Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

નહેરૂ મેમોરીયલ કોંગ્રેસમુક્‍ત : દિગ્‍ગજો સાથે કમલેશ જોશીપુરાને સ્‍થાન

મોદી સરકારે મેમોરીયલની નવી સમિતિમાં ૨૮ સભ્‍યોને લીધાઃ અમિત શાહ, નિર્મલા સીતારામન, જાવડેકર, વી. મુરલીધરન, પ્રહલાદસિંહ પટેલ, રજત શર્મા, પ્રસુન્‍ન જોશી, કિશોર મકવાણા વગેરેની નિમણૂંક : નવી સમિતિમાં કોંગ્રેસના કોઈપણ સભ્‍ય નથીઃ મલ્લિકાર્જુન ખડગે, કરણસિંહ અને જયરામ રમેશની હકાલપટ્ટીઃ સમિતિના અધ્‍યક્ષ વડાપ્રધાન મોદી અને ઉપાધ્‍યક્ષ રાજનાથસિંહ છે

નવી દિલ્‍હી, તા. ૬ :. કેન્‍દ્રની મોદી સરકારે નહેરૂ મેમોરીયલ મ્‍યુઝીયમ એન્‍ડ લાયબ્રેરીને સંપૂર્ણ રીતે કોંગ્રેસ મુકત કરી દીધેલ છે. કેન્‍દ્ર તરફથી ગઈકાલે રાત્રે મેમોરીયલના નવા સભ્‍યોની જાહેરાત કરવામાં આવી છે. કરવામાં આવેલી જાહેરાત અનુસાર આ સમિતિના પુનર્ગઠનમાં મલ્લિકાર્જુન ખડગે, કરણસિંહ અને જયરામ રમેશને સ્‍થાન નથી મળ્‍યું.

કેન્‍દ્રીય મંત્રી નિર્મલા સિતારામન, રમેશ પોખરીયાલ નિશંક, પ્રકાશ જાવડેકર, વી. મુરલીધરન, પ્રહલાદસિંહ પટેલ, પ્રસારભારતીના ચેરમેન એ. સૂર્યપ્રકાશને પણ સભ્‍ય બનાવવામાં આવ્‍યા છે. સમિતિમાં ઈન્‍ડીયા ટીવીના રજત શર્મા અને ગીતકાર પ્રસુન્‍ન જોષીને પણ સામેલ કરવામાં આવ્‍યા છે.

સમિતિના નવા સભ્‍યોનો કાર્યકાળ ૨૬ જુલાઈ ૨૦૨૦ કે તે પછી નવા આદેશ સુધીનો રહેશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આ સમિતિના અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ સમિતિના ઉપાધ્‍યક્ષ રહેશે. સમિતિમાં કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ સામેલ છે. નવી સમિતિના કુલ ૨૮ સભ્‍ય છે. જ્‍યારે ગત સમિતિમાં ૩૪ સભ્‍યો હતા.

સમિતિના અન્‍ય ચહેરાઓમાં પીએમ મોદી પર પુસ્‍તક લખનારા કિશોર મકવાણા, જે.એન.યુ.ના પૂર્વ વીસી કપિલ કપુર, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ચાંસલર કમલેશ જોશીપુરા, રાઘવેન્‍દ્રસિંહને પણ જગ્‍યા મળી છે.

નહેરૂ મેમોરીયલ મ્‍યુઝીયમ એન્‍ડ લાયબ્રેરીને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની યાદીમાં બનાવવામાં આવેલ હતી. ગઈકાલે સાંસ્‍કૃતિક મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ નોટીફીકેશન બાદ આ મામલે કોંગ્રેસ અને ભાજપ વચ્‍ચે જોરદાર રાજકીય લડાઈ ફાટી નીકળે તેવી શકયતા છે. અત્રે નોંધનીય છે કે હાલના વર્ષોમાં ભાજપ સતત અલગ અલગ મામલાઓને લઈને નહેરૂ અને તેમની વિરાસત પર સવાલ ઉઠાવતુ રહ્યુ છે. હવે કોંગ્રેસના સભ્‍યોને બહારનો રસ્‍તો દેખાડવામાં આવતા વધુ હોબાળો થાય તેવી શકયતા છે. હાલ રાજનીતિ અને ભારતમાંથી ભલે ભાજપ કોંગ્રેસ મુકત કરાવી શકયુ ન હોય પરંતુ કોંગ્રેસના સૌથી દિગ્‍ગજ નેતાઓમાંથી એક પૂર્વ વડાપ્રધાન નહેરૂની વિરાસતમાંથી ભાજપે કોંગ્રેસથી મુકત કરી દીધેલ છે.

(11:29 am IST)