Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

એસબીઆઇને એનપીએનો જંગી બોજ : 60 હજાર કરોડ અટવાઈ જવાની ભીતિ

મોટા પ્રમાણમાં લોન રિસ્ટ્રક્ચરિંગની અરજી મળી: 42 ગ્રાહકોએ 4,000 કરોડની લોન પુનર્ગઠનની અરજી

નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં કુલ 60,000 કરોડ રૂપિયાની અટવાયેલી અને પુનર્ગઠિત લોનનો અંદાજ લગાવ્યો છે. બેંકને પહેલા જ કોરોના પેકેજ હેઠળ 6,495 કરોડ રૂપિયાની લોન પુનર્ગઠનની અરજી મળી છે. તે સિવાય 2500 કરોડ રૂપિયા સુધીની રિટેલ લોનની રિસ્ટ્રક્ચરિંગની પણ અરજી મળી છે. આ ઉપરાંત એમએસએમઈ સેક્ટર તરફથી પણ મોટા પ્રમાણમાં લોન રિસ્ટ્રક્ચરિંગની અરજી મળી છે. કોર્પોરેટ સેક્ટરની વાત કરીએ તો 42 ગ્રાહકોએ લગભગ 4,000 કરોડ રૂપિયાની લોન પુનર્ગઠનની અરજી આપી છે. બેંકને ડિસેમ્બર 2020 સુધી વધારાની લોન રિસ્ટ્રક્ચરિંગની આશા છે. આ પ્રકારથી કંપનીને કોરોનાકાળમાં કુલ 19,495 કરોડ રૂપિયાની લોન પુનર્ગઠન કરવી પડશે.

આરબીઆઈએ કોર્પોરેટ અને બેંકને બે વર્ષના સમયગાળા માટે લોન પુનર્ગઠન માટે ડિસેમ્બર 2020 સુધીનો સમય આપ્યો છે. પુનર્ગઠન તરીકે ક્લાસિફાઇડ લોનને એનપીએ તરીકે નહીં ગણવામાં આવે. જોકે બેંક આ પ્રકારની લોન વિરુદ્ધ જોગવાઈ બનાવવા માટે સ્વતંત્ર છે. એસબીઆઈ (SBI)ના ચેરમેન દિનેશ ખારાએ જણાવ્યું કે વધુ પડતી પુનર્ગઠનની રિક્વેસ્ટ કોર્પોરેટ તરફથી આવી રહી છે જ્યારે એસએસએમઈ તરફથી થોડી ઘણી આવી રહી છે.

 

નાણાકીય વર્ષ 2021ના ગત ક્વાર્ટરમાં અટવાયેલી (slippages) લોન લગભગ 6,393 કરોડ રૂપિયા છે. એસબીઆઈનું કહેવું છે કે તે સિવાય વધારાના પ્રોફાર્મા સ્લિપેજ 2020-21ના બીજા ક્વાર્ટરમાં 14,388 કરોડ રૂપિયા છે. બેંકને અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં 20,000 કરોડ રૂપિયાની સ્લિપેજ હશે. કુલ સ્લિપેજ 40,781 કરોડ રૂપિયાની આંકવામાં આવી છે. બેંકનું કહેવું છે કે હાલના સમયમાં મોટો પડકાર વિસ્તૃત વર્કિંગ કેપિટલ ચક્ર અને ઉદ્યોગ માટે રોકડ પ્રવાહમાં ઘટાડાના કારણે ઉત્પન્ન થયું છે. જોકે બેંકની ક્રેડિટ દર વર્ષે 6 ટકા વધી છે. ચેરમેન ખારાનું કહેવુ છે કે રિટેલમાં ક્રેડિટ ગ્રોથ કોવિડ-19ના પહેલાના સ્તરે આવી ગઈ છે. અમે હોમ અને ઓટો લોનમાં સારા ટેક્શન જોયા છે.

એક તરફ એસબીઆઈ જેવી દિગ્ગજ બેંક કોરોનાકાળમાં એનપીએ વધવાની આશંકા સામે ઝઝૂમી રહી છે તો આ વચ્ચે ખાનગી બેંકોએ 159 ટકાની વૃદ્ધિ ગત વર્ષની સરખામણી હાંસલ કરી છે. ખાનગી બેંકોએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 18,814 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જોકે ઓગસ્ટ 2020 સુધી કોઇ પણ ગ્રાહકના અકાઉન્ટમાં નોન-પરફોર્મિંગ એસેટ્સ જાહેર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશના કારણે હાલ સંપૂર્ણ આકરણી નથી કરી શકાઇ.

(12:00 am IST)