Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ઘટનાક્રમોની વચ્ચે સંજય રાવતની શરદ પવાર-ઉદ્ધવ ઠાકરેની સાથે મિટિંગ

૧૩ દિવસ બાદ પણ સરકાર રચવાને લઇ ગુંચ : શરદ પવાર સરકાર રચવાને લઇને સ્પષ્ટ નથી : અહેવાલ

મુંબઇ,તા. ૬ : મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને સતત રાજકીય વળાંકો આવી રહ્યા છે. જુની સરકારની અવધિ પુરી થવા આડે ૧૨ કલાકનો ગાળો રહ્યો છે ત્યારે શિવસેના અને ભાજપ બંને નવી સરકારની રચનામાં લાગી ગયા છે. બીજી બાજુ શિવસેના નેતા સંજય રાવતે ફરી એકવાર આજે શરદ પવાર સાથે બેઠક યોજી હતી. એક સપ્તાહમાં પવાર અને રાવત વચ્ચે બીજી વખત બેઠક યોજાઈ હતી. પવાર સાથે વાતચીત કર્યા બાદ સંજય રાવત માતુશ્રી પહોંચ્યા હતા જ્યાં શિવસેેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી હતી. અલબત્ત એનસીપીના વડા શરદ પવારે પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટતા કરી દીધી હતી કે પ્રજાએ ભાજપ અને શિવસેનાને બહુમતિ આપી છે જેથી એનસીપી વિપક્ષમાં જ બેસશે. પવાર સાથે બેઠક યોજ્યા બાદ રાવતે આ બેઠકને શિષ્ટાચાર બેઠક તરીકે ગણાવી હતી. એક સપ્તાહમાં બીજી વખત મુલાકાતને લઇને રાજકીય વર્તુળોમાં ચર્ચા રહી હતી. સંજય રાવતે કહ્યું હતું કે, પવાર દેશ અને પ્રદેશના વરિષ્ઠ નેતા છે. તેઓ મહારાષ્ટ્રમાં આજની રાજકીય સ્થિતિને લઇને ચિંતિત છે. આ મુદ્દા પર વિસ્તારપૂર્વક વાતચીત કરવામાં આવી ચુકી છે.

(7:46 pm IST)