Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

પુષ્કર મેળામાં વિદેશી અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા

૧૨મી નવેમ્બર સુધી પુષ્કર મેળાનું આયોજન : ગ્રામિણ અને વિદેશી પ્રવાસીઓની વચ્ચે ચક દે રાજસ્થાન ફુટબોલ મેચ આકર્ષણનું કેન્દ્ર : પશુઓની કરાયેલી ખરીદી

જયપુર, તા. ૬ : રાજસ્થાનના પુષ્કરમાં દર વર્ષે યોજાતા ભવ્ય મેળાની શરૂઆત થઇ ચુકી છે. નવ દિવસ સુધી ચાલનાર આ આંતરરાષ્ટ્રીય મેળામાં દેશવિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ વખતે મેળાની શરૂઆત પુષ્કર સરોવરની પૂજા અર્ચનાની સાથે કરવામાં આવી હતી. મેળા સ્ટેડિયમમાં ધ્વજારોહણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મેળા મેદાનમાં આયોજિત આ મેળાના ગાળા દરમિયાન જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં સજાવવામાં આવેલા ઊંટના પ્રદર્શન, બાળકોની સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, અન્ય સંગીતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. ગ્રામિણ અને વિદેશી પ્રવાસીઓ વચ્ચે ચક દે રાજસ્થાન ફુટબોલ મેચનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સાંજે પુષ્કરના બાવન જુદા જુદા ઘાટ પર મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૨મી નવેમ્બર સુધી ચાલનાર આ મેળામાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પહોંચી ચુક્યા છે.

               પશુધન ખરીદી કરનાર અને વેચનાર લોકો પણ પહોંચી ચુક્યા છે. આ પશુમેળામાં ઊંટ, અશ્વ અને ગૌવંશની મોટાપાયે ખરીદી કરવામાં આવે છે. સાથે સાથે પાંચ દિવસીય ધાર્મિક મેળાને લઇને આઠમી નવેમ્બરે કાર્તિક અકાદશી સ્નાનની પણ શરૂઆત થઇ રહી છે. કાર્તિક પૂર્ણિમા ૧૨મી નવેમ્બરના દિવસે આવનારછે. આ દિવસ દરમિયાન મેળામાં રોજ સાંજે છ વાગે મેળા ગ્રાઉન્ડ ઉપર મહાત્મા ગાંધી પર તૈયાર કરવામાં આવેલી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવનાર છે. નવમી નવેમ્બરના દિવસે રવિ પવાર અને ૧૧મી નવેમ્બરના દિવસે કૈલાશ ખેર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવશે. પુષ્કર આવવા માટે દિલ્હી, જયપુર, આગરા જેવા મુખ્ય શહેરોથી બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોટાભાગના પ્રવાસી પહેલા અજમેર પહોંચે છે અને ત્યારબાદ પુષ્કર પહોંચે છે. ટ્રેન અને ફ્લાઇટ મારફતે પણ લોકો પહોંચી રહ્યા છે.

(7:48 pm IST)