Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ગૃહ મંત્રી અમિતભાઈએ શેર કર્યો કરતારપુર કોરિડોરનો વીડિયો: મોદી સરકારની ઐતિહાસિક ઉપલબ્ધી ગણાવી

વડાપ્રધાને લાખો લોકોનાં સ્વપનને સાકાર કર્યું

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરનાઉદઘાટન પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સાથે અમિતભાઈ  શાહે કરતારપુર કોરિડોરને મોદી સરકારની ઐતિહાસિક ઉપલબ્ધી ગણાવી છે. અમિતભાઈ  શાહે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, 'કરતારપુર સાહિબ કોરિડોર એક ઐતિહાસિક ઉપલબ્ધી છે, જે ભક્તોની પેઢીઓ યાદ રાખશે. આ આપણા સમૃદ્ધ વારસાને સંરક્ષિત રાખવાની અને શ્રી ગુરુ નાનક દેવજીના બોધપાઠને સાર્વભૌમિક બનાવવા પ્રત્યે મોદી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.'

બીજી એક ટ્વીટમાં શાહે લખ્યું છે કે, "કરતારપુર સાહિબ કોરિડોર ખુલવાની સાથે આજે જ્યારે આપણે શ્રી ગુરુ નાનક દેવજીનું 550મું પ્રકાશ પર્વ ઉજવી રહ્યા છીએ. PM@narendramodiએ લાખો લોકોનાં સ્વપનને સાકાર કર્યું છે. ચાલો આપણે સૌ 9 તારીખે ઈતિહાસના સાક્ષી બનીએ, જ્યારે PM@narendramodi આ કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કરશે."આ સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રીએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં કરતારપુર સાહિબ કોરિડોરનું વિગતવાર વર્ણન છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેરા બાબા નાનક ખાતે એક જાહેર સભા સંબોધવાના છે અને અહીંથી તેઓ કરતારપુર કોરિડોર અને પેસેન્ડર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરવાના છે. સાથે જ તેઓ કરતારપુર સાહિબ કોરિડોરના માર્ગે જનારા શિખ શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાને પણ રવાના કરશે.પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પાકિસ્તાનના પંજાબ રાજ્યના નોરવલ જિલ્લામાં બનેલા કોરિડોરનું ઉદ્ઘાટન કરશે

(11:44 pm IST)