Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

પંચકુલા : દેશદ્રોહની કલમ દૂર થતાં હનીપ્રિતને જામીન

જામીન મળતા એજ દિવસે મુક્ત કરવા સૂચના : દેશદ્રોહની કલમ દૂર થયા બાદ અન્ય તમામ કલમો હેઠળ જામીન મળે તેવી સ્થિતિ હતી : હનીપ્રિતને અપાયેલ રાહત

ચંદીગઢ, તા. ૬ : ડેરાસચ્ચા સોદાના પ્રમુખ ગુરમિત રામરહીમને સાધ્વી રેપ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ હરિયાણામાં ભડકેલી હિંસાના મામલામાં આરોપી હનીપ્રિતને પંચકુલાની કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આ મામલામાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં હનીપ્રિત પર અગાઉ દેશદ્રોહની કલમ દાખલ કરવામાં આવી હતી. છેલ્લી સુનાવણી દરમિયાન હનીપ્રિત ઉપર રજૂ કરવામાં આવેલી દેશદ્રોહની કલમને દૂર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હનીપ્રિતે જામીન માટે અરજી દાખલ કરી હતી. પંચકુલાની હિંસાના આ મામલામાં ધરપકડ કરવામાં આવેલી હનીપ્રિત હાલમાં અંબાલા જેલમાં છે. હનીપ્રિતને બુધવારના દિવસે જેલમાંથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે ઉપસ્થિત કરવામાં આવી હતી જ્યારે કેસના અન્ય આરોપીઓને પ્રત્યક્ષરીતે કોર્ટ સંકુલમાં જજની સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. દેશદ્રોહની કલમ દૂર થયા બાદ હનીપ્રિતની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર નંબર ૩૪૫માં સામેલ તમામ કલમો એવી હતી જેના પર તેને જામીન મળી શકવાના હતા. આજ આધાર પર કોર્ટે હનીપ્રિતને જામીન આપીને જેલમાંથી મુક્તિ માટેના આદેશ જારી કરી દીધા છે.

                    કોર્ટમાંથી જામીન મળ્યા બાદ અંબાલા જેલની બહાર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી હતી. હનીપ્રિતને જેલમાંથી છોડી મુકવા માટેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હતી. હનીપ્રિત ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમિત રામરહીમની દત્તક લીધેલી પુત્રી તરીકે હોવાની વિગતો સપાટી ઉપર આવતી રહી છે. ઓગસ્ટ ૨૦૧૭માં ડેરા પ્રમુખને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ પંચકુલામાં હિંસા ભડકાવવા માટે કથિતરીતે કાવતરા રચવા બદલહનીપ્રિતની સાથે અન્ય આરોપીઓના નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

(7:53 pm IST)