Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ફેંસલો

ઘરની ચાર દિવાલ વચ્ચે SC/ST પર અપમાનજનક ટિપ્પણી અપરાધ નથી

કોઇ જાહેર સ્થળે અપમાન કરાય તો જ અપરાધ ગણાય : બીજાની હાજરી હોવી જરૂરી

નવી દિલ્હી તા. ૬ : સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે, અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (ST)થી સંબંધિત કોઇ વ્યકિત વિરૂધ્ધ ઘરની ચાર દિવાલ વચ્ચે કોઇ સાક્ષીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ અપમાનજનક ટિપ્પણી અપરાધ નથી. સાથોસાથ કોર્ટે એક વ્યકિત વિરૂધ્ધ એસસી-એસટી કાનુન હેઠળ લગાવવામાં આવેલા આરોપોને રદ્દ કર્યો હતો. જેણે ઘરની અંદર એક મહિલાને કથિત રીતે ગાળ આપી હતી.

કોર્ટે કહ્યું હતું કે, કોઇ વ્યકિતનું અપમાન કે ધમકી અનુ.જાતિ કે અનુ.જનજાતિ કાનુન હેઠળ અપરાધ ગણાતો નથી. જો કે આ પ્રકારનું અપમાન - ધમકી પીડિતના અનુ.જાતિ કે જનજાતિથી સંબંધિત હોવાનું કાણ ન હોય. કોર્ટે કહ્યું છે કે એસસી અને એસટી કાનુન હેઠળ અપરાધ ત્યારે ગણાય જ્યારે સમાજના નબળા વર્ગના સભ્યને કોઇ સ્થળે લોકોની સામે અભદ્રતા, અપમાન અને શોષણનો સામનો કરવો પડે.

કોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે, આ મામલામાં લગાવવામાં આવેલા આરોપોમાં કોઇ આધાર નથી તેથી આરોપપત્ર ફગાવવામાં આવે છે.

કોર્ટે કહ્યું છે કે, જો ભવનની બહાર જેમ કે ઘરની સામે લોનમાં અપરાધ કરાય કે જેને રસ્તા પરથી કે દીવાલની બહાર કોઇ વ્યકિત દ્વારા જોઇ શકાય તેમ હોય તો તે નિશ્ચિત રૂપે આમ લોકો દ્વારા જોવાની જગ્યા હશે.

ખંડપીઠે કહ્યું હતું કે, મહિલાને ગાળ આપવાનો આરોપ તેની ઇમારતની અંદર છે અને ત્યાં બીજી કોઇ વ્યકિત ન્હોતી. જો કોઇએ જોયું ન હોય કે સાંભળ્યું ન હોય તો તે અપમાન કઇ રીતે હોય શકે. ખંડપીઠે ૨૦૦૮ના એક ફેંસલાનો હવાલો આપ્યો હતો. જેમાં સમાજમાં અપમાન અને કોઇ બંધ જગ્યામાં કરવામાં આવેલ ટિપ્પણી વચ્ચેનો તફાવત બતાવવામાં આવ્યો હતો.

(11:22 am IST)