Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

લગ્ન માટે ધર્માન્તર ઉપર પ્રતિબંધ મૂકી શકાય નહીં : આવો પ્રતિબંધ ભારતીય બંધારણમાં આપવામાં આવેલા ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત હક્કના ભંગ સમાન : લગ્ન કરવાના હેતુ માટે કરાયેલા ધર્માન્તરને અમાન્ય ગણતા અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ

ન્યુદિલ્હી : અલ્હાબાદ હાઇકોર્ટે લગ્ન માટે કરેલા ધર્માન્તરને અમાન્ય ગણતો ચુકાદો આપતા એક દંપતીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.જેમાં જણાવ્યા મુજબ લગ્ન માટે ધર્માન્તર ઉપર પ્રતિબંધ એ ભારતના બંધારણમાં આપવામાં આવેલા ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત  હક્ક ઉપર તરાપ સમાન  છે.તેથી દંપતીએ ધર્માન્તર કરી લગ્ન કર્યા હોવાથી માગેલું  પોલીસ રક્ષણ પણ નહીં મળતા તે  અપાવવા અરજ કરી હતી.

કેસની વિગત મુજબ એક મુસ્લિમ યુવતીએ હિન્દૂ યુવક સાથે લગ્ન કરવા માટે ધર્માન્તર કર્યું હતું . પરંતુ યુવતીના પરિવારજનો દ્વારા આ લગ્ન  માન્ય ન હોવાથી તેઓના ઉપર હુમલો થવાના ભયથી દંપતીએ પોલીસ રક્ષણ માગ્યું હતું . પરંતુ અલાહાબાદ હાઇકોર્ટે માત્ર લગ્ન કરવા માટે કરેલા ધર્માન્તરને અમાન્ય ગણતો ચુકાદો આપ્યો હતો.તેથી પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું નહોતું . જેના પરિણામે યુગલે દૂર નાસી જવાની ફરજ પડી હતી.

આ પરિસ્થિતિમાં દંપતીએ સુપ્રીમ કોર્ટનું શરણું લઇ તેઓના લગ્ન માન્ય રાખવા અને પોલીસ પ્રોટેક્શન મળે તેવો હુકમ  કરવા અરજ કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:09 pm IST)