Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

અમૃતસરના રસ્તાઓ પર ઈમરાન-સિધ્ધૂના પોસ્ટર જોવા મળ્યા

પોસ્ટર્સમાં સિધ્ધૂ અને ઈમરાન ખાનને કરતારપુર કોરિડોરના અસલી હીરો ગણાવ્યા

અમૃતસર, તા.૬:ગુરુ નાનક દેવની ૫૫૦મી જયંતી અગાઉ પાકિસ્તાન સરહદમાં સ્થિત શિખોના પ્રમુખ ધાર્મિક સ્થળ કરતારપુર સાહેબ સુધી જવા માટેના કોરિડોરનું ઉદઘાટન ૯ નવેમ્બરના રોજ થવાનું છે. પાકિસ્તાન દ્વારા આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિધૂ સહિત કેટલાક ભારતીય નેતાઓને નિમંત્રિત કર્યા છે. આ મુદ્દે પહેલેથી જ વિવાદ થઈ રહ્યો હતો, પરંતુ આ દરમિયાન અમૃતસરના રસ્તા પર લાગેલા પોસ્ટર્સમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ને પૂર્વ ક્રિકેટર તેમજ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિધૂની તસવીરો જોવા મળી રહી છે.

આ ઉપરાંત આ પોસ્ટરમાં કરતારપુર કોરિડોર માટે આ બંને નેતાઓનો આભાર વ્યકત કરતા તેમને આ કોરિડોર પાછળના 'અસલી હીરો'ગણાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે ૧૨ નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવની જયંતિની ઉજવણી કરવામાં આવશે. અમૃતસરના રસ્તા પર આ પોસ્ટર્સ વેરકાના કાઉન્સિલર માસ્ટર હરપાલ સિંહ દ્વારા લગાવવામાં આવ્યા છે.

હરપાલ સિંહે જણાવ્યું કે, 'અમે એ લોકોનો આભાર વ્યકત કરવા ઈચ્છીએ છે જેમણે આ કોરિડોરને હકીકતમાં પરીણમ્યો. આ માટે અમે નવજોત સિંહ સિધૂ સાહેબ અને ઈમરાન ખાનનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરીએ છે.' પાકિસ્તાન તરફથી મળેલા નિમંત્રણ પર નવજોત સિંહ સિધૂએ વિદેશ મંત્રી એસ જયશંકરને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે પાકિસ્તાન સરકાર તરફથી મને ૯ નવેમ્બરના રોજ કરતારપુર સાહેબ કોરિડોરના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા માટે મને આમંત્રણ મળ્યું છે. આ ખાસ અવસર પર પાકિસ્તાન પ્રવાસ કરવા માટે હું ભારત સરકાર પાસેથી મંજૂરી માગુ છું.'

(3:41 pm IST)