Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

૨૪ કલાકમાં ૪૭,૬૩૮ નવા કેસ નોંધાયા : ૬૭૦ દર્દીના મોત

ભારતમાં કોરોનાનો હાહાકાર : કુલ સંક્રમિતોની સંખ્યા ૮૪ લાખને પાર : ૧.૨૪ લાખ દર્દીઓએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા

નવી દિલ્હી તા. ૬ : ભારતમાં કોરોના સંક્રમિતોના જાહેર થતાં આંકડા ૫૦ હજારની આસપાસ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ સામે લડીને જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા પણ ૭૦૦ની આસપાસ નોંધાઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૪૭,૬૩૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૬૭૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૮૪,૧૧,૭૨૪ થઈ ગઈ છે.

 

નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૭૭ લાખ ૬૫ હજાર ૯૬૬ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૫,૨૦,૭૭૩ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૪,૯૮૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૫ નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૧,૫૪,૨૯,૦૯૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૧૨,૨૦,૭૧૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતની વાત કરીએ તો ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૯૯૦ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૧૦૫૫ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે ૭ દર્દીઓના મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૩૭૪૭ થયો છે. ૨૪ કલાકમાં સૌથી વધુ સુરતમાં ૨૧૭ કેસ નોંધાયા છે. રાજયમાં કોરોનાના કુલ કેસ ૧,૭૭,૫૯૮ નોંધાયા છે. જેમાંથી એકિટવ કેસ ૧૨,૩૨૬ છે. આજે રાજયમાં કુલ ૫૧,૫૪૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં સાજા થવાનો દર ૯૦.૯૫ ટકા છે.

રાજયના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં સુરતમાં ૨૧૭, અમદાવાદમાં ૧૭૩, વડોદરામાં ૧૧૫, રાજકોટમાં ૯૪, મહેસાણામાં ૪૪, ગાંધીનગરમાં ૩૭, બનાસકાંઠામાં ૩૫, પાટણમાં ૨૯ સહિત કુલ ૯૯૦ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના કારણે ૭ દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં ૩, અમદાવાદમાં ૨ જયારે દાહોદ અને ગાંધીનગરમાં ૧-૧ દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં ૨૨૦, અમદાવાદમાં ૧૭૬, વડોદરામાં ૧૪૫, રાજકોટમાં ૭૮, સાબરકાંઠામાં ૪૦ સહિત કુલ ૧૦૫૫ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

ગુજરાતમાં અત્યારે કુલ ૧૨,૩૨૬ દર્દીઓ એકિટવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૬૭ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજયમાં ૧૨,૨૫૯ દર્દીઓ સ્ટેબલ છે. રાજયમાં અત્યાર સુધીમાં ૧,૬૧, ૫૨૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(11:19 am IST)