Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

મહારાષ્‍ટ્ર રાજકીય દંગલ

નવી સરકાર રચવા મામલે આજે BJP-શિવસેના બેઠક?

નાયબ મુખ્‍યમંત્રી અને મંત્રી મંડળમાં ૪૦% ભાગ આપવા ભાજપ તૈયાર

નવી દિલ્‍હી તા. ૬ :.. મહારાષ્‍ટ્રમાં ભાજપા પોતાના સહયોગી શિવસેનાને કોઇ સંજોગોમાં મુખ્‍ય પ્રધાન પદ નહીં આપે. પક્ષ શિવસેનાને વધુમાં વધુ નાયબ મુખ્‍ય પ્રધાન પદ અને મંત્રી મંડળમાં ૪૦ ટકા ભાગીદારી આપવા પર જ સંમત થશે. જો શિવસેના મુખ્‍ય પ્રધાન બનાવવાની શરત અને પ૦-પ૦ ના ફોર્મ્‍યુલાની જીદ ચાલુ રાખશે તો રાજયમાં નવી સરકારની રચનામાં મોડું થવાનું નકકી છે. બન્‍ને પક્ષો વચ્‍ચે આજે બુધવારે નવી સરકારની રચના અંગે વાતચીત થઇ શકે છે. જો કે એ નકકી નથી કે આ મીટીંગમાં ઉધ્‍ધવ ઠાકરે સામે ભાજપા પ્રમુખ અમિત શાહ હશે કે જે.પી. નડ્ડા.

વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્‍યા પછી શિવસેના સરકારની રચનામાં પ૦-પ૦ (કાર્યકાળના અર્ધા અર્ધા ભાગ) ફોર્મ્‍યુલા લાગુ કરવાની જીદ લઇને બેઠી છે. શિવસેના ઇચ્‍છે છે કે આ ફોર્મ્‍યુલા હેઠળ પહેલો કાર્યકાળ તેના ભાગે આવે અને તેને પોતાનો મુખ્‍ય પ્રધાન બનાવવાનો મોકો મળે. આ બાબતે તીખી બયાનબાજી છતા ભાજપા પોતાના સહયોગીને બહુ ભાવ આપવાના મુડમાં નથી. પક્ષના રણનીતિકારોને લાગે છે કે શિવસેના દબાણની રાજનીતિ કરીને નાયબ મુખ્‍ય પ્રધાન પદની સાથે અડધું પ્રધાન મંડળ અને કેટલાક ખાસ ખાતા ઇચ્‍છે છે. જો કે ભાજપા વગર શિવસેના માટે એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર બનાવવાનો રસ્‍તો સહેલો નથી.

મહારાષ્‍ટ્રના રાજકારણ સાથે સંકળાયેલ એક સીનીયર નેતા અનુસાર મુખ્‍ય પ્રધાન પદ આપવાનો સવાલ જ નથી. જો શિવસેનાને નાયબ મુખ્‍ય પ્રધાન પદ મળશે તો તેને પ્રધાન મંડળમાં વધુમાં વધુ ૪૦ ટકા ભાગ મળશે. તેને કેટલાક મહત્‍વપુર્ણ ખાતાઓ મળી શકે તેનાથી વધારે કંઇ નહીં મળે. કેમ કે ભાજપા મુખ્‍યપ્રધાનપદ અને અર્ધો-અર્ધો કાર્યકાળની શરત કોઇ સંજોગોમાં નહીં સ્‍વીકારે.

બન્‍ને પક્ષો વચ્‍ચે નવી સરકારની રચના અંગે બુધવારે વાતચીત થઇ શકે છે. પક્ષના સુત્રો અનુસાર, ઉધ્‍ધવ ઠાકરે સાથે વાતચીતની આગેવાની અમિત શાહ કરશે કે જે. પી. નડ્ડા તેનો નિર્ણય નથી લેવાયો. જો પક્ષને શિવસેના પોતાની શરતો પર અડગ રહેવાના સંકેતો મળશે તો શાહની જગ્‍યાએ નડ્ડા વાતચીત કરશે. 

(11:36 am IST)