Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સરકાર અન્ય દેશો પાસેથી ડુંગળીની આયાતને પ્રોત્સાહન આપશે જેથી તેના ભાવ નીચા લાવી શકાયઃ કેન્‍દ્રની આંતર મંત્રાલય સમિતિને જાહેરાત

નવી દિલ્હીઃ દેશમાં ડૂંગળીની આવક ઘટી જતાં અત્યારે મોટાભાગના શહેરોમાં એક કિલો ડૂંગળી રૂ.80થી રૂ.100ના ભાવે વેચાઈ રહી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે બુધવારે જણાવ્યું કે, સરકાર અન્ય દેશો પાસેથી ડૂંગળીની આયાતને પ્રોત્સાહન આપશે, જેથી તેના ભાવ નીચે લાવી શકાય. મંગળવારે આ અંગે આંતર મંત્રાલય સમિતિની એક બેઠક મળી હતી, જેમાં ડૂંગળીની ઉપલબ્ધતા અને કિંમતો અંગે સમીક્ષા કર્યા પછી નિર્ણય લેવાયો હતો.

અફઘાનિસ્તાન, ઈજિપ્ત, તુર્કી અને ઈરાન ખાતેનાં ભારતીય મિશનોને ભારતને ડૂંગળીનો પૂરવઠો પુરતા પ્રમાણમાં પહોંચાડવા માટે જણાવાયું છે. આશા રાખવામાં આવી રહી છે કે, ટૂંક સમયમાં જ 80 થી 100 જેટલા ડૂંગળીના કન્ટેનર ભારત આવી પહોંચશે.

ડૂંગળીની આયાતનો નિર્ણય એ બાબત સ્પષ્ટ કરે છે કે તેની ઘરેલુ ઉપલબ્ધતા પુરતી નથી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચોમાસું મોડું બેઠું હતું અને ચોમાસું બેઠા પછી અનેક વિસ્તારોમાં જરૂર કરતાં વધુ વરસાદ પડતાં ડૂંગળીના પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું. સરકાર મહારાષ્ટ્ર અને અન્ય દક્ષિણ ભારતીય રાજ્યોમાંથી ઉત્તર ભારતમાં ડૂંગળીનો પુરવઠો પહોંચાડવાના પણ પ્રયાસ કરી રહી છે.

(5:01 pm IST)