Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

હાઉસિંગ સેક્ટર માટે દસ હજાર કરોડ ફંડને મંજુરી

હાઉસિંગ સેક્ટર માટે સીતારામનની જાહેરાત : સુધારાઓની ગતિને વધુ તીવ્ર કરવા પણ જાહેરાત : એક સ્પેશિયલ ફંડ બનશે : કુલ ૨૫,૦૦૦ કરોડનો ફંડ રહેશે

નવી દિલ્હી, તા. ૬ : સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. આનાભાગરુપે કેબિનેટે ૧૦૦૦૦ કરોડ રૂપિયાના સ્પેશિયલ ફંડને મંજુરી આપી દીધી છે. આનાથી હાઉસિંગ સેક્ટરમાં નવા પ્રાણ ફૂંકાઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે, સરકાર એક સ્પેશિયલ ફંડ બનાવી રહી છે જેમાં સરકાર ૧૦૦૦૦ કરોડનું યોગદાન આપશે. અત્રે નોંધનીય છે કે, મંગળવારના દિવસે જ નાણામંત્રીએ કહ્યું હતું કે, હવે આર્થિક સુધારાઓના પગલાઓને ખુબ ઝડપથી લેવામાં આવનાર છે. સરકાર એક સ્પેશિયલ ફંડ બનાવવા જઈ રહી છે જેમાં સરકારનું યોગદાન ૧૦૦૦૦ કરોડનું રહેશે. આમા અન્ય અનેક સંસ્થાઓને સામેલ કરવામાં આવશે. તમામને ગણીને ૨૫૦૦૦ કરોડ રૂપિયાનો ફંડ રહેશે. આમા એસબીઆઈ અને એલઆઈસી શરૂઆતમાં સામેલ થશે અને આગળ ચાલતા અન્ય સંસ્થાઓ પણ આની સાથે જોડાશે. ત્યારબાદ ફંડની રકમ વધારવામાં આવી શકે છે.

            નાણામંત્રીએ કહ્યું હતું કે, આ ફંડ દ્વારા એક એકાઉન્ટમાં પૈસા નાંખીને અપૂર્ણ પ્રોજેક્ટોને લાભ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, શરૂઆતમાં આ એકાઉન્ટ એસબીઆઈની પાસે રહેશે. સીતારામનના કહેવા મુજબ સ્પેશિયલ ફંડને લઇને પણ વિશેષ જોગવાઈ રાખવામાં આવી રહી છે. રેરામાં જે પણ અપૂર્ણ પ્રોજેક્ટ છે તેમને એક પ્રોફેશનલ એપ્રોચ હેઠળ સહકાર આપીને પૂર્ણ કરવાની દિશામાં પગલા લેવામાં આવશે. એટલે કે, જો ૩૦ ટકા કામ બાકી છે તો જ્યાં સુધી પ્રોજેક્ટ પૂર્ણ થશે નહીં તેમને મદદ કરવામાં આવશે. આવાસ ખરીદનાર લોકોને મકાન વહેલીતકે સોંપી શકાય તે હેતુસર આની શરૂઆત કરવામાં આવી રહી છે. જો તે એનપીએ રહેશે તો પણ મદદ કરવામાં આવશે. જો કંપની લિક્વિડેશન તરફ જાય છે તો તેને આનો કોઇ લાભ મળી શકશે નહીં.

        નાણામંત્રીએ કહ્યું હતું કે, અમે પહેલા જ કહી ચુક્યા છે કે, ઘરવાળા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવશે. આવાસ ખરીદનાર મોટી સંખ્યામાં લોકોએ અમારો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ કરી હતી કે, એડવાન્સ રકમ આપવામાં આવ્યા બાદ પણ તેમને ફ્લેટ મળી રહ્યા નથી. મંત્રાલયના આંકડા મુજબ ૧૬૦૦થી વધારે હાઉસિંગ પ્રોજેક્ટ રોકાયેલા છે અને ૪.૫૮ હાઉસિંગ યુનિટ પર કામ અટવાયું છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં પ્રભાવિત લોકો અને બેંકોની સાથે બેઠકો યોજવામાં આવી છે. એક બેઠકમાં તો આરબીઆઈના ગવર્નર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આવાસ ખરીદનારાઓના હિતમાં સૂચનો કર્યા હતા. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, જો કોઇ યુનિટમાં પ્રોજેક્ટ શરૂ થયો છે અને પૂર્ણ થયો નથી તો સહકાર અપાશે.

મોટી જાહેરાતની સાથે

*   હાઉસિંગ સેક્ટર અથવા તો રિયલ એસ્ટેટ સેક્ટર માટે મોટી જાહેરાત કરાઈ

*   ૧૦૦૦૦ કરોડના સ્પેશિયલ ફંડને મંજુરી અપાઈ

*   સ્પેશિયલ ફંડમાં સરકારનું યોગદાન ૧૦૦૦૦ કરોડનું અને કુલ સ્પેશિયલ ફંડનો આંકડો ૨૫૦૦૦ કરોડનો રહેશે

*   એસબીઆઈ અને એલઆઈસીને પહેલા સામેલ કરાશે

*   અન્ય સંસ્થાઓ સાથે જોડાયા બાદ ફંડની રકમમાં વધારો કરાશે

*   એનપીએ પ્રોજેક્ટને પણ લાભ આપવામાં આવશે

*   આવાસ ખરીદનાર લોકોને વહેલીતકે મકાન મળી શકે તે હેતુસર મોટો નિર્ણય કરવામાં આવ્યો

*   હાલમાં ૧૬૦૦થી વધારે પ્રોજેક્ટો જે હાઉસિંગ સાથે સંબંધિત છે તે અટવાઈ પડ્યા છે

(9:15 pm IST)