Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ગુડ ન્યુઝ...ન્યુનત્તમ પગાર ૨૮ ટકા વધે તેવી શકયતા

કેન્દ્ર સરકાર નવો વેજ કોડ લાવી રહી છેઃ શ્રમિકોનું દૈનિક વેતન રૂ. ૨૦૦થી ૨૨૫ વચ્ચે નક્કી થશે

નવી દિલ્હી, તા. ૬ :. દેશભરમાં કામ કરતા કામદારો-શ્રમિકોને મળતા લઘુતમ વેતનમાં આવતા ૩ મહિનાની અંદર વધારો થાય તેવી પુરેપુરી શકયતા છે. કેન્દ્ર સરકારે કામદારો માટેના નવા નિયમો ઘડયા છે જે અંતર્ગત લઘુતમ વેતન પણ વધશે. ૨૦૧૭માં નક્કી કરવામાં આવેલ પગારની માર્ગદર્શિકા અનુસાર હાલ જે ચુકવણુ થાય છે તેમાં ૨૮ ટકાનો વધારો થશે.

શ્રમ મંત્રાલય દ્વારા વેતન અંગેના નિયમો ૨૦૧૯ અંતર્ગત લોકો પાસેથી જે સૂચનો માંગવામાં આવ્યા છે તેનો આ એક ભાગ છે. કેન્દ્ર સરકારે ઘડેલો મુસદ્દો જણાવે છે કે પહેલી વખત સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડ નેશનલ ફલોર વેજ (પગાર)ને કાનૂની વાઘા પહેરાવવામાં આવશે જેનો કેન્દ્ર અને રાજ્યોએ અમલ કરવાનો રહેશે. જે દૈનિક રૂ. ૨૦૦ અને ૨૨૫ની વચ્ચે નક્કી કરવામાં આવે તેવી શકયતા છે. આનાથી ૧૪ થી ૨૮ ટકાનો વધારો થશે. હાલ કેટલાક રાજ્યોમાં દૈનિક રૂ. ૧૭૫ ચૂકવવામાં આવે છે. નવા નિયમો હેઠળ કામકાજની શિફટ ૯ કલાકની રહેશે.

(10:24 am IST)