Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

'ઘૂંઘટ' કાઢવાનો રિવાજ નાબૂદ કરવો જોઈએઃગેહલોત

મહિલાઓને ઘૂંઘટમાં કેદ કરી રાખવી સારું છે? મહિલા ઘૂંઘટમાં હશે ત્યાં સુધી તે પ્રગતિ નહીં કરી શકે

જયપુર, તા.૬: રાષ્ટ્રનિર્માણ માટે મહિલાઓનાં સશકિતકરણના મહત્ત્વ પર ભાર મૂકતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે મંગળવારે કહ્યું હતું કે 'ઘૂંઘટ'કાઢવાની પ્રથા વહેલામાં વહેલી તકે નાબૂદ કરવી જોઈએ. અમુક ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ અમુક મહિલાઓ ઘૂંઘટ કાઢીને તેમનો ચહેરો ઢાંકી લેતી હોવાની પ્રથા અંગે નારાજગી વ્યકત કરતા ગેહલોતે કહ્યું હતું કે વીતી ગયેલા યુગની આ પ્રથા છે. હવે સમય બદલાઈ ગયો છે, પરંતુ અનેક ગામડાંઓમાં ઘૂંઘટ કાઢવાની પ્રથા હજુ પણ ચાલુ જ છે, એમ તેમણે કહ્યું હતું. મહિલાઓને ઘૂંઘટમાં કેદ કરી રાખવી સારું છે? મહિલા ઘૂંઘટમાં હશે ત્યાં સુધી તે પ્રગતિ નહીં કરી શકે, એમ જયપુરમાં એક કાર્યક્રમને સંબોધન કરતા તેમણે કહ્યું હતું. મહિલાઓનું સશકિતકરણ થઈ રહ્યું છે તેમ જ સમાજમાં બદલાવ લાવવાની તેમની ક્ષમતા છે અને તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે, એમ તેમણે કહ્યું હતું.મહિલાઓ તમે પૂરી તાકાતથી આગળ વધો રાજય સરકાર તમારી સાથે છે, એમ તેમણે કહ્યું હતું. બાળલગ્ન પ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરવાના મહત્ત્વ પર પણ ગેહલોતે એમ કહીને ભાર મૂકયો હતો કે આ પ્રથા બાળકોનું જીવન બરબાદ કરી નાખે છે. મહિલાઓ વિરુદ્ઘના ગુનાઓ અંગે અમારી સરકાર ગંભીર છે અને એટલે જ મહિલાઓ વિરુદ્ઘના ગુનાના કેસ પર નજર રાખવા આ વર્ષના આરંભમાં જિલ્લા સ્તરે વરિષ્ઠ પોલીસ અધિકારીની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું. આ અધિકારી આવા તમામ કેસને નિહાળશે અને મહિલાઓને ન્યાય મળે તેની ખાતરી કરશે, એમ તેમણે કહ્યું હતું. સ્કૂલમાં અભ્યાસ કરતી છોકરીઓને સ્વબચાવની તાલીમ આપવામાં આવી રહી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે શાળા સિવાયની અન્ય છોકરીઓનો પણ તેમાં સમાવેશ કરી લેવાનો અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં રાજયના મહિલા અને બાળ સશકિતકરણ ખાતાના પ્રધાન મમતા ભુપેશે પણ હાજરી આપી હતી.

(9:55 am IST)