Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

PNB કાંડ : નિરવમોદીની જામીન અરજી ફરી એકવાર ફગાવાઈ

લંડનની કોર્ટે ફરાર કારોબારીને ફટકો આપ્યો : પીએનબી છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા હિરા કારોબારીને કોઇપણ રાહત આપવા કરાયેલો ઇન્કાર

નવીદિલ્હી, તા. ૬ : લંડનની કોર્ટે આજે પંજાબ નેશનલ બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ફરાર હિરાકોરાબારી નિરવ મોદીની નવી જામીન અરજીને ફગાવી દીધી હતી. પીએનબી સાથે જંગી છેતરપિંડી કરીને નિરવ મોદી ફરાર થઇ ગયો હતો. પીએનબી છેતરપિંડી અને મની લોન્ડરિંગના મામલામાં નિરવ મોદી સામે ઉંડી તપાસ ચાલી રહી છે. ૧૯મી માર્ચના દિવસે ધરપકડ કરવામાં આવ્યા બાદથી નિરવ મોદી દક્ષિણ પશ્ચિમ લંડનમાં આવેલી વેન્ડ્સવર્થ જેલમાં છે જે ઇંગ્લેન્ડની સૌથી ભરચક રહેતી જેલો પૈકીની એક છે. અત્રે નોંધનીય છે કે, નિરવ મોદી સામે છેલ્લા ઘણા સમયથી ઉંડી તપાસ ચાલી રહી છે. બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ માટેના પ્રવક્તાએ કહ્યું છે કે, જ્યાં સુધી સુનાવણી પરિપૂર્ણ થશે નહીં ત્યાં સુધી જામીન અરજી માટેના આધારને જારી કરવામાં આવશે નહીં. બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા કોર્ટમાં પ્રત્યાર્પણ કાર્યવાહીમાં ભારત સરકારને પ્રતિનિધિત્વ કરવામાં આવી રહ્યું છે.

                નિરવ મોદી છેલ્લા ઘણા સમયથી જામીન માટે અરજી કરી રહ્યો છે. પોતાની છેલ્લી અરજીમાં નિરવ મોદીએ ડિપ્રેશનની સ્થિતિમાં હોવાનો પણ દાવો કર્યો છે. અગાઉની તેની જામીન અરજીઓને ફગાવી દેવામાં આવી હતી. લંડનમાં હાઈકોર્ટમાં પણ નિરવ મોદી તરફથી અરજી કરવામાં આવી હતી પરંતુ તેને કોઇ રાહત મળી રહી નથી. છેલ્લી સુનાવણી વેળા જજે કહ્યું હતું કે, તેની પ્રત્યાર્પણની ટ્રાયલ આગામી વર્ષે ૧૧મી મે અને ૧૫મી મે વચ્ચેના ગાળામાં શરૂ કરવામાં આવશે. કેશ મેનેજમેન્ટ સુનાવણી આગામી વર્ષે ફેબ્રુઆરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. સુનાવણી દરમિયાન વેસ્ટ મિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટે કહ્યું હતું કે, નિરવ મોદી પીએનબી છેતરપિંડીના સંદર્ભમાં કાવતરાના ભાગરુપે જે લેટર ઓફ અન્ડરટેકિંગ જારી કરવામાં આવ્યા હતા તેમાં મુખ્ય લાભ મેળવનાર શખ્સ છે.

(7:55 pm IST)