Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

હવે પાણીની અંદરથી પરમાણુ મિસાઇલ માટેનું પરીક્ષણ થશે

૩૫૦૦ કિમી રેંજ ધરાવતી મિસાઇલનું પરીક્ષણ : શુક્રવારના દિવસે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પરથી પરીક્ષણ સબમરીનમાંથી દુશ્મન ઉપર ત્રાટકવાની ક્ષમતા ચકાસાશે

ભુવનેશ્વર, તા. ૬ : સબમરીનથી દુશ્મનના ટાર્ગેટ ઉપર ત્રાટકવાની ક્ષમતાને વધુ વિસ્તૃત કરીને ભારત દ્વારા હવે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પાણીમાંથી ૩૫૦૦ કિલોમીટરની રેંજ ધરાવતી કે-૪ પરમાણુ મિસાઇલ લોંચ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. સબમરીનથી દુશ્મન ઉપર ચોક્કસ ટાર્ગેટને પાર પાડવાના હેતુસર ભારત વધુ એક મિસાઇલનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. શુક્રવારના દિવસે કે-૪ પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ દરમિયાન પણ મિસાઇલને પાણીની અંદર જ ઝીંકવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, આ મિસાઇલ સિસ્ટમને ભારતના અંતરિક્ષ સંશોધન અને વિકાસ સંસ્થા ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવી છે. ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી અરિહંત ક્લાસની પરમાણુ સબમરીન પર આ સિસ્ટમને ગોઠવવામાં આવનાર છે.

                 ભવિષ્યમાં આ સિસ્ટમ અને અરિહંત સબમરીન ભારતના પરમાણુ અભિયાન માટે ખુબ નિર્ણાયક બની શકે છે. સરકારી સુત્રોના કહેવા મુજબ શુક્રવારના દિવસે ડીઆરડીઓ વિશાખાપટ્ટનમ દરિયાથી પાણીની નીચે સ્થિત પ્લેટફોર્મથી આ મિસાઇલના ટેસ્ટ ફાયર કરનાર છે. આમા મિસાઇલની એડવાન્સ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવનાર છે. કે-૪ એવી બે અન્ડરવોટર મિસાઇલો પૈકી એક છે જે ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે. બીજી મિસાઇલ ૭૦૦ કિલોમીટર રેંજની છે જેને બીઓ-૫ કહેવામાં આવે છે. શુક્રવારના દિવસે ડીઆરડીઓ મિસાઇલની પૂર્ણટેસ્ટ રેંજ પર પરીક્ષણ કરશે કે કેમ તેને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. જો કે, ટૂંકમાં જ આ સંદર્ભમાં પણ ચિત્ર સ્પષ્ટ થશે. સબમરીનથી લોંચિંગ એજ વખતે કરવામાં આવશે જ્યારે લોંચિંગ માટે  સંપૂર્ણપણે તૈયાર કરી લેવામાં આવશે.

(7:46 pm IST)