Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

મધ્‍યાન્‍હ ભોજન સહિત બધા બિન શૈક્ષણિક કાર્યોમાંથી શિક્ષકોને મુકિત મોદી સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્‍હી તા. ૬ :.. શાળાના શિક્ષકોને રાહત આપનારા એક મોટા સમાચાર છે. આગામી દિવસોમાં તેમને બધા બિન શૈક્ષણીક કામોમાંથી સંપૂર્ણ પણે મુકત કરવામાં આવી શકે છે. એટલે પછી તેમના પર ફકત અને ફકત બાળકોને ભણાવવાની જ જવાબદારી રહેશે. અત્‍યારે શાળામાં ભણાવતા આ શિક્ષકોનું સૌથી વધુ ધ્‍યાન બાળકોનું મધ્‍યાન્‍હ ભોજન તૈયાર કરાવવા અને તેમને જમાડવા પર જ રહે છે. આ ઉપરાંત મતદાર યાદી તૈયાર કરવી, વસ્‍તી ગણત્રી જેવા કામો પણ તેમના ભાગે આવે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રસ્‍તાવિત નવી શિક્ષણ નીતિના પોતાના આખરી મુસદામાં શાળાના શિક્ષકોને બિન શૈક્ષણીક કાર્યોમાંથી સંપૂર્ણ પણે મુકત કરવાની ભલામણ કરી છે. સાથે જ આશા વ્‍યકત કરી છે કે તેનાથી શાળાકીય શિક્ષણની ગુણવતામાં સુધારો જોવા મળશે.

નવી શિક્ષણ નીતિ તૈયાર કરનાર કમીટીએ પોતાના શરૂઆતની મુસદામાં પણ શિક્ષકોને મધ્‍યાન્‍હ ભોજનની કામગીરીથી દુર રાખવાની ભલામણ કરી હતી. જો કે મંત્રાલયે તેમાં સુધારો કરીને તેમને બધા બિન શૈક્ષણીક કામોથી દુર રાખવાનું સુચન કર્યુ છે. આ પગલું એટલે મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે, કેમ કે શાળાઓમાં શિક્ષકોની પહેલાથી જ અછત છે.

એક રિપોર્ટ અનુસાર, દેશભરની શાળાઓમાં મંજૂર થયેલી જગ્‍યાઓની સામે શિક્ષકોની દસ લાખ જગ્‍યાઓ ખાલી પડી છે.  મંત્રાલયે આના કારણે જ આવી ભલામણો કરી છે. પ્રસ્‍તાવિત નવી શિક્ષણ નીતિનો રિપોર્ટ ટૂંક સમયમાં જ કેબિનેટ સમક્ષ રજૂ  થવાનો છે.

(10:13 pm IST)