે. ત્યાં સંધીય વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. રાજ્યોની પોતાની શકિત છે, એટલે રાજ્યવાર પરિણામનો પ્રભાવ હોય છે. નહીં કે રાષ્ટ્રીય સ્તરે. અમેરિકી સેનેટમાં દરેક રાજ્યથી બે પ્રતિનિધિ હોય છે. અમેરિકી સ્થાપનામાં આ સિધ્ધાંત અપનાવાયેલ કે રાજ્યોએ સંઘને બનાવ્યું.

પરિણામો અંગે જણાવેલ કે, ભારતને કોઇ પણ જીતે ફેર નથી પડતો. ૨૦૦૦ની સાલથી જ અમેરિકામાં કોઇ પણ રાષ્ટ્રપતિ હોય સંબંધો આગળ વધ્યા છે. ૨૦૦૦ના વર્ષમાં કલીંટન ભારત આવેલ, જે ડેમોક્રેટીક હતા તે પ્રવાસ ખૂબ જ સારો રહેલ. ત્યારબાદ રિપબ્લીકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે પરમાણુ સહયોગ કરાર કરેલ. ફરી ડેમોક્રેટ ઓબામાએ યુએનમાં ભારતની સ્થાયી સદસ્યતાનું સમર્થન કરેલ. ભારતને મુખ્ય રક્ષા ભાગીદાર બનાવ્યું. તેમણે બે વાર ભારત પ્રવાસ કરેલ જે કોઇ રાષ્ટ્રપતિએ નથી કરેલ.

(12:43 pm IST)