Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

પુષ્કરના મેળામાં પહોંચ્યો ઘી અને કાજુ-બદામ ખાતો પાડો, કિંમત છે ૧૫ કરોડ

પુષ્કર, તા.૬: તમને આ વાત થોડી વિચિત્ર લાગી શકે પણ રાજસ્થાનના પુષ્કરમાં જે પશુ મેળો ભરાયો છે તેમાં આ પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ પાડાનું નામ ભીમ છે. જે દુનિયાના સૌથી મોટા પશુ મેળામાં જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ, આ પાડાની કિંમત આશરે ૧૫ કરોડ રૂપિયા જાણવા મળી રહી છે. આ પાડાના માલિકે જણાવ્યું કે પાડાનું વજન આશરે ૧૩૦૦ કિલોગ્રામ છે. તેની સારસંભાળ અને ખાણીપીણી પાછળ દર મહિને આશરે સવા લાખ રૂપિયાનો ખર્ચો થાય છે.

આ પાડાના માલિકે જણાવ્યું કે જો તમે આ પાડાની ખાણીપીણી વિશે જાણશો તો ચોંકી જશો. તમને કદાચ વિશ્વાસ નહીં થાય પણ આ પાડો દરરોજ એક કિલોગ્રામ દ્યી, અડધો કિલોગ્રામ માખણ, મધ, દૂધ અને કાજુ-બદામ વગેરે ખાય છે. દર મહિને આ પાડાની ખાણીપીણી પાછળ આશરે સવા લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. આ પાડાની માલિશ માટે એક કિલોગ્રામ સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. કુલ ૪ લોકો આ પાડાની સારસંભાળ રાખે છે. આ પાડાની ઉંમર ૬ વર્ષ છે અને તે અન્ય ભેંસોની સરખામણીમાં વધુ ભરાવદાર અને મજબૂત છે. આ પાડાની લંબાઈ ૧૪ ફૂટ છે.

(11:37 am IST)