Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કલકતામાં ત્રણ મુમુક્ષુ બહેનો ૧૮મીએ પૂ.નમ્રમુનિ મ.સા.ના શરણમાં દિક્ષા ગ્રહણ કરશે

૩૮ વર્ષ બાદ સંયમ મહોત્સવ યોજાશેઃ ટ્રામમાં શોભાયાત્રા

 રાજકોટઃ તા.૬,   કોલકતામાં ૩૮ વર્ષ બાદ, દીક્ષાદાનેશ્વરી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં આજીવન સમર્પિત કરવા થનગની રહેલાં મુમુક્ષુ શ્રી હિરલબેન જસાણી (કોલકતા), મુમુક્ષુ શ્રી ક્રિષ્નાબેન હેમાણી (કોલકતા), મુમુક્ષુ શ્રી ચાર્મીબેન સંદ્યવી (ઝરીયા)નો શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના આયોજનોની હારમાળા યોજાશે.

 જેમાં તા.૯ના રોજ ત્રણ મુમુક્ષુ આત્માઓના સંસાર ત્યાગ ભાવની અનુમોદના કરતા કોલકતાના રાજમાર્ગો પર શાસનધ્વજ લહેરાવતી શોભાયાત્રા અનેકોમાં પ્રેરણાં આપતાં ભવ્ય ફ્લોટ્સ, રાસ મંડળીઓ, વિવિધ પ્રકારનાં બેન્ડના ગુંજારવ તેમજ  કોલકત્ત્।ાની શાન એવી  સજાવેલી ટ્રામમાં દીક્ષાર્થીઓને બિરાજમાન કરીને આ શોભાયાત્રા સવારે ૭:૩૦ કલાકે શ્રી ટોલીગંજ ઉપાશ્રયથી પ્રારંભ કરવામાં આવશે, જે કોલકાતાના શ્રી નવલખા ઉપાશ્રય મોટા સંદ્યના આંગણે પહોંચતા ત્યા દીક્ષાર્થી સન્માન સમારોહ યોજાશે.

તા.૧૦ને રવિવારે, શ્રી હેતલબેન મિલનભાઈ શાહના નિવાસ સ્થાનથી ગૌરવવંતી શાસન પ્રભાવના યાત્રાનો પ્રારંભ થશે જે શ્રી કામાણી જૈન ભવન પહોંચતા જ સ્વજન સન્માન સમારોહનું આયોજન થશે.

જયારે તા.૧૪ને ગુરુવારે સવારે ૮ કલાકે અનન્ય ગુરુભકત, વૈષ્ણવ પરિવારના શ્રી હેતલબેન હેમંતભાઈ હરખાણીના આવાસ સ્થાનેથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ૮:૩૦ કલાકે સ્વસ્તિક વિધિ કાર્યક્રમ અને સંસ્થા સન્માન બાદ 'રજોહરણ'નાટિકા અને ત્યારબાદ દીક્ષાર્થીઓ દ્વારા બેઠું વર્ષીદાનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સાંજના  ૭ કલાકે 'સાધક સાધના દર્શન'નું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૧૫ને શુક્રવાર સવારે ૮:૩૦ કલાકે રજતતુલા વિધિ, સવારે ૧૦:૩૦ કલાકે કટાક્ષ સાંજી અને 'તમે શ્રેષ્ઠ છો 'નાટિકાનું આયોજન તેમજ સાંજના ૦૭.૦૦ કલાકે    યોગેશભાઈ ગઢવીના શ્રીમુખેથી સંયમ અનુમોદના અને દીક્ષા વિધી સમજનું  બાળકો માટે આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરાંત તા.૧૬ને શનિવાર સવારે ૭  કલાકે મંડપ મુહૂર્ત, 'અરિહંત કી અદાલત' નાટિકા અને દીક્ષાર્થીઓના ભાઈઓના હાથે  અંતિમ સ્નેહ બંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દીક્ષાર્થીઓ પોતાનાં ભાઈની કલાઈ પર અંતિમવાર રાખી બાંધશે. સાથે, ઉપકરણ વંદનાવલી અને સાંજીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના ૭  કલાકે ૧૮ પાપસ્થાનક સંવેદન અને લુક એન લર્નના ૪૦થી પણ વધારે બાળકો દ્વારા 'સજા v/s મઝા' ભવ્ય નાટિકાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૧૭ને રવિવાર સવારે ૭ કલાકે ધર્મનો જયનાદ કરતી શાસન પ્રભાવના શોભાયાત્રાનો પ્રારંભ, ૪૧ એલગીન રોડ, નીલકમલ એપાર્ટમેન્ટ, શ્રી મનીષાબેન માલાણીના આવાસસ્થાનથી થશે. શોભાયાત્રા બાદ સંયમ સાધના ધામમાં, માતૃ - પિતૃ વંદના, 'સંબંધોની Reality' નાટિકા તેમજ દીક્ષાર્થીઓનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો છે.

૩ મુમુક્ષુઓનો સંસારનો અંતિમ દિવસ, એટલે શ્રી ભાગવતી જૈન દીક્ષા દિવસ. તા.૧૮ને સોમવાર, સવારે ૭ કલાકે દીક્ષાર્થીઓની એમના સંસારગૃહેથી પ્રારંભ થએલી 'મહાભિનિષ્ક્રમણ યાત્રા' બાદ સવારનાં ૮ કલાકે ત્રણ મુમુક્ષુ આત્માઓને સંસાર સાગરથી ઉગારતા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

૧૪ નવેમ્બર થી ૧૮ નવેમ્બર સુધી મહોત્સવનાં દરેક કાર્યક્રમ સંયમ સાધના ધામ, નોર્ધન પાર્ક, કોલકાતા ખાતે રાખવામાં આવ્યા છે. પ્રભુનાં દરબારમાં ત્રણ મુમુક્ષુ આત્માઓના મંગલ પ્રવેશનાં આ કલ્યાણના અવસરોમાં દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારીને સંયમ અને સંયમીઓની અનુમોદનાનો લાભ લેવા શ્રીસંદ્ય તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

(3:31 pm IST)